પોલીસ : પ્રજાના જાનમાલના રક્ષણ માટેનું અર્ધલશ્કરી શાસકીય સંગઠન. માનવ જ્યારથી સમૂહોમાં રહેવા લાગ્યો ત્યારથી સમૂહ માટે સલામતીની ચિંતા સમૂહના મુખીઓ કરતા, પછી ગોત્ર વસતાં ગયાં અને તેના રક્ષકોની ફરજો નિશ્ર્ચિત થતી ગઈ. પછી ગામો, શહેરો, રાજ્યો માટે આ સેવાઓ વિસ્તરતી ગઈ. કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં આવી સેવા માટે રક્ષક અને સેવકોના ઉલ્લેખો છે.
હાલની આપણી પોલીસ-વ્યવસ્થા બ્રિટિશ શાસનની દેણ છે. 1947 સુધી ભારતમાં જ્યાં જ્યાં દેશી રાજ્યો હતાં ત્યાં ત્યાં પોલીસની કામગીરી બ્રિટિશ પદ્ધતિ મુજબ જ રહેતી. સ્વતંત્રતા પછી ભારતનાં રાજ્યોના ગૃહખાતા દ્વારા આ સંગઠનની કામગીરીનું સંચાલન થતું હોય છે. પોલીસની કામગીરીમાં મુખ્યત્વે સરકારના કાયદાઓનું પાલન તથા જનતાના જાનમાલનું રક્ષણ કરવાની જવાબદારી સમાયેલી હોય છે. પોલીસની કામગીરીમાં દારૂબંધી ઉપરાંત અન્ય ગેરકાયદેસરનાં કૃત્યો કરનાર ગુનેગારોને પકડવાની, તેમના પર કામ ચલાવવાની તથા રસ્તા-વાહનવ્યવહારનું નિયમન કરવાની કામગીરી સમાવી લેવામાં આવી છે. વાસ્તવમાં નાગરિકોને કોઈ પણ પ્રકારની ફરિયાદ હોય તો તેનું નિવારણ કરવાની તથા નાગરિકોને સહાય કરવાની પોલીસની પ્રાથમિક ફરજ ગણાય છે.
કાયદાનું પાલન અને સામાજિક વ્યવસ્થા સાચવવાની જવાબદારી પોલીસની હોય છે. જાહેર શાંતિ જોખમાય તેવી કોઈ પણ પ્રવૃત્તિ કરનાર પોલીસની નજરે ગુનેગાર ગણાય છે. દેશ વિરુદ્ધ કોઈ પણ કાર્યવહી કરનાર, જાહેર મિલકતોને નુકસાન પહોંચાડનાર તથા અન્ય ગુનાહિત પ્રવૃત્તિ કરનારને પકડી યોગ્ય સજા કરાવવાની કામગીરી પોલીસની છે. લાંચ-રુશવત, ભ્રષ્ટાચાર વગેરે પ્રવૃત્તિઓ સામે પણ પોલીસ કાર્યવહી કરે છે. પોતાના વિસ્તારમાં બનતા કોઈ પણ ગુનાથી જનતાને બચાવવાની અને છતાં કોઈ ગુનો બને તો આરોપીની નસિયત કરવાની કામગીરી પોલીસની છે.
ગામડામાં પોલીસ-પટેલ, નગરના આઉટ-પોસ્ટનો થાણેદાર, તાલુકા મથકે જમાદાર, કૉન્સ્ટેબલ, ફોજદાર, જિલ્લામાં બેથી ત્રણ નાયબ પોલીસ-સુપરિન્ટેન્ડન્ટ અને પોલીસ-ઇન્સ્પેક્ટરો ત્રણથી ચાર તાલુકા ઉપર કાયદો-વ્યવસ્થા જાળવતા હોય છે. આ બધા પર દેખરેખ રાખવા અને પ્રજાને મદદ કરવા દરેક જિલ્લામાં પોલીસ-સુપરિન્ટેન્ડન્ટ, બેચાર જિલ્લાની પોલીસ-વ્યવસ્થા માટે પોલીસ-અધીક્ષક, તે સર્વ ઉપર ડેપ્યુટી ડિરેક્ટર જનરલ અને ડિરેક્ટર જનરલ ઑવ્ પોલીસ – આ સૌ રાજ્યના ગૃહખાતા હેઠળ કામગીરી બજાવે છે.
