પોલૅન્ડ : મધ્ય યુરોપના મેદાની પ્રદેશમાં બાલ્ટિક સમુદ્રની દક્ષિણે આવેલો દેશ. ભૌ. સ્થાન : તે લગભગ 49o ૦’થી 54o 5૦’ ઉ. અ. અને 14o ૦7’થી 24o ૦8′ પૂ. રે. વચ્ચે પૂર્વ-પશ્ચિમ આશરે 7૦4 કિમી. તથા ઉત્તર-દક્ષિણ આશરે 648 કિમી. લંબાઈ-પહોળાઈમાં વિસ્તરેલો છે. દેશનો કુલ વિસ્તાર લગભગ 3,12,677 ચોકિમી. જેટલો છે. તેની ઉત્તરમાં બાલ્ટિક સમુદ્ર, દક્ષિણમાં ચેક અને સ્લોવાક, પશ્ચિમમાં જર્મની તથા પૂર્વમાં રશિયાના સીમાવિસ્તારો આવેલા છે. વહીવટી દૃષ્ટિએ આખો દેશ 49 પ્રાંતોમાં વહેંચાયેલો છે અને વૉર્સો તેનું પાટનગર છે.

ભૂપૃષ્ઠ અને જળપરિવાહ : પ્લાયસ્ટોસીન કાલખંડ (વર્તમાન પૂર્વે 1૦,૦૦૦ વર્ષથી 16 લાખ વર્ષ વચ્ચેનો કાળગાળો) દરમિયાન પ્રવર્તેલા વિસ્તૃત હિમયુગની હિમનદીઓ દ્વારા થયેલી ધોવાણ અને નિક્ષેપનની ક્રિયાઓ, તેના આજના ભૂપૃષ્ઠની રચના માટે જવાબદાર હોવાના પુરાવાઓ મળી આવે છે. તેના કેટલાક ભાગો પર વાતજન્ય લોએસ (wind-blown loess) તેમજ મૃદ્સ્તરોના નિક્ષેપો પણ પથરાયેલા જોવા મળે છે. દેશની ભૂમિસપાટી ઉત્તરથી દક્ષિણ તરફ ઊંચાઈ પ્રાપ્ત કરતી જાય છે. દેશની આશરે 9૦ % ભૂમિસપાટી 3૦૦ મીટરથી ઓછી ઊંચાઈવાળાં મેદાનોથી બનેલી છે. ઉત્તરમાં આવેલો બાલ્ટિક સમુદ્રનો કંઠારપ્રદેશ નીચાણવાળો છે. અહીં દરિયાઈ રેતપટ (beaches), રેતીના ઢગ અને ઢૂવા (raised beaches and dunes), ખાડીસરોવરો (lagoons) તથા પંકવિસ્તારો પથરાયેલા છે. કિનારાથી અંદરના ભૂમિભાગ તરફ જતાં હિમનદીજન્ય હિમઅશ્માવલીથી બનેલાં મેદાનો આવે છે, તે ઠેકઠેકાણે નદીખીણોથી કોતરાયેલાં છે. ભૂતકાળમાં હિમનદીઓના વહનપથમાં તૈયાર થયેલા ઘસારાજન્ય ગર્તમાં બરફના પીગળવાથી સરોવરોની રચના થયેલી છે. આવાં ઘણાં સરોવરો ઉત્તર પોલૅન્ડમાં જોવા મળે છે. મધ્ય પોલૅન્ડથી દક્ષિણ તરફ જતાં ઊંચાં મેદાનોનો વિસ્તૃત પ્રદેશ આવે છે, તે પણ નદીખીણોથી કોતરાયેલો છે. દક્ષિણ તરફના સીમાવર્તી ભાગોમાં ઉચ્ચપ્રદેશીય તેમજ ઊંચી પર્વત-હારમાળાઓ પથરાયેલી છે. પશ્ર્ચિમ પોલૅન્ડની સુડેટન હારમાળામાં અતિ પ્રાચીન કાળના ઘસાઈ ગયેલા ગ્રૅનાઇટ, નાઇસ અને ચૂનાખડકોનું પ્રમાણ વિશેષ છે. દક્ષિણ-પૂર્વ તરફ આવેલી કાર્પેથિયન હારમાળાના ટેટ્રા પર્વતોમાંનું સર્વોચ્ચ શિખર રાયસી (Rysy) 2,499 મીટરની ઊંચાઈ ધરાવે છે.

