પૌરાણિક પરંપરા : લોકસમુદાય આગળ પુરાણ વગેરે વાંચી સંભળાવનારા કથાકારોની પરંપરા. ભારતની અનુશ્રુતિ મુજબ વેદગ્રંથો પાયાના ગ્રંથો છે. તે અપૌરુષેય મનાયા છે, અર્થાત્ એમની ઉત્પત્તિ દૈવી છે. બ્રહ્માનાં ચાર મુખોમાંથી ચાર વેદો ઉત્પન્ન થયા. એ વેદોમાં કહેલી ગૂઢ બાબતોને સાચી અને વધુ સ્પષ્ટ રીતે સમજવા-સમજાવવા માટે પુરાણસંહિતાઓ લખાઈ. પુરાણોને એટલા માટે ‘પાંચમો વેદ’ કહે છે. આમ વેદનું ઉપબૃંહણ ઇતિહાસ અને પુરાણો વડે કરવાની પરંપરા ચાલુ થઈ.
ગુજરાતી જનસમાજ પર પૌરાણુક સંસ્કાર-પરંપરાના પ્રભાવને જીવંત રાખવામાં મહત્ત્વનું યોગદાન કરનાર સંતો.
એ રીતે રામાયણ, મહાભારત અને પુરાણો વગેરેનાં અધ્યયન શ્રવણ-પારાયણની પરંપરાઓ ચાલુ થઈ. પુરાણોમાં (1) સૃદૃષ્ટિની ઉત્પત્તિ, (2) સૃદૃષ્ટિનો નાશ અને તેની પુન: ઉત્પત્તિ, (3) દેવો અને પિતૃઓના વંશોનું વર્ણન, (4) મનુઓ અને તેમના અમલનો સમય, (5) સૂર્ય અને ચંદ્રના વંશોનું વર્ણન – એ પાંચ બાબતો મુખ્યત્વે વર્ણવવામાં આવેલી હોય છે. પુરાણસાહિત્યમાં 18 પુરાણો અને અનેક ઉપપુરાણોનો સમાવેશ થાય છે. આમ પુરાણો વેદવ્યાસના જમાનાથી પ્રચલિત છે. વેદવ્યાસે પુરાણની સંહિતાઓ વૈશંપાયન વગેરે શિષ્યોને ભણાવી. એ પછી સૂત પુરાણી વગેરેએ વૈશંપાયન વગેરે ગુરુઓ પાસેથી સાંભળીને નૈમિષારણ્યમાં ઋષિઓએ કરેલા બાર વર્ષ સુધી ચાલનારા યજ્ઞમાં આ પુરાણસંહિતાઓ તેમને સંભળાવી. વ્યાસના પુત્ર શુકદેવે પાંડવોના વારસદાર રાજા પરીક્ષિતને ભાગવત-પુરાણની સંહિતા સંભળાવેલી એવો નિર્દેશ મળે છે. વાયુપુરાણની કથા સાંભળવાની વાત મહાકવિ બાણે પોતાના ગદ્યકાવ્યમાં ઈ. સ.ની સાતમી સદીમાં ઉલ્લેખી છે. સંક્ષેપમાં, મહાભારતકાળથી એટલે ઈ. સ. પૂર્વે 500થી 700 વર્ષો પહેલાં પુરાણની કથાઓ કહેવાની પરંપરા શરૂ થઈ જણાય છે.