શહેરમાં તેની વસ્તીના અને ક્ષેત્રવિસ્તારના પ્રમાણમાં પોલીસ-સ્ટેશન (મથક) સિવાય પોલીસ-ચોકીઓ પોલીસ-આઉટ-પોસ્ટ (થાણાં) હોય છે, જેથી ગુના સામે રક્ષણ આપવા માટે પોલીસને લાંબા અંતર સુધી દોડવું ન પડે, તેમજ જનતાને ફરિયાદ માટે દૂર જવું ન પડે. કેન્દ્ર સરકાર ઇન્ડિયન પોલીસ (IP) સર્વિસમાં ભરતી તથા નિમણૂકોમાં અને પોલીસ-ખાતાંઓને સાધનસામગ્રી પૂરી પાડવામાં રાજ્યોને મદદ કરે છે.
ગુના બને તે પહેલાં જ એટલે કે ગુના બનતા અટકાવવા અને ગુનાવૃત્તિ ન ફેલાય તે માટે છૂપી પોલીસ કે સી.આઈ.ડી.(ક્રાઇમ બ્રાંચ)ની વિશિષ્ટ શાખા હોય છે. દરેક તાલુકામાં આ છૂપી પોલીસ સમગ્ર તાલુકાની પ્રવૃત્તિઓની વિગતો ઉપર ચાંપતી નજર રાખતી હોય છે અને તેના અહેવાલો યોગ્ય ઉપરીઓ મારફત ગૃહખાતાને પહોંચાડતી હોય છે.
પોલીસની કામગીરીમાં ગુનો બને ત્યારે તથા ગુનેગાર પકડાય ત્યારે તેના વિશે નક્કર પુરાવા એકઠા કરવા પોલીસે કામગીરી બજાવવાની હોય છે. ઘણી વખત કોર્ટ તરફથી બહુ ટૂંકી રિમાન્ડ (પોલીસ-કસ્ટડી) મળતાં શકમંદની તપાસ માટે પોલીસે રાત અને દિવસ એક કરવાં પડે છે. નબળા પુરાવાને લીધે ગુનેગારને ઘણી વાર શંકાનો લાભ મળી જાય છે.
પોલીસ પ્રાથમિક ફરિયાદ નોંધી લે, એટલે તેની કાર્યવહી શરૂ થાય છે. પોલીસ પાસે શકદારો, અગાઉ ગુનો કરી ચૂકેલાઓ, ગુના- ટોળી(ગૅંગ)ના ગુનો આચરનારા સભ્યો તથા તેના સૂત્રધારો વગેરેની યાદી હોય છે. ગુનો થાય અને આરોપી પકડાય તો તેનાં આંગળાંની છાપો, તેના સામેથી અને બાજુએથી લેવાયેલ ફોટાઓ વગેરેની પોલીસ પાસે કાયમી નોંધ (રેકર્ડ) હોય છે. આરોપીની આગવી ખાસિયતો મુજબ તેનું વર્ગીકરણ કરાયેલું હોય છે. પોલીસ-ફરિયાદના અનુસંધાનમાં શરૂ કરેલી પૂછપરછમાંથી શકદારોનાં મળતાં નામોમાં જો કોઈ અગાઉ ગુનો કરી સજા ભોગવી ચૂકેલાનું નામ હોય તો તેથી પોલીસનું કામ કંઈક અંશે સરળ બને છે.