યુરોપ ખંડમાં પોલૅન્ડનું ભૌગોલિક સ્થાન

નૈર્ઋત્યના સીમાવર્તી વિસ્તારમાંથી નીકળતી વિસ્ચુલા (Vistula) નદી પોલૅન્ડના પૂર્વ તથા મધ્ય ભાગમાંથી પસાર થઈ ઉત્તર તરફ વહી બાલ્ટિક સમુદ્રને મળે છે. ઓડર નદી પહાડી ક્ષેત્રમાંથી નીકળે છે, દેશના મધ્ય પશ્ચિમ ભાગમાંથી પસાર થઈ પોલૅન્ડ-જર્મનીની સરહદ બનાવે છે અને બાલ્ટિક સમુદ્રને મળે છે. શિયાળામાં ક્યારેક આ નદીઓનાં પાણી ઠરી જાય છે, તેથી તેમાં પૂર આવવાની સંભાવના વધી જાય છે. પોલૅન્ડની આ બે મોટી નદીઓ અનેક શાખાનદીઓ પણ ધરાવે છે. દેશનું વિહંગાવલોક્ધા કરતાં સમગ્ર ભૂમિપ્રદેશ નદીઓની અને નદીખીણોની જાળથી ગૂંથાયેલો દેખાય છે.

આબોહવા : યુરોપ ખંડમાં પોલૅન્ડના ભૂમિભાગનું અક્ષાંશીય સ્થાન ઉત્તરતરફી હોવાથી તથા તે ઍટલાન્ટિક મહાસાગરથી દૂર પૂર્વમાં આવેલું હોવાથી તેના મધ્ય અને પૂર્વના ઘણાખરા પ્રદેશોમાં ખંડીય આબોહવા પ્રવર્તે છે; જ્યારે પશ્ચિમ અને ઉત્તરના થોડાક ભાગોમાં ખંડીય અને પશ્ચિમ યુરોપીય દરિયાઈ આબોહવાનું સંક્રાન્ત (transitional) સ્વરૂપ પ્રવર્તતું જોવા મળે છે. માત્ર ઉત્તર કિનારે બાલ્ટિક સમુદ્રની સમીપતાને લીધે આબોહવા થોડીક નરમ રહે છે. આથી ઊલટું, દૂર પૂર્વના આંતરિક ભૂમિભાગોમાં ખંડીય વાતસમુચ્ચય(continental air mass)ની અસરને લીધે આબોહવા વિષમ બની રહે છે.

એકંદરે જોતાં, આ દેશમાં દૈનિક અને વાર્ષિક તાપમાનનો ગાળો પ્રમાણમાં વિશેષ રહે છે. છેક દક્ષિણનાં પહાડી ક્ષેત્રોનું તાપમાન તેમની ઊંચાઈની અસરને કારણે વધુ નીચું જાય છે. દેશના ઉત્તર કાંઠા પર આવેલા ડાન્ઝિગ અથવા ગ્ડૅન્સ્ક(Gdansk)માં જુલાઈ અને જાન્યુઆરીનાં સરેરાશ તાપમાન અનુક્રમે 17o સે. અને ૦o સે. જેટલાં રહે છે; જ્યારે પૂર્વ ભાગમાં આવેલા પાટનગર વૉર્સોનાં જુલાઈ-જાન્યુઆરીનાં સરેરાશ તાપમાન અનુક્રમે 18.9o સે. અને 3.4o સે. રહે છે. દક્ષિણના પહાડી ક્ષેત્રમાં સરહદ નજીક આવેલા ઝૅકોપાન(Zakopane)માં જુલાઈજાન્યુઆરીનાં સરેરાશ તાપમાન અનુક્રમે 15o સે. અને 5o  સે. જેટલાં રહે છે.