એ સમયે પુરાણકથાઓ સંસ્કૃત ભાષામાં જ કહેવામાં આવતી. એમાં વિદ્વાન માણસો પોતાના શિષ્યોને આવી કથાઓ કહેતા હતા. એમના શિષ્યો પણ તેમના જેવા જ મેધાવી હતા. સાથે સાથે વેદનું જ્ઞાન મેળવવા સ્ત્રીઓ, શૂદ્રો વગેરેને અધિકાર ન હતો પણ પુરાણોની ભૂતકાળમાં બનેલી સરળ વાર્તાઓ સાંભળવાનો તેમનો અધિકાર મનાયો હતો. આથી પુરાણશ્રવણ દ્વારા વૈદિક પરંપરાનો પરિચય પણ તેમને સાંપડતો હતો. સામાન્ય માણસો સુધી વૈદિક-પૌરાણિક જ્ઞાનનો ફેલાવો થાય એ માટે પુરાણકથાઓનાં પારાયણો ચાલતાં થયાં. આવાં પારાયણોને લીધે સમાજના આબાલવૃદ્ધ તમામને ધર્મ, સંસ્કૃતિ અને ઇતિહાસ, ભૂગોળ, ખગોળ, તત્વજ્ઞાન વગેરે વિવિધ વિષયોનું શાસ્ત્રજ્ઞાન મળતું હતું અને તે સાથે ભારતીય સંસ્કાર-સંસ્કૃતિનું જતન-સંવર્ધન અને તેનો પ્રચાર પણ થતાં હતાં અને તે સાથે જનમાનસનું ઘડતર પણ થતું હતું. આવી કથાઓ ભારતદેશની વિવિધતામાં એકતા જાળવવાનું પ્રયોજન પાર પાડતી રહી છે. કાળક્રમે સંસ્કૃત ભાષા અઘરી પડતાં જે તે સમયે પ્રચલિત જનસમાજની ભાષામાં તે પુરાણકથાઓ રજૂ થવા લાગી. એ રીતે મૂળ પુરાણની કથાઓને લોકગમ્ય ભાષામાં કહેવાની શરૂઆત થઈ; એટલું જ નહિ, પુરાણોની સાથે રામાયણ અને મહાભારત જેવા ઇતિહાસગ્રંથોની કથાઓ પણ થવા લાગી. એનાથી પ્રજાને આનંદ સાથે જ્ઞાનની પ્રાપ્તિ થવા લાગી. વળી બ્રાહ્મણોની જેમ જૈનો અને બૌદ્ધો પણ હિંદુપુરાણોમાં પરિવર્તન કરી પોતાને અનુકૂળ આવે એ રીતના પુરાણગ્રંથો રચવા માંડ્યા. ભારતના જુદા જુદા પ્રદેશોમાં પ્રચલિત જુદી જુદી ભાષાઓમાં પુરાણકથાઓનું કથન અને શ્રવણ જુદી જુદી રીતે થવા લાગ્યું. રાજાઓના ભાટચારણોએ પણ આવી કથાઓ તત્કાલીન ભાષામાં કહેવાનું શરૂ કર્યું. વળી મૂળ પુરાણોમાં જુદા જુદા કથાકારોએ પોતાને યોગ્ય લાગે તેવા પ્રક્ષેપો પણ ઉમેર્યા. ફલત:, બદલાતા જમાનાની તાસીર ત્યાં સુધી પુરાણો પર અસર કરી ગઈ કે ‘ભવિષ્યપુરાણ’માં અકબર અને જહાંગીર જેવા મુસલમાન શહેનશાહો અને છેક રાણી વિક્ટોરિયાના શાસનની વાતો પણ આવી ગઈ ! પાછળથી તો પુરાણકથાઓ કહીને જીવનારો પૌરાણિકોનો પુરાણીઓનો એક અલગ વર્ગ ખડો થયો.
આ કથા-પુરાણીઓની પરંપરાએ ભારતીય સંસ્કાર-સંસ્કૃતિના સત્ત્વપ્રકાશને તથા તદનુષંગે સંસ્કૃત ધર્મ ને અધ્યાત્મવિષયક સાહિત્યનાં શીલજ્ઞાનવર્ધક તત્વોનાં જતન-જાળવણી તેમજ પ્રસાર-પ્રચારનું ઉમદા કાર્ય, સદીઓ થયાં, સતત જારી રાખ્યું જણાય છે.