ગુનાના સ્થળેથી મળી આવતી આંગળાંની છાપ અને શકદારોનાં આંગળાંની છાપ (જે રેકર્ડમાં હોય અથવા પૂછપરછ દરમિયાન લીધેલી હોય તે) સરખાવી પોલીસ ગુનેગારને શોધી શકે છે.
શકદાર/ગુનેગાર પાસેથી પોલીસ કબૂલાત મેળવે છે. ગુનાની કબૂલાત કરાવવામાં પોલીસ કોઈ કોઈ વાર ત્રાસ ગુજારવાની રીતો અપનાવે છે; દા. ત., 1979-8૦માં બિહારમાં ભાગલપુર જિલ્લામાં 31 શકમંદ લોકોની આંખમાં સાઇકલના આરા ભોંકીને કે ઍસિડ રેડીને તેમને અંધ બનાવાયા હોય તેવી અમાનુષી રીતની ઘટનાઓ બહાર આવેલી છે. ગુનાની દુનિયામાં ધાક બેસાડવા પોલીસે આવાં કૃત્યો કરવાં પડે છે એવો બચાવ તેમના ખાતા દ્વારા કરવામાં આવે છે, પણ તે મૂળભૂત રીતે તો માનવ-અધિકારોના ભંગરૂપ બાબત હોય છે. આવું કૃત્ય કરવા માટે ભારતીય દંડસંહિતાની કલમ 33૦ અને 331 મુજબ નોકરીમાંથી પોલીસને સસ્પેન્ડ – બરતરફ કરી શકાય છે અને તેની ધરપકડ કરી કાનૂની રીતે કામ પણ ચલાવી શકાય છે.
વિદેશમાં પોલીસની આબરૂ ઊંચી છે; જેમ કે બ્રિટનના બૉબી-(પોલીસ)ની, કૅનેડામાં માઉન્ટીની, ફ્રાન્સમાં સ્યુર્નેની શાખ એવી છે કે તેમનો શબ્દ ન્યાયાલયો પણ સ્વીકારે છે. ત્યાંની પોલીસ પ્રજાને મદદ કરવા માટે સદા તત્પર રહે છે.
પોલીસ-કામગીરીમાં મદદરૂપ થવા દરેક રાજ્યમાં પોલીસ-લૅબોરેટરીઓ હોય છે. આ લૅબોરેટરીમાં ગુનાના સ્થળેથી મળી આવેલ અચેતન સાક્ષીઓ-પુરાવાઓને બોલતા કરવામાં આવે છે. ગુનાના સ્થળેથી મળી આવેલ એકાદ કપડાનો ધાગો, તાંતણો, મરનારની આંગળીઓના નખમાંથી મળી આવેલ મેલ કે સામા માણસથી બચવા કરેલ ઉઝરડાના અવશેષો, તૈલી ડાઘાઓ, બીડી/સિગારેટનાં ઠૂંઠાંઓ, ચંપલ કે જોડાની છાપો, આરોપીએ તોડેલ બારીના કાચના ટુકડાઓ, લોહી, પ્રસ્વેદ, વાળ, વીર્ય, ઝેર અને એવા અન્ય પદાર્થો, ગુનાના સ્થળ પાસેથી મળી આવતાં ટાયરનાં નિશાન અને ઓજારનાં નિશાન, પગરખાની અને કાપડની રજ, દાંતમાં ભરાઈ રહેલ કણો, ન ઓળખાયેલ હસ્તાક્ષરો, બાળી નાખવામાં આવેલ કાગળો, શાહીના ડાઘાઓ, ત્યાંથી મળી આવેલી પિસ્તોલની ગોળીઓ, દારૂ એવા એવા અનેક પદાર્થોની પોલીસ-લૅબોરેટરીમાં ઊંડી તપાસ થાય છે અને તે પુરાવાઓમાં શકની કોઈ ગુંજાશ રહેતી નથી. તૂટી પડતાં મકાનો, બૉમ્બ વડે તોડી પાડવામાં આવતાં ઘરો, વાહનો, પુલો, બંધો, નહેરો, ડૂબી જતાં કે ડુબાડવામાં આવતાં વહાણો-જહાજો, તૂટી પડતાં વિમાનોના ફુરચાઓની તપાસ પણ આ લૅબોરેટરીમાં થાય છે.