આ દેશ ઍટલાન્ટિક મહાસાગર તરફથી વાતા પશ્ચિમિયા પવનો (westerlies) તથા તેમની સાથે સંકળાયેલા વંટોળો દ્વારા વરસાદ મેળવે છે; તેમ છતાં અહીં સુધી પહોંચતાં અગાઉ પવનોમાં રહેલા ભેજનું પ્રમાણ ઘટી જાય છે; આ કારણે અહીં માત્ર મધ્યમસરનો જ વરસાદ પડે છે. વર્ષનો મોટા ભાગનો વરસાદ ઉનાળામાં પડી જાય છે, શિયાળાનો વરસાદ હિમવર્ષા રૂપે પડે છે. મેદાનો કરતાં પહાડી ભાગોમાં વરસાદનું પ્રમાણ વધારે રહે છે. દક્ષિણના પહાડી ક્ષેત્રમાં આવેલા ઝૅકોપાનનો વાર્ષિક વરસાદ 1,12૦ મિમી. જેટલો છે, જ્યારે મેદાનમાં આવેલું વૉર્સો વાર્ષિક 584 મિમી. વરસાદ મેળવે છે. દેશની વાયવ્ય સીમા પર આવેલા સ્ટેટીનનો વાર્ષિક વરસાદ 56૦ મિમી. જેટલો રહે છે.

કુદરતી સંપત્તિ, વન્ય સંપત્તિ, મત્સ્ય-સંપત્તિ : દેશનો આશરે 27% ભૂમિભાગ જંગલ-આચ્છાદિત છે. મેદાનો તથા દક્ષિણનાં પહાડી ક્ષેત્રોમાં શંકુદ્રુમ જંગલો છવાયેલાં છે. પહાડી ક્ષેત્રોમાં સ્પ્રુસનાં વૃક્ષો તથા મેદાનોમાં પાઇનનાં વૃક્ષો વિશેષ જોવા મળે છે. દેશમાં આ વૃક્ષોનું પ્રમાણ અનુક્રમે 7૦% અને 1૦% જેટલું છે. આ સિવાય જંગલોમાં આશરે 3 % ફરનાં વૃક્ષો છે, જ્યારે ઓક અને ઍશ જેવાં પાનખર વૃક્ષોનું પ્રમાણ લગભગ 12% જેટલું છે. વૃક્ષો ઉપરાંત પહાડી ઢોળાવો પર ઝાડી અને  ઘાસ પણ થાય છે. મેદાનો પરની ઘાસભૂમિને સાફ કરીને ખેતી કરવામાં આવે છે.

દેશના અર્થતંત્રમાં જંગલો મહત્ત્વનું સ્થાન ધરાવે છે. આ દેશ ઇમારતી લાકડાં, લાકડાંનો માવો, પ્લાયવુડ વગેરેનું ઉત્પાદન કરે છે. આ ઉપરાંત જંગલોમાંથી બેરજો (resin), બિલ્બેરી (bilberries) તથા અન્ય ફળો, ઔષધિઓ, બિલાડીના ટોપ, વૃક્ષોની સૂકી છાલ વગેરે જેવી ગૌણ પેદાશો પણ મેળવાય છે.

દેશના ઉત્તર ભાગમાં બાલ્ટિક કાંઠે મત્સ્ય-ઉદ્યોગનો સારો વિકાસ થયો છે. ત્યાંથી કૉડ, હેરિંગ, સ્પ્રેટ તથા હૅડોક જેવી માછલીઓ મોટા પ્રમાણમાં પકડવામાં આવે છે. પોલૅન્ડનાં મત્સ્યજહાજો (trawlers) છેક ઍટલાન્ટિક મહાસાગર તથા ઉત્તર સમુદ્ર સુધી પણ જાય છે અને ત્યાંનાં ઊંડાં જળમાંથી માછલાં પકડી લાવી દેશના મત્સ્ય-ઉદ્યોગને નિભાવે છે.

ખેતી અને પશુપાલન : દેશની આશરે 32% વસ્તી ખેતીના વ્યવસાયમાં રોકાયેલી છે. દેશનો આશરે 66% વિસ્તાર ખેતીલાયક છે, તે પૈકીના 5૦% કરતાં વધુ ભૂમિવિસ્તારમાં ખેતી કરવામાં આવે છે. અહીં મોટાભાગનાં ખેતરો ખાનગી માલિકી હેઠળ છે, જ્યારે થોડીક જમીનો સરકાર હસ્તક પણ છે. સૌથી વધુ પાક-ઉત્પાદન કરતી જમીનો દક્ષિણ પોલૅન્ડમાં હિમનદીજન્ય ખીણો તથા નદીખીણોમાં આવેલી છે.

