પોષણ-માધ્યમ (nutrient medium) : બૅક્ટેરિયા, ફૂગ જેવા સૂક્ષ્મ જીવો તેમજ વાનસ્પતિક કે પ્રાણીજન્ય કોષોનાં જતન, સંગ્રહ, વૃદ્ધિ કે ગુણન માટે પ્રયોગશાળામાં વપરાતાં પોષકતત્વયુક્ત સંવર્ધન-માધ્યમો. જરૂરિયાત અનુસાર વિવિધ સૂક્ષ્મ જીવો કે કોષોનાં વિશિષ્ટ ખોરાકનાં માધ્યમો રચાય છે. તેમાં પર્યાવરણ પણ એક મહત્ત્વનું પરિવર્તનબળ હોય છે. દેહધાર્મિક પ્રક્રિયા માટે આવશ્યક એવા ન્યૂનતમ ખોરાકી ઘટકો અને યોગ્ય પાર્યાવરણિક પરિબળોથી યુક્ત વિશિષ્ટ માધ્યમમાં આ કોષો પોતાનું જીવન ટકાવી વૃદ્ધિ અને ગુણન પામી શકે છે.
માધ્યમમાં ઉમેરાતા સંઘટકો અને તેના ગુણધર્મો : (1) પોષક દ્રવ્યો : પ્રકાશ-સંશ્લેષક સૂક્ષ્મજીવોની જરૂરિયાત કેટલાક ખનિજ પદાર્થો, કાર્બનડાયૉક્સાઇડ અને નાઇટ્રોજનયુક્ત ક્ષારો જેવા પદાર્થો પૂરતી મર્યાદિત હોય છે, જ્યારે પરજીવી તેમજ પ્રાણી અને સૂક્ષ્મ જીવોમાં પોષકતત્વ તરીકે પ્રોટીનો (ઍમિનો-ઍસિડો), કાર્બોદિતો, વિટામિનો અને કેટલાક અકાર્બનિક સંયોજનો અગત્યનાં છે. માધ્યમમાં ઉત્સેચકો પચાવી શકે તેવાં દૂધ, બટાકાના ટુકડા, માંસ અને મરઘીનો ગર્ભ જેવા પદાર્થો ઉમેરવામાં આવે છે. સંકીર્ણ સ્વરૂપના માધ્યમમાં ઉપર જણાવેલ એકાદ કુદરતી-દ્રવ્યનો સમાવેશ કરવામાં આવે છે.
2. ભેજ : સંવર્ધન(culture)ની જરૂરિયાતને અનુલક્ષીને માધ્યમનું સ્વરૂપ પ્રવાહી કે ભેજયુક્ત ઘન સ્વરૂપનું હોવું જોઈએ.
3. દ્રાવણની સાંદ્રતા : મીઠા જેવા પદાર્થો માટે તે સમપરાસારી (isotonic) હોય તો રસાકર્ષણ દ્વારા કોષો અને માધ્યમ વચ્ચે વસ્તુઓની આપલે થઈ શકે.
4. pH : જૈવી ક્રિયાઓ માટે માધ્યમનું pH સાનુકૂળ હોય, તે અગત્યનું છે. મોટેભાગે આ pH તટસ્થ કે સહેજ આલ્કલીયુક્ત (pH 7.2થી 7.5) હોય છે.
5. તાપમાન : આદર્શ તાપમાન(250 સે.)માં જૈવી ક્રિયાઓ વેગેલી બને છે.
6. માધ્યમનું નિર્જીવીકરણ (sterilization) : માધ્યમનું નિર્જીવીકરણ કરવાથી માધ્યમમાં નિર્દિષ્ટ સજીવોનું સંવર્ધન સક્ષમ બને છે. મુખ્યત્વે માધ્યમમાંથી અન્ય સૂક્ષ્મજીવોને ખસેડીને અથવા તો ગરમી વડે નાશ કરીને નિર્જીવીકરણ કરવામાં આવે છે. અન્ય જીવોને ખસેડવામાં ગાળણ (filtration) પદ્ધતિ અપનાવવામાં આવે છે.