લૅબોરેટરીમાં પારજાંબલી કિરણો (ઇન્ફ્રારેડ) વડે કેફી પદાર્થોની રજ, ધોબીએ કપડાં પર કરેલાં નિશાન, ગ્રીસના તેમજ તૈલી ડાઘા (જે સામાન્ય રીતે ધોવાઈ જાય અને નરી આંખે ન દેખાતા હોય તે) જણાઈ આવે છે. ભૂંસાઈ ગયેલું લખાણ, તેમજ લોહી, પેશાબ, પરસેવાના ડાઘા નરી આંખે ભલે ન દેખાય; પોલીસ-લૅબોરેટરી આ શોધી કાઢે છે.
આવી જ રીતે લખાણની છેકછાક પાછળનું લખાણ, બળી ગયેલા કાગળ પરનું લખાણ, જર્જરિત કાપડ પરના ડાઘ, ટાઇપ કરેલ લખાણ છેકી તેના ઉપર ટાઇપ કરેલું અન્ય લખાણ વગેરે અધોરક્ત કિરણો વડે પારખી શકાય છે. ચોરાયેલી વીમા-પૉલિસી, તેના ખોટા દાવાઓ ઓળખવામાં પણ આ તપાસ ઉપયોગી થાય છે. આવી જ રીતે ત્રિપાર્શ્ર્વ કાચ વડે રંગ-વર્ણ પટ ઉપરથી બૉમ્બમાં વપરાયેલ ધાતુઓનું મિશ્રણ વગેરે જાણી લઈ બૉમ્બ બનાવનારાઓને પકડવા સુધીની કાર્યવહી પોલીસ કરે છે. અસલને બદલે તેવું જ નકલી ચિત્ર વેચી કરોડો રૂપિયાના ગોરખધંધા ક્ષ-કિરણોની તપાસ વડે પોલીસે પકડી પાડ્યાના દાખલા છે. વળી પ્રત્યેક જિલ્લામાં પોલીસ ગુના પકડવા કેળવેલા કૂતરાઓની શક્તિનો ઉપયોગ પણ કરવામાં આવતો હોય છે.
ખૂન કે બળાત્કાર જેવાં ગુનાહિત કૃત્યોમાં પૉસ્ટમૉર્ટમ અને ડૉક્ટરી તપાસ મહત્ત્વના પુરાવાઓ હોય છે. મૃત્યુ પામેલ વ્યક્તિએ આત્મઘાત કરેલો છે, તેનું ખૂન થયું છે કે તે કુદરતી મૃત્યુ પામેલ છે તે વિગતો ડૉક્ટરે શબમાંથી કાઢી લીધેલ હોજરી, આંતરડાં અને ઘાના પદાર્થોની લૅબોરેટરી-તપાસ દ્વારા મેળવી શકાય છે અને તેની મદદથી ગુનેગારને પકડી શકાય છે. ન્યાયાલય સમક્ષ ડૉક્ટરની સાક્ષી પણ બહુ ઉપયોગી બને છે. કોઈ વ્યક્તિને ગૂંગળાવીને મારી નખાઈ છે કે ઝેરી ગૅસ વડે તે ડૉક્ટર કહી શકે છે.