દક્ષિણના ઉચ્ચપ્રદેશો તથા પહાડી ઢોળાવો પર મહત્ત્વના ગૌચર-વિસ્તારો આવેલા છે. દેશના પશુધનમાં ઘોડા, ગાયો, ડુક્કર, ઘેટાં વગેરેનો સમાવેશ થાય છે. ઘોડાઓનું સૌથી વધુ પ્રમાણ મધ્ય પોલૅન્ડમાં છે; જ્યારે ઘેટાંઉછેર મુખ્યત્વે કાર્પેથિયનના ખીણપ્રદેશમાં તથા પોસેન (Posen) (અથવા પોઝનાન) જિલ્લામાં થાય છે. આ ઉપરાંત સરોવરોના પ્રદેશમાં અને મધ્યસ્થ મેદાનોમાં ડેરી માટે ઢોરઉછેર તથા માંસ માટે ડુક્કરઉછેર કરવામાં આવે છે.

મબલક કૃષિ-ઉત્પાદનોથી લચી પડતાં ઢોળાવવાળાં ખેતરોવાળો મધ્ય અને દક્ષિણ પોલૅન્ડનો ફળદ્રૂપ પ્રદેશ

કુલ ખેતીલાયક જમીનના 5૦%થી પણ વધુ ભૂમિવિસ્તારમાં ધાન્ય પાકો ઉગાડવામાં આવે છે; જેમાં ક્રમાનુસાર રાય, ઓટ, ઘઉં અને જવ અગત્ય ધરાવે છે. ઘઉં મુખ્યત્વે સાઇલેસિયા(નૈર્ઋત્ય પોલૅન્ડ વિભાગ)ના મેદાનમાં, પોલૅન્ડની ઉચ્ચભૂમિમાં અને વિસ્ચુલા નદીની નીચલી ખીણમાં તેમજ જવ સાઇલેસિયામાં તથા પોલૅન્ડની ઉચ્ચભૂમિમાં થાય છે. કુલ ખેતીલાયક ભૂમિના આશરે 18% ભૂમિભાગમાં બટાટાની ખેતી કરવામાં આવે છે. તમાકુ, શણ, અળશી, બીટ, ફળો (દ્રાક્ષ, સફરજન, પેર, પ્લમ વગેરે) તથા શાકભાજી (ટામેટાં, કોબીજ, ડુંગળી વગેરે) અહીંના બીજા પાકો છે. ડુક્કર-માંસ, માખણ, ઈંડાં અને ખાંડની અહીંથી નિકાસ કરવામાં આવે છે.

ખનિજો અને ઊર્જા : દેશમાંથી વિવિધ પ્રકારનાં ખનિજો મળી આવે છે. સાઇલેસિયા ક્ષેત્રમાંથી ઉત્તમ કક્ષાનો બિટુમિનસ કોલસો તથા ચેકો-સ્લોવાક સીમા નજીકના જેક્લર ક્ષેત્રમાંથી સર્વોત્તમ કોલસો મેળવાય છે. કોનીન (Konin) નજીક લિગ્નાઇટ ક્ષેત્ર તેમજ પોલૅન્ડના અગ્નિભાગમાં ખનિજતેલ તથા કુદરતી વાયુનાં ક્ષેત્રો આવેલાં છે. દેશની 1૦% જેટલી ઔદ્યોગિક જરૂરિયાત પૂરી પાડતાં હલકી કક્ષાનાં લોહધાતુખનિજો મળે છે, સીસાજસતનાં ખનિજો દેશની જરૂરિયાત તો પૂરી પાડે છે, ઉપરાંત વધારાના જથ્થાની નિકાસ કરવામાં આવે છે. આ ઉપરાંત અહીંથી તાંબું, નિકલ, ગંધક, મીઠું, કેઓલીન અને ઇમારતી પથ્થર પણ મળે છે.

દેશમાં કોલસા અને લિગ્નાઇટ દ્વારા ચાલતાં તાપવિદ્યુતમથકોનું પ્રમાણ વધારે છે, જે દેશની 9૦ % વીજ જરૂરિયાતો પૂરી પાડે છે. દક્ષિણનાં પહાડી ક્ષેત્રોમાં 1૦૦થી પણ વધુ જળવિદ્યુતમથકો સ્થાપવામાં આવેલાં છે.

