પૌડવાલ, અનુરાધા (જ. 27 ઑકટોબર, 1954) : હિન્દી સિનેમાના ભજન સમ્રાજ્ઞી, સુમધુર ગાયિકા.

મહારાષ્ટ્રિયન બ્રાહ્મણ કુટુંબમાં જન્મેલાં અનુરાધાનું મૂળ નામ અલકા નાડકર્ણી. માતાના પ્રોત્સાહનથી તેમણે  નાની ઉંમરમાં જ સંગીત પ્રત્યે રુચિ કેળવી હતી.  સેન્ટ ઝેવિયર્સ કોલેજ, મુંબઈમાંથી તેઓ સ્નાતક થયાં. તે શાસ્ત્રીય સંગીતનુ શિક્ષણ ન લઈ શકેલાં પણ લતાજીને કલાકોના કલાકો સુધી સાંભળીને સૂર લગાવવા મથતાં.

લતા મંગેશકર બાદ તે એકમાત્ર ગાયિકા જેમને ડી. વાય. પાટીલ યુનિવર્સિટીમાથી D.Littની માનદ પદવી  મળી. શરૂઆતમાં તેઓ રેડિયોના કાર્યક્રમોમાં ગાતાં.

1973માં ફિલ્મ ‘અભિમાન’માં સંસ્કૃત શ્લોક ગાઈને તેમણે હિન્દી સિનેમાના સંગીતક્ષેત્રે પદાર્પણ કર્યું. આ ક્ષેત્રે વધુ કામ મેળવવા તેમણે ડબિંગ કલાકાર તરીકે ઘણું કામ કરવું પડયું. 1976મા ‘કાલીચરણ’માં તેમણે ગાયેલ ‘એક બટ્ટા દો, દો બટ્ટે ચાર’ હીટ રહ્યું . ફિલ્મ ‘હીરો’માં તેમણે ગાયેલ ‘તુ મેરા જાનુ હૈ’ ગીતે તેમને ખૂબ લોકપ્રિયતા અપાવી. 1980 પછી તેમની મહેનત રંગ લાવી અને તેમણે ઘણા નીવડેલા કલાકારો સાથે સહગાયિકા તરીકે ગીતો ગાયાં. 1990માં ફિલ્મ આશિકીનાં બધાં જ ગીતો  શ્રોતાઓએ એટલાં બધાં વખાણ્યા કે તેમનું  નામ ભારતભરમાં ગુંજી ઊઠયું. ‘સડક’,  ‘દિલ હૈ કે માનતા નહીં’, ‘ફૂલ ઔર કાંટે’, ‘મોહબ્બતે’, ‘ઉત્સવ’, ‘રામ લખન’, ‘તેજાબ’ વગેરે ફિલ્મોથી તેઓ કારકિર્દીની ટોચે પહોંચી ગયાં. રેડિયોકાર્યક્રમ ‘બિનાકા ગીતમાલા’માં લાંબા સમય ગાળા સુધી તેમનાં ગાયેલાં ગીતો ટોચ પર રહ્યાં, પણ પછી તેમણે તે સમયે ફિલ્મી ગીતોને બદલે ભજન ગાવા પર જ પોતાનુ ધ્યાન કેન્દ્રિત કર્યું.  ભગવાન શિવ અને દુર્ગા માતાનાં તેમણે ગાયેલાં ભજનોની કૅસેટ બજારમાં ચપોચપ વેચાઈ જતી. માત્ર હિન્દુ ભજનો જ નહીં તેમણે ખ્રિસ્તી, જૈન, બૌદ્ધ, શીખ, ઇસ્લામિક એમ બધા ધર્મોના હજારો ભજનો ગાયાં. ટી સિરીઝ, Tips industries, Venus Records એમ ઘણી બધી  સંગીત નિર્માણ કંપની માટે તેમણે ગાયું. તેમણે મનહર ઉધાસ, મોહમ્મદ રફી, સોનુ નિગમ, કિશોરકુમાર, સુરેશ વાડકર જેવા અલગ અલગ વયના ઘણા બધા ગાયકો અને કવિતા કૃષ્ણમૂર્તિ, સાધના સરગમ, અલકા યાજ્ઞિક જેવી ગાયિકાઓ સાથે ગાયું.  એક પીઢ ગાયિકા તરીકે લગભગ બધાં જ જાણીતાં ગાયક, ગાયિકાઓ અને સંગીતકારો સાથે કામ કર્યા પછી તેમણે 2006મા હિન્દી સિનેમામાથી ક્ષેત્રસંન્યાસ લીધો. તેમનું છેલ્લું ગીત ‘પલકે ઉઠાકે દેખીયે’ (ફિલ્મ : જાને હોગા ક્યા) રહ્યું.

તેમણે તેમની પાંચ દાયકાની કારકિર્દી દરમ્યાન લગભગ 9000 જેટલાં ગીતો 550 ફિલ્મો માટે રેકૉર્ડ કર્યાં છે. 1500થી પણ વધુ ભજનો તેમણે ગુજરાતી, હિન્દી, મરાઠી, કન્નડ, પંજાબી, ભોજપુરી, બંગાળી, તેલુગુ ઉપરાંત અન્ય ભાષાઓમાં રજૂ કર્યાં છે. ઈંગ્લૅન્ડના હાઉસ ઑફ કોમન્સે તેમનું સન્માન કર્યું  છે.

United Nations, New York દ્વારા તેમને ભક્તિ સંગીતના સાંસ્કૃતિક રાજદૂત જાહેર કરવામાં આવ્યાં છે

જુદી જુદી ભાષાઓમાં અઢળક ગીતો ગાવા માટે આ ગાયિકાને 4 ફિલ્મફેર ઍવૉર્ડ, 1 નૅશનલ એવોર્ડ, 6 મહારાષ્ટ્ર સ્ટેટ ફિલ્મ ઍવૉર્ડ, 2 ઓડિશા સ્ટેટ ફિલ્મ ઍવૉર્ડ  અને અન્ય અનેક ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં છે.  2017માં ભારત સરકારે પદ્મશ્રીથી નવાજયા છે. Indian idol, સારેગમપ વગેરે જેવી જાણીતી ટીવી સ્પર્ધાઓમાં તેમણે મુખ્ય મહેમાનપદે આવીને ઊભરતા કલાકારોને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે અને પોતાના અનુભવ પણ વહેંચ્યા છે.

હાલ તેઓ સૂર્યોદય ફાઉન્ડેશનના નામથી સામાજિક ઉત્કર્ષની પ્રવૃત્તિઓમાં પરોવાયેલાં રહે છે. 2024થી તેઓ રાજકારણમાં પણ સક્રિય થયાં છે.

બિજલ બુટાલા