પોલીસ-લૅબોરેટરીમાં મુખ્યત્વે સાત ખાતાંઓ હોય છે : (1) રાસાયણિક અને ભૌતિક તપાસનું ખાતું; (2) શારીરિક તપાસનું ખાતું; (3) પિસ્તોલ/ઓજાર વગેરેનું ખાતું; (4) વણ-ઓળખાયેલ દસ્તાવેજોનું ખાતું; (5) ફોટોગ્રાફીને લગતું ખાતું; (6) યાંત્રિક તપાસ અને સમારકામનું ખાતું; અને (7) સામાન્ય સર્વગ્રાહી વહીવટી ખાતું. પોલીસ દ્ધારા બીજી પણ કેટલીક વિશિષ્ટ સેવાઓ અપાતી હોય છે. કુદરતી આપત્તિ સમયે તેની સેવાઓ મહત્ત્વની બની રહે છે. ક્યારેક કાર્ય વધારે મુશ્કેલ હોય તો પોલીસ દ્વારા લશ્કરની મદદ પણ લેવામાં આવે છે.
દરિયાકિનારે ઊતરતાં દેશવિરોધી તત્ત્વો, હથિયારો, આર.ડી.એક્સ. દારૂગોળો વગેરેને આંતરવા પોલીસ શંકાસ્પદ સ્થળોએ, કિનારાના હાઈવે ઉપર દિવસ અને રાત ચોકી કરવાની ફરજ બજાવતી હોય છે. કાશ્મીરનાં હિમશૃંગો ઉપર; કર્ણાટક, ચંબલનાં કોતરોના કે ઉત્તરપ્રદેશના બહારવટિયાઓ સામે કે આતંકવાદીઓ અને ધાડપાડુઓ સામેની પોલીસની વીરતા, સાહસ તથા હાડમારીભરી કામગીરીની વાતો પ્રેરણાદાયક બની રહે છે.
પોલીસતંત્રમાં ભરતી થવા માટે જે તે ઉમેદવારની પરીક્ષા લેવાય છે અને પછી પોલીસ-પ્રશિક્ષણ-કેન્દ્રોમાં પસંદ કરેલા તે ઉમેદવારોને બહુ જ આકરી તાલીમ અપાય છે.
પોલીસમાં મહિલાઓની પણ ભરતી થતી હોય છે, કારણ કે મહિલા-આરોપીઓ પાસેથી ગુનાની વિગતો કઢાવવામાં મહિલા-પોલીસ સવિશેષ અસરકારક ને ઉપયોગી થાય છે. ગુનેગારો સામે આ તાલીમબદ્ધ મહિલા-પોલીસનું અભિજાત વાત્સલ્ય ઘણું કામ આવી શકે છે. આ કાર્ય માટે દરેક જિલ્લામાં સામાજિક સુરક્ષા સલાહકાર સમિતિ હોય છે. તેમાં સમાજસેવી મહિલાઓની પણ માનદ સેવાઓ લેવામાં આવે છે, તેની બેઠકો જિલ્લા પોલીસ-સુપરિન્ટેન્ડન્ટ, વર્ષમાં ચાર-પાંચ વખત બોલાવે છે તથા તેમનાં ઉપયોગી સૂચનોનો અમલ કરે છે. યુરોપ, અમેરિકા અને રશિયા જેવા દેશોમાં મહિલા-પોલીસની સંખ્યા પુરુષોના પ્રમાણમાં ઓછી છતાં પ્રમાણમાં ગણનાપાત્ર લેખાય એટલી હોય છે.
મહિલા-પોલીસો લાંચરુશવત અને ભયગ્રસ્ત વાતાવરણ ઓછું કરાવવામાં ઘણી સફળ નીવડે છે. હજુ ભારતમાં તેમની સંખ્યા એક ટકાથી પણ ઓછી છે. તે વધે તો સમાજ-સુરક્ષામાં પોલીસનો ફાળો વધી શકે. કૉગ્નિઝેબલ ગુના અંગે પોલીસ વગર વૉરંટે પણ ઘરમાં દાખલ થઈ આરોપીની ધરપકડ કરી શકે છે. નૉન-કૉગ્નિઝેબલ ગુના માટે તે મૅજિસ્ટ્રેટના વૉરંટથી જ કહેવાતા આરોપીની ધરપકડ કરવા ઘરમાં પ્રવેશ કરી શકે છે. વળી જડતીનું વૉરંટ લઈને પણ તે તપાસ કરવા માટે ઘરમાં પ્રવેશી શકે છે.