ઉદ્યોગો : દેશની આશરે 5૦ % વસ્તી ઔદ્યોગિક પ્રવૃત્તિમાં રોકાયેલી છે. ખાસ કરીને દેશના દક્ષિણ ભાગમાં ઉદ્યોગોનું વધુ કેન્દ્રીકરણ થયેલું છે, કારણ કે અહીં ઉદ્યોગોના વિકાસ માટે કોલસો તથા વિદ્યુત જેવાં ઊર્જા-ઉત્પાદન માટેનાં સાધનો અને પ્રચુર માત્રામાં વિવિધ પ્રકારનો કાચો માલ મળી રહે છે. આ ઉપરાંત નદીજળમાર્ગો પણ તેને મદદરૂપ થાય છે.

આ દેશમાં કાપડ અને રસાયણો તેમજ ધાતુની ચીજવસ્તુઓને લગતા ઉદ્યોગો ઉપરાંત ઑટોમોબાઇલ્સ, ટ્રૅક્ટરો, ભારે યંત્રો, જહાજ અને વિમાનોનું બાંધકામ-ઉત્પાદન કરતા ઉદ્યોગો અગત્ય ધરાવે છે. વિદ્યુત-ઇજનેરી એ દેશનો આગળ પડતો ઉદ્યોગ છે, તે વિવિધ શ્રેણીનાં ઉત્પાદનો બહાર પાડે છે. તેમાં ખેતીકાર્યનાં યંત્રો તથા કમ્પ્યૂટરથી માંડીને રેલડબ્બા તથા રેડિયો-ટી.વી.નો પણ સમાવેશ થાય છે.

ઉચ્ચ સાઇલેસિયાની મધ્યના કાટોવિસ(Katowice)માં તથા ઓપોલની મધ્યના પ્રદેશમાં ઘણો ઔદ્યોગિક વિકાસ થયેલો જોવા મળે છે. જરૂરિયાત મુજબ આ દેશ રશિયા, સ્વીડન અને ચેક-સ્લોવાકમાંથી લોખંડની આયાત કરે છે. કાટોવિસ અને બાયટમ (Bytom) લોખંડ-પોલાદનાં મુખ્ય કેન્દ્રો છે. આ સિવાય ક્રેકોવ (Cracow), ઝેસ્ટોકોવા (Zestochowa), સ્ટેટીન કે શ્ચેટ્સીન (Szczecin) અને વૉર્સો પણ લોખંડનાં કારખાનાં ધરાવે છે. પોલૅન્ડ જહાજ-બાંધકામના ઉદ્યોગમાં તથા જહાજોના નિકાસકાર દેશ તરીકે દુનિયામાં અગત્યનું સ્થાન ધરાવે છે. ડાન્ઝિગ અથવા ગ્ડૅન્સ્ક (Gdansk), ડાયનિયા (Gdynia) અને સ્ટેટીન (Stettin) આ ઉદ્યોગનાં મુખ્ય કેન્દ્રો છે. વળી પોલૅન્ડે મત્સ્ય-જહાજો (trawlers) બાંધવામાં પણ સારી પ્રગતિ સાધી છે.

આ દેશમાં ખેતી માટેની, કાપડવણાટ માટેની, ધાતુ કાપવા માટેની, સડકમાર્ગ બનાવવા માટેની યંત્રસામગ્રીનું ઉત્પાદન થાય છે. આ ઉદ્યોગનાં કેન્દ્રો દક્ષિણ અને મધ્ય પોલૅન્ડમાં આવેલાં છે. અહીં ચર્મ-ઉદ્યોગનો પણ સારો વિકાસ થયો છે. આમ છતાં ચામડું પરદેશથી પણ આયાત કરવું પડે છે, કારણ કે દુનિયાનાં આશરે 2 % જેટલાં બૂટ-પગરખાંનું તે ઉત્પાદન કરે છે.

