પોષધશાલા : જૈન ઉપાશ્રય કે અપાસરો. આત્માને પોષક ધર્મક્રિયા કરવાનું સ્થાન. સામાન્યત: જૈન મુનિઓ એક સ્થાને લાંબો સમય રહેતા નથી. તેઓ પાદ-વિહારી હોય છે અને ગામેગામ વિચરતા રહી ધર્મોપદેશ આપતા રહે છે. વિહાર દરમિયાન નાનુંમોટું રોકાણ તેઓ કરે છે. ચોમાસાના ચાર માસ તો તેઓ વિહાર કરતા જ નથી અને એક સ્થાને સ્થિર વાસ કરે છે. તેમના વાસ કરવાના સ્થાનને પોષધશાલા પણ કહેવાય છે, કારણ કે આત્માને પોષક એવી આધ્યાત્મિક-ધાર્મિક ક્રિયાઓ કરવા માટેનું તે સ્થાન હોય છે. ત્યાં રહી તેઓ પ્રતિક્રમણ, સ્વાધ્યાય, ધર્મોપદેશ, તપ આદિ ક્રિયાઓમાં રત રહે છે. ત્યાં તેઓ શ્રાવકો સાથે સમૂહમાં પ્રતિક્રમણ કરે છે. શ્રાવક-શ્રાવિકાઓ તેમને વંદન કરવા આવે છે અને ત્યાં જ મુનિભગવંતો તેમને ધાર્મિક વ્યાખ્યાનો આપે છે. જૈન ગૃહસ્થો ઉપવાસ કરી ચાર કે આઠ પહોર સુધી કે તેથી વધુ વખત સાધુજીવનની પેઠે ધર્મક્રિયાપરાયણ થાય છે, તેને પોષધવ્રત કહે છે. તેને માટે તેઓ ઘર છોડી, સંસારની સઘળી ભાંજગડથી દૂર ખસી, સર્વવિરતિધર્મનો રસાસ્વાદ લેવા પોષધશાલામાં આવી રહે છે. પોષધશાલામાં ધાર્મિક-આધ્યાત્મિક પુસ્તકોનું ગ્રંથાલય પણ હોય છે. સાધ્વીઓ માટે અલગ પોષધશાલા હોય છે. આમ પોષધશાલા ધર્માચરણનું સ્થાન છે, કેવળ રહેઠાણ કે વાસસ્થાન નથી. તેમાં લાકડાની પાટ, તાસ, તસ્તાનું, માટીની કૂંડીઓ, માટીના ઘડા (ઢોચકાં) જેવી જૈન સાધુના ઉપયોગની વસ્તુઓ રાખવામાં આવે છે.
નગીનભાઈ જીવણલાલ શાહ