પોષણ સહાયકારી (assisted nutrition)

January, 1999

પોષણ, સહાયકારી (assisted nutrition) : જે દર્દી મોં વાટે ખોરાક ન લઈ શકે તેનું જીવન ટકાવવા અપાતા પોષણની પદ્ધતિઓ. તે બે પ્રકારની હોય છે : આંત્રમાર્ગી (enteral) અને પરાંત્રમાર્ગી (parenteral). નાકમાંથી જઠરમાં નાંખેલી નળી દ્વારા કે જઠરમાં કે આંતરડામાં કાણું પાડીને નખાયેલી નળી દ્વારા સીધેસીધો જઠર કે આંતરડામાં ખોરાક પહોંચાડાય ત્યારે તેને આંત્રમાર્ગી અથવા આંત્રીય (enteral) પોષણ કહે છે. સામાન્ય રીતે આંત્રીય પોષણમાં મોં વાટે લેવાતો ખોરાક પણ સમાવી લેવાય છે. નસ દ્વારા પ્રવાહીના રૂપમાં પોષકદ્રવ્યો અપાય તો તેને અંત:ક્ષેપી (infusional) અથવા પરાંત્રીય (parenteral) પોષણ કહે છે.

મોં વાટે પૂરતો ખોરાક ન લેવાય તો ચેપ લાગવાનો ભય રહે છે. વ્યક્તિ અશક્ત, પથારીવશ થઈ જાય છે અને તેને કારણે ક્યારેક ફેફસાંમાં પ્રવાહી ભરાય અને ન્યુમોનિયા થાય છે. તેને અધ:સ્થિતિ ફેફસીશોથ (hypostatic pneumonia) કહે છે. ક્યારેક ફેફસાંની ધમનીમાં લોહીનો ગઠ્ઠો જામી જાય છે. વળી વ્યક્તિની માંદગી મોડી મટે છે કે શસ્ત્રક્રિયાના ઘામાં રૂઝ મોડી આવે છે. આ બધાંને કારણે મૃત્યુ થવાની સંભાવના વધે છે. આંત્રીય તેમજ પરાંત્રીય માર્ગે અપાતું પોષણ એક જ પ્રકારના હેતુને પૂરો કરવા અપાય છે અને તે છે પોષણ જાળવવાની ક્રિયા. આંત્રીય પોષણ ઓછું ખર્ચાળ અને ખોરાકને કુદરતી માર્ગે શરીરમાં પ્રવેશાવતું હોવાથી સુરક્ષિત પણ છે. તે સમયે શરીરની સામાન્ય સંરક્ષણાત્મક ક્રિયાઓ પણ કાર્યરત રહે છે.

નાકમાંથી નંખાતી નળીને નાકજઠરીનળી (nasogastric tube) અથવા રાઇલ્સની નળી કહે છે. જઠરમાં છિદ્ર પાડેલું હોય તો તેને જઠરછિદ્રણ (gastrostomy) કહે છે અને જો નાના આંતરડાના મધ્યભાગ(મધ્યાંત્ર)માં છિદ્ર પાડેલું હોય તો તેને મધ્યાંત્રછિદ્રણ (jejunostomy) કહે છે. જઠરછિદ્રણ કે મધ્યાંત્રછિદ્રણમાંથી મોટા કાણાવાળી રબરની નળી નાંખીને પોષણ અપાય છે. હાલ તે માટે નાના કાણાવાળી પાચકરસોની હાજરીમાં ટકી રહે તેવા પદાર્થની નળીઓ વપરાય છે. તે માટે પેટ પર શસ્ત્રક્રિયા કરીને કે અંત:દર્શક (endoscope) નામની મોં વાટે નંખાતી નળી દ્વારા પેટમાં જોઈને શસ્ત્રક્રિયા કરાય છે. આ પ્રકારની નળી દ્વારા અપાતું પોષણ હૉસ્પિટલ તથા ઘર એમ બંને સ્થળે શક્ય છે.