ગાળવા માટે ચેમ્બરલૅન્ડ અને જેન્કિન્સનાં પૉર્સેલિનનાં ગળણાં, બર્કફેલ્ડનાં ડાયએટોમેશિયસ ગળણાં, ઍસ્બેસ્ટૉસ ગળણાં, મિલિપોરનાં ગળણાં અને કલિલ ત્વચા (colloidal membrane) જેવાં સૂક્ષ્મ ગળણાં(ultrafilters)નો ઉપયોગ કરવામાં આવે છે.
બહુ નુકસાન પહોંચતું ન હોય તેવા સંજોગોમાં બન્સેન બર્નરની જ્યોત વડે નિર્જીવીકરણ કરી શકાય. ભઠ્ઠી (oven), ભેજવાળી વરાળ કે ઑટોક્લેવ વડે વરાળના દબાણથી નિર્જીવીકરણ થઈ શકે છે.
ખાસ કરીને ફૂગના માધ્યમમાં બૅક્ટેરિયાનો નાશ કરવા પ્રતિજૈવકો(antibiotics)ને ઉમેરવામાં આવે છે.
માધ્યમની પસંદગી : વિશિષ્ટ સૂક્ષ્મ જીવવિષાણુ કે કોષના વિકાસ માટેની જરૂરિયાતને અનુલક્ષીને વિશિષ્ટ પ્રકારના સાવ નિર્જીવીકૃત (sterlilized) એવા માધ્યમનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રવાહી માધ્યમમાં પોષક દ્રવ્યોને ઉમેરવાથી તે તૈયાર કરી શકાય. મોટે ભાગે પ્રયોગશાળામાં પ્રવાહી માધ્યમમાં અક્રિય (inert) અગાર, અગાર કે સિલિકા ઘટરસ(gel)ને ઉમેરી તેનું ઘનીકરણ (solidification) કરવામાં આવે છે. આ માધ્યમમાં નિર્જીવીકૃત પ્લૅટિનમ-તાંતણા કે કકડા (swab) વડે કરવામાં આવતા કોષો ઉમેરવામાં આવે છે.
સજીવની વિશિષ્ટ જરૂરિયાતને અનુલક્ષીને પ્રયોગશાળામાં જાત-જાતના અગાર-માધ્યમ બનાવાય છે. સામાન્યપણે વપરાતા પોષક અગાર માધ્યમ(nutrient agar medium)માં લિટર નિસ્યંદિત પાણીદીઠ 15.00 ગ્રામ અગાર, મીઠું (NaCl) 5.00 ગ્રામ, પેપ્ટૉન 10.00 ગ્રામ અને માંસ અર્ક (10.00 ગ્રામ) ઉમેરીને તૈયાર કરવામાં આવે છે. જમીનમાં વસતા, સેલ્યુલોઝનું વિઘટન કરતા, વાતજીવી, રસાયણ-સ્વપોષિત (chemo-autotrophs) અવાતજીવી બૅક્ટેરિયા તેમજ યીસ્ટ અને સામાન્ય ફૂગ જેવા માટે અલગ અલગ પ્રકારનાં અગાર-માધ્યમોનો ઉપયોગ કરવામાં આવે છે. પેશીસંવર્ધન(tissue culture)માં FCS(fatal calm serum)નો બહોળો ઉપયોગ થાય છે; જ્યારે સસ્તન પેશીઓના સંવર્ધનમાં એકસજનીનિક-નિર્મિત રોધક્ષમ ગ્લોબિન (monoclonal immunoglobins) ઉમેરવામાં આવે છે. પેશીસંવર્ધન-પોષક માધ્યમો બે પ્રકારનાં હોય છે : એક પ્રકારમાં સંવર્ધક કોષો સપાટીને વળગી રહે છે; બીજામાં તે માધ્યમમાં ઘસડાતા (drift) હોય છે.
મ. શિ. દૂબળે