પોલૅન્ડના નૈર્ઋત્ય ભાગમાં આવેલા લૉડ્ઝ (Lodz) જિલ્લામાં કાપડ-ઉદ્યોગનું સ્થાનીકરણ થયેલું છે. આ ઉપરાંત લૉડ્ઝ શહેરમાં તેના સાનુકૂળ સ્થાનને લીધે ખાદ્યપ્રક્રમણ, રસાયણ, ધાતુ, ઇલેક્ટ્રો-ટેક્નિકલ વગેરે ઉદ્યોગોનો પણ વિકાસ થયો છે. આ પ્રકારના તેમજ અન્ય ઉદ્યોગો વૉર્સો, ક્રેકોવ, કિલ્સે (Kielce), ઝેસ્ટોકોવા (Czestochowa), વ્રૉક્લો (Wroclaw), સ્ટેટીન તથા અન્ય નગરોમાં પણ સ્થાનીકરણ પામ્યા છે. દવાઓ, તેજાબ, કૃત્રિમ રેશમ, રાસાયણિક ખાતર, સૌંદર્યપ્રસાધનો વગેરે રસાયણ-ઉદ્યોગની મુખ્ય પેદાશો છે. આ સિવાય કૃત્રિમ રબર, પ્લાસ્ટિક તથા જંતુનાશક દવાઓને લગતા ઉદ્યોગો ખાસ કરીને ક્રેકોવ અને ઓપોલના મધ્ય ભાગમાં તેમજ વિસ્ચુલા નદીના ખીણપ્રદેશમાં સ્થપાયા છે.

પરિવહન અને વ્યાપાર : પોલૅન્ડમાં આજે આશરે 26,717 કિમી. લંબાઈના રેલમાર્ગો છે. અહીં પરિવહનનાં બધાં સાધનોમાં રેલમાર્ગો સૌથી વધુ અગત્ય ધરાવે છે. દેશમાં ખાસ કરીને કોલસો, કોક, કાચી ધાતુઓ, પથ્થરો વગેરે જેવા આશરે 25 % માલની હેરફેર રેલમાર્ગો મારફતે થાય છે. અગત્યના રેલમાગોર્ર્માં ઉત્તર-દક્ષિણ લંબાયેલા ગ્ડૅન્સ્કથી કાટોવિસ તથા સ્ટેટીન(કે શ્ચેટ્સીન)થી વ્રૉક્લો તેમજ પૂર્વ-પશ્ચિમ લંબાયેલા ફ્રૅન્કફર્ટથી વૉર્સો થઈને બ્રેસ્ટને જોડતા તથા વ્રૉક્લોથી જારેસ્લોને જોડતા રેલમાર્ગોનો સમાવેશ થાય છે.

દ્વિતીય વિશ્વવિગ્રહ બાદ આજે પણ મધ્યકાલીન વૈભવ સાચવી રહેલું પોલૅન્ડનું પૂર્વ-પાટનગર ક્રેકોવ

પોલૅન્ડમાં સડકમાર્ગોની લંબાઈ આશરે 1,4૦,576 કિમી.થી પણ વધુ છે. સાઇલેસિયાના પ્રદેશમાં તેનું પ્રમાણ વિશેષ છે. પાટનગર વૉર્સો ધોરીમાર્ગોનું કેન્દ્ર બની રહેલું છે, તે પૂર્વ તરફ મૉસ્કો અને પશ્ચિમ તરફ બર્લિન સાથે સંકળાયેલું છે; વળી તે યુરોપના અન્ય દેશોને પણ સડકમાર્ગે જોડે છે.

પોલૅન્ડમાં આંતરિક જળમાર્ગોનો વિકાસ પણ વિશેષ પ્રમાણમાં થયેલો છે. અહીં આશરે 4,4૦૦ કિમી. લંબાઈના નહેરો સહિતના નદીજળમાર્ગો છે. ઓડર નદી આશરે 64૦ કિમીની લંબાઈમાં જળમાર્ગ તરીકે ઉપયોગી બની રહે છે. તેનો માર્ગ ઉપલા સાઇલેસિયા પ્રદેશને બાલ્ટિક સમુદ્ર સાથે જોડે છે. વિસ્ચુલા નદી પણ જળમાર્ગ તરીકે ઉપયોગી તો છે, પરંતુ તે છીછરી હોવાથી તેનો ઓછો ઉપયોગ થાય છે. દેશના કાંઠાવિસ્તારમાં સ્ટેટીન (શ્ચેટ્સીન), ડાન્ઝિગ અથવા ગ્ડૅન્સ્ક (Gdansk), ડાયનિયા (Gdynia) વગેરે દરિયાઈ બંદરો છે; જ્યારે ગ્લીવિસ (Gliwice), વ્રૉક્લો તથા વૉર્સો એ મહત્ત્વનાં નદીબંદરો છે.