1940માં ગૅમ્બલે દર્શાવ્યું કે નસ વાટે 100 ગ્રામ જેટલો ગ્લુકોઝ દરરોજ અપાય તો ભૂખી રહેતી વ્યક્તિનું પ્રોટીન શરીરમાં જળવાઈ રહે છે. તેને કારણે ઓછી કૅલરીવાળા નસ વાટે અપાતા પ્રવાહીનો વપરાશ શરૂ થયો. 1960માં ડડ્રિક અને તેના સાથીદારોએ દર્શાવ્યું કે ઊર્જા, ઍમિનોઍસિડ, ક્ષારો તથા વિટામિનોને લાંબા સમય માટે હૃદય પાસેની કેન્દ્રીય શિરાઓ(central veins)માં નંખાયેલી નળી દ્વારા આપી શકાય છે. આવી નળીને કેન્દ્રીય શિરાલક્ષી નિવેશનનળી (central vein catheter) કહે છે. તેને કારણે શરીરમાં નાઇટ્રોજનનો સંગ્રહ વધે છે. તેને શરીરનું વિધેયાત્મક (positive) નાઇટ્રોજન-સંતુલન કહે છે. તેને કારણે શરીરમાં પ્રોટીનના નવા અણુઓ બને છે અને ઘા સહેલાઈથી રુઝાય છે. તેવી જ રીતે શિશુઓમાં પણ તેમનો વૃદ્ધિ અને વિકાસનો દર જાળવી રાખી શકાય છે. તેને આધારે પૂર્ણ પરાંત્રીય પોષણ(total parenetral nutrition)ની સંકલ્પના અમલમાં આવી શકી છે.

પરાંત્રીય પોષણ માટે નસ વાટે લોહીના જેટલી જ આસૃતિદાબ-(osmotic pressure)વાળું પ્રવાહી અપાય છે. આવા પ્રવાહીને સમાસૃતિદાબ-દ્રાવણ (isotonic solution) કહે છે. સામાન્ય રીતે સમાસૃતિદાબ-ગ્લુકોઝના દ્રાવણ કરતાં ઍમિનોઍસિડનું દ્રાવણ આપવામાં આવે તો ભૂખ્યાં દર્દીઓમાં નાઇટ્રોજનનું સંતુલન વધુ જળવાઈ રહે છે. જો વધુ પ્રમાણમાં ઊર્જા (શક્તિ) આપવાની જરૂરિયાત હોય તો સમાસૃતિદાબવાળાં તૈલી દ્રવ્યનાં પ્રવાહી અથવા મેદદ્રાવણો(fat solutions)ને નસ વાટે અપાય છે. આમ હાથપગની નસ દ્વારા પ્રોટીન તથા ઊર્જા આપવાનું સંભવિત બનેલું છે. જોકે હાથપગની નસો લાંબા સમય માટે ઉપયોગી રહેતી નથી અને તેથી કેન્દ્રીય શિરાનો ઉપયોગ કરવો પડે છે.

સહાયકારી પોષણની જરૂર વિવિધ સંજોગોમાં પડે છે, જેમ કે શસ્ત્રક્રિયા પહેલાં કે પછી, કૅન્સર, યકૃત, ફેફસું કે મૂત્રપિંડના લાંબા સમયના રોગો હોય ત્યારે તેનાં કેટલાંક ઉદાહરણોને સારણીમાં સમાવેલાં છે.

પોષણ-સહાયની જરૂરિયાતવાળા વિકારો અને રોગો

જૂથ

આંત્રીય પોષણ

પરાંત્રીય પોષણ

1

2

3

(અ) હૉસ્પિટલમાં અપાતી રોજિંદી સારવાર રૂપે (1) પ્રોટીન-કૅલરીની ઊણપ (1) આંતરડાંનો મોટો ભાગ કાપી કાઢેલો હોય
(2) 10 દિવસથી લાંબો ભૂખમરો (2) સ્વાદુપિંડમાં ઉદ્ભવતો તીવ્ર પ્રકારનો પીડાકારક સોજો
(3) ભૂખ ન લાગવી (સ્વાદુપિંડશોથ, pancreatitis)
(4) ખોરાક ગળવામાં મુશ્કેલી
(5) વ્યાપક રૂપે દાઝી જવું (3) નાના અને મોટા આંતરડામાં પેશીનાશ કરતો વિકાર (પેશીનાશી
(6) આંતરડાંનો મોટો ભાગ કાપી કાઢેલો હોય આંત્ર સ્થિરાંત્રશોથ (necrotizing enterocolitis)
(આ) ઘણે ભાગે ઉપયોગી લાભ મળે તેવા વિકારો (1) આંતરડાંમાંના પદાર્થો બહાર નીકળી જાય તેવી સંયોગનળી (fistula) (1) શસ્ત્રક્રિયા પહેલાં તીવ્ર પ્રકારનું કુપોષણ (maln-utrition) હોય.
(2) મોટી ઈજા (2) મોટી શસ્ત્રક્રિયા, ઈજા,
(3) કૅન્સર માટે અપાતી વિકિરણની સારવાર (radiotherapy) દાહ પછી ઉદ્ભવતું અપશોષણ

(malabsorption)