સામાન્ય રીતે આ પરંપરાને જાળવવા-વિકસાવવાની જવાબદારીનું મુખ્ય વહન તો બ્રાહ્મણોના એક વર્ગે, સાધુસંતો કે ભક્ત સંન્યાસીઓએ કર્યું છે. વેદ-પુરાણની – ગીતા-ઉપનિષદની પરંપરાનો જાણતલ બ્રાહ્મણ ધાર્મિક-સામાજિક પર્વપ્રસંગોએ અથવા ચાતુર્માસ, શ્રાદ્ધપક્ષ જેવા સમયગાળાઓ દરમિયાન મંદિર કે ધર્મશાળા જેવાં જાહેર સ્થળોએ, કોઈ ચોક-ચોતરે અથવા ઓટલા ઉપર કે કથા-પારાયણ માટે જ ખાસ બાંધેલા મંડપમાં વ્યાસપીઠ પર વિરાજીને રામાયણ, મહાભારત, ભાગવત, દેવીભાગવત, શિવપુરાણ, ગરુડપુરાણ જેવાં કાવ્યપુરાણોની કથાઓ શ્રોતાઓને રસ પડે ને સમજાય એ રીતે વાક્છટા ને અભિનય સાથે, ગાયન-વાદનાદિ યથાપ્રાપ્ય મદદ લઈને રજૂ કરતો. ક્યારેક નાકર જેવો વણિક આખ્યાનકવિ આખ્યાનો રચે અને એની રજૂઆત મદન નામનો એનો બ્રાહ્મણમિત્ર કરે એવું પણ થતું. ક્યારેક સંસ્કૃત કથાઓને પુરાણી જનભાષામાં રજૂ કરી, જરૂરી અર્થઘટન-ટીકાટિપ્પણી સાથે આપતો જતો; તો ક્યારેક ગાગરિયા ભટ્ટ કે માણભટ્ટ પ્રકારના કથાકારો ગાગર અથવા માણને આંગળીઓ પરના વેઢથી વગાડી, તાલ આપી, જનભાષામાં આખ્યાનોને સાભિનય વિવિધ રાગોમાં ગાઈ-બહેલાવીનેય રજૂ કરતા હોય. મધ્યકાળનો ઉત્તમ કવિ પ્રેમાનંદ માણભટ્ટ કોટિનો આખ્યાનકાર હોવાની માન્યતા પ્રચલિત છે. જેમ બ્રાહ્મણ પુરાણીઓની સંસ્કૃત કથા-પારાયણની, માણભટ્ટોની આખ્યાનગાનની તેમ ભાટચારણો વગેરેની લોકકથાઓ કે (શામળે રચી છે તેવી) પદ્યકથાઓની કહેણીની અને એ રીતે હરિસંકીર્તનની પરંપરાઓ પણ પ્રચલિત હતી. જૈન સાધુ-સૂરિઓ પણ ધર્મકથાઓનાં પારાયણો કરતા. આ સૌમાં પ્રાચીન સાહિત્યની, તુલસીરામાયણ આદિની તથા સંતસાહિત્યની, લોકસાહિત્યની તેમજ તત્કાલીન સર્જાતા સાહિત્યની પરંપરાઓનો સમન્વય ને પ્રભાવ જોઈ શકાય છે.
આ કથા-આખ્યાનની ને હરિસંકીર્તનની પરંપરાએ – પુરાણી કે પૌરાણિક પરંપરાએ મનોરંજન સાથે વ્યાપક જનસમાજના સંસ્કારઘડતરની – લોકકેળવણીનીયે બહુમૂલ્ય કામગીરી કરી જણાય છે. આજનાં જેવાં નાટક, સિનેમા વગેરેની – દૃશ્ય-શ્રાવ્ય સાધનો દ્વારા મનોરંજનની જ્યારે પૂરતી સગવડો નહોતી ત્યારે આ પુરાણી પરંપરાએ અને તદનુવર્તી આખ્યાન-પરંપરાએ જ જનસમાજની ઉત્તમ સંસ્કારસેવા કરી જણાય છે.
આજે તો આ પુરાણી પરંપરાઓ ઘસાતી જતી – લુપ્ત થતી જતી જણાય છે; આમ છતાં એ પરંપરાની પકડ હજુ વ્યાપક જનસમાજ પર ટકી રહ્યાની પ્રતીતિ પુનિત મહારાજ, કૃષ્ણશંકર શાસ્ત્રી ડોંગરે મહારાજ, મુરારિ બાપુ, રમેશ ઓઝા વગેરેની આ ક્ષેત્રની ઉત્તમ કામગીરી ને કારકિર્દી જોતાં થાય છે. પ્રેમાનંદના વંશજ તરીકે પોતાને ઓળખાવતા ધાર્મિકલાલ પંડ્યાએ માણભટ્ટની લુપ્ત થતી પરંપરાને ટકાવવાના સ્તુત્ય પ્રયાસો કર્યા હતા. આજેય સારેમાઠે પ્રસંગોએ ધાર્મિક કથા-પારાયણો દ્વારા સંખ્યાબંધ લોકો હૈયાધારણ મેળવવા સાથે ધર્મસંસ્કારોનાં પાલન-પોષણ માટેનાં આવશ્યક પ્રેરણા-પ્રોત્સાહન, પોષણ તથા માર્ગદર્શન મેળવતા રહે છે. આમ ભારતીય સંસ્કાર-સંસ્કૃતિના એક મહત્ત્વના અંગ તરીકે પૌરાણિક પરંપરાનો પુરાણી પરંપરાનો સમાદર થતો રહ્યો છે.
પ્ર. ઉ. શાસ્ત્રી
ચન્દ્રકાન્ત શેઠ