પાટનગર વૉર્સો આંતરરાષ્ટ્રીય હવાઈ મથક ધરાવે છે, તેમજ દરેક પ્રાંતના મુખ્ય નગર સાથે પણ હવાઈ માર્ગે જોડાયેલું છે. દેશમાં ‘પોલિશ સ્ટેટ એરલાઇન’ (LOT) આંતરિક તેમજ દરિયાપારની હવાઈ સેવાઓ પૂરી પાડે છે.

પોલૅન્ડ અમુક અંશે યુ.એસ., ઇંગ્લૅન્ડ, ચીન, ભારત, ફિનલૅન્ડ, ફ્રાન્સ વગેરે દેશો સાથે વેપારથી જોડાયેલું હોવા છતાં તે રશિયા તથા પૂર્વ યુરોપના દેશો સાથે વધુ વ્યાપારી સંબંધો ધરાવે છે. તે મુખ્યત્વે કોલસો, લિગ્નાઇટ, રેલ-એંજિન, લોખંડ-પોલાદ, યંત્રસામગ્રી, કપડાં, જહાજો, સિમેન્ટ વગેરેની નિકાસ કરે છે; જ્યારે તેની મુખ્ય આયાતોમાં લોખંડ, ખનિજતેલ, રસાયણો, ચામડાં, ઘઉં, ઊન, રૂ વગેરેનો સમાવેશ થાય છે.

વસ્તી અને વસાહતો : પોલૅન્ડની કુલ વસ્તી આશરે 3.8 કરોડ (2૦17) ની છે. સરેરાશ વસ્તી-ગીચતા દર ચોકિમી. 123 વ્યક્તિ જેટલી છે. વિશેષ ગીચ વસ્તીનું પ્રમાણ સાઇલેસિયાના પ્રદેશમાં છે; ત્યાં વસ્તીગીચતા દર ચોકિમી. 4૦૦-5૦૦ જેટલી છે. દેશમાં શહેરી અને ગ્રામીણ વસ્તીનું પ્રમાણ અનુક્રમે 62 % અને 38 % જેટલું છે. દેશમાં એક જ જાતિજૂથનું વસ્તીપ્રમાણ વધારે છે, જોકે થોડાક પ્રમાણમાં ચેક, યહૂદી, જર્મન અને યુક્રેનિયન વસ્તી પણ અહીં છે. મોટાભાગના લોકો રોમન કૅથલિક ધર્મ પાળે છે. દેશમાં શિક્ષિત વસ્તીનું પ્રમાણ 98 % જેટલું છે.

વિસ્ચુલા નદીકાંઠે વસેલું પાટનગર વૉર્સો 17,64,615ની વસ્તી (2૦17) ધરાવતું પોલૅન્ડનું સૌથી મોટું શહેર છે. 13મી સદીના ગાળામાં તે વ્યાપારી કેન્દ્ર હતું. દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન તેનો મોટો ભાગ નાશ પામેલો, પરંતુ તે પછીથી તેને પહેલાંની જેમ જ ફરીથી બાંધવામાં આવ્યું છે. આ શહેરમાં અનેક ઉદ્યોગોનો વિકાસ થયો છે. લૉડ્ઝ (વસ્તી : 6,87,7૦2  જૂન, 2૦18) એ દેશનું બીજા ક્રમે આવતું શહેર તથા કાપડ-ઉદ્યોગનું મોટું કેન્દ્ર છે. ક્રેકોવ (વસ્તી : 7,69,498  3૦ જૂન, 2૦18) એ વિસ્ચુલા નદીકાંઠા પરની એક ટેકરી નજીક વસેલું છે. સાઇલેસિયાના કોલસા ક્ષેત્રની સમીપતાને લીધે ઔદ્યોગિક કેન્દ્ર તરીકે તેનો સારો વિકાસ થયો છે. આ ઉપરાંત, વ્રૉક્લો, પોઝનાન, ગ્ડૅન્સ્ક, કાટોવિસ, લ્યુબ્લીન વગેરે અગત્યની બીજી શહેરી વસાહતો છે.

બીજલ પરમાર