(4) કૅન્સરની દવાઓની સામાન્ય આડઅસર (3) આંતરડામાંથી બહાર આવતી સંયોગનળી
(5) ફેફસાંના મોટા રોગો (4) ક્રોહનનો રોગ
(6) લાંબા સમયની ખોરાક ગળવાની તકલીફ (5) સગર્ભાવસ્થા વખતે થતી સખત ઊલટીઓ
(7) લાંબા સમયનો આંતરડાંમાં ઉદ્ભવેલો અવરોધ (6) કૅન્સરની દવા વડે કરાતી સારવારની તીવ્ર આડઅસરો
(8) જઠર-આંતરડાંના વિવિધ

વિકારો, જેને કારણે વૃદ્ધિ

અને વિકાસ અટક્યાં હોય

(7) વિકિરણની સારવારની

આડઅસરો

(9) આંતરડાં પર મોટી શસ્ત્ર-ક્રિયા કરાયેલી હોય કે તીવ્ર ચેપ લાગ્યો હોય અને તેની રુઝાવાની સ્થિતિ શરૂ થઈ હોય.
(ઇ) ઉપયોગ-નિષેધ

(contra indication)

(1) આંતરડાંમાં સંપૂર્ણ અવરોધ (1) આંત્રીય પોષણ સંભવિત હોય
(2) આંતરડાંના દ્રવ્યને બહાર કાઢી નાંખતી સંયોગનળી (2) 5 દિવસથી ઓછા સમય માટેની જરૂરિયાત
(3) તીવ્ર અને ઉગ્ર પ્રકારનો સ્વાદુપિંડશોથ (3) ન મટી શકે તેવો સાબિત થયેલો રોગ
(4) લોહીનું દ્બાણ ઘટાડતો આઘાત (shock) (4) દર્દીને પૂરતો સામાજિક સહકાર કે સહાય ન હોય
(5) પેશીનાશી આંત્રસ્થિરાંત્રશોથ
(6) મૃત્યુ સમીપની તીવ્ર માંદગી
(7) દર્દીની અનિચ્છા
(8) કાયદાકીય નિષેધ-આજ્ઞા

સહાયકારી પોષણ આપતી વખતે વ્યક્તિગત જરૂરિયાતને ધ્યાનમાં લેવામાં આવે છે. દર્દીને તેની જરૂરિયાત પ્રમાણે પ્રવાહી, ક્ષારો, વિટામિનો(પ્રજીવકો), કૅલરી તથા પ્રોટીન (ઍમિનોઍસિડ) અપાય છે. તેમની જરૂરિયાતો ગણી કાઢવા કે તેના અંદાજો કાઢવા માટેની પદ્ધતિઓ તથા કોષ્ટકો ઉપલબ્ધ છે. નસ વાટે પોષણ અપાતું હોય ત્યારે તે માટેની નિવેશનનળી (catheter) નાખવાનો તેમજ તેને જાળવવાનો ક્રિયાકલાપ (technique) શીખેલો હોવો જરૂરી છે. તે માટે જરૂરી તાલીમ પામેલાં ડૉક્ટર અને પરિચારિકાઓને તે કાર્ય સોંપાય છે.

પરાંત્રીય પોષણની કેટલીક મહત્ત્વની આનુષંગિક તકલીફો હોય છે. ક્યારેક નિવેશનનળી ખસી જાય કે તે અન્ય પેશીને ઈજા પહોંચાડે છે નસ વાટે પોષકદ્રવ્યો આપતી વખતે શરીરમાં કોઈ રાસાયણિક (ચયાપચયી) વિકારો ન થાય તેનું ધ્યાન રાખવું પડે છે. શરીરમાં સતત રહેતી નળી સ્થાનિક કે વ્યાપક ચેપ કરે છે. નાકમાંથી જઠર, પક્વાશય (duodenum) કે મધ્યાંત્રમાં નંખાયેલી નળી ક્યારેક ખસી જાય છે. અશક્ત દર્દીમાં જઠરમાંનું પ્રવાહી ફેફસાંમાં પ્રવેશે તો ન્યુમોનિયા થાય છે. આંત્રીય પોષણમાં ક્યારેક ઝાડા થઈ જવાનો ભય રહે છે. સહાયકારી પોષણ આપવાનો કે ચાલુ રાખવાનો નિર્ણય નીતિમત્તાની સાથે સુસંગત છે કે નહિ તેની વારંવાર ખાતરી કરી લેવાનું પણ સૂચવાય છે, કેમ કે ક્યારેક આવો નિર્ણય મરણાસન્ન અશક્ત દર્દીની પીડા લંબાવવા સિવાયનું બીજું કાર્ય ન પણ કરતો હોય. જોકે કોઈ એક ખરેખરી જરૂરિયાતવાળા દર્દીમાં આવો નિર્ણય જીવનરક્ષક પણ બને છે.

શિલીન નં. શુક્લ