નાગરિક પોતે કોઈ વ્યક્તિને ગુનો કરતી જુએ તો તે ગુનો અટકાવવા માટે તેને પકડીને પોલીસને સોંપી શકે છે. અમુક માણસે ગુનો કર્યો છે તેવી ખબર પડે તોપણ નાગરિક દ્વારા તેને પોલીસને સોંપી શકાય. દરેક નાગરિકની આ નૈતિક અને કાયદેસરની ફરજ ગણાય છે.
આરોપીને પકડ્યા પછી પોલીસે 24 કલાકમાં જ તેને મૅજિસ્ટ્રેટ (ન્યાયાધીશ) સમક્ષ રજૂ કરવો જ પડે છે અને પછી પ્રાથમિક રિપોર્ટના આધારે મૅજિસ્ટ્રેટ જે તે આરોપીને પોલીસને સોંપી શકે અથવા તેને યોગ્ય જામીન ઉપર છોડી શકે છે. ગંભીર ઈજા કે ખૂન, બળાત્કાર જેવા કિસ્સામાં ન્યાયાધીશ અમુક દિવસો માટે આરોપીને પોલીસને રિમાન્ડ ઉપર સોંપે છે, જેથી ગુના અંગે યોગ્ય માહિતી કે પુરાવો મળી શકે. ત્યારબાદ ધરપકડ હેઠળની વ્યક્તિને ન્યાયિક રિયાસતમાં લઈ જવાય છે.
કોઈ પણ આરોપીની પાસેથી માહિતી મેળવવા કે ગુનાની કબૂલાત કરાવવા પોલીસને આરોપીને મારવાનો તો શું પણ આંગળી અડાડવાનોયે અધિકાર નથી; તેમ છતાં કોઈ પણ અમલદાર તેવું કરે તો તુરત મૅજિસ્ટ્રેટને મૌખિક કે લેખિત જાણ કરી શકાય અને પોલીસે ઈજા કર્યાનું સાબિત થાય તો એવું કરનાર પોલીસ કે અમલદારને સજા પણ થાય છે. આરોપીની ધરપકડ પછી તેને સારો અને પૂરતો ખોરાક તથા પોલીસ મૅન્યુઅલમાં જણાવ્યા અનુસારની સગવડો આપવા પોલીસ બંધાયેલી છે. આવી સગવડો ન મળે તો આરોપી ન્યાયાધિકારીને મૌખિક કે લેખિત જાણ કરી તે સગવડો મેળવી શકે છે.
કોઈ ગુનેગારે વારંવાર ગુના કર્યા હોય અથવા જો તે તાલુકા કે જિલ્લામાં તેની હાજરીથી ભયનું વાતાવરણ ફેલાવાનો કે તેને કારણે કાયદાનો ભંગ થવાનો સંભવ હોય ત્યારે તે ગુનેગારને તડીપાર કરવાની કાયદામાં જોગવાઈ છે. આવા ગુનેગાર છાની રીતે છુપાઈને પોતાના વતનમાં આવે છે ત્યારે તેને પકડવાની પોલીસની મહત્ત્વની ફરજ રહે છે. પોલીસો અને નાગરિકો વચ્ચે સહકાર બની રહે એ માટે નાગરિકો પોલીસોની સંયુક્ત કાર્યશિબિરો વારંવાર યોજાય તે હિતાવહ છે.
જુદાં જુદાં રાજ્યોનાં ગૃહખાતાં નીચે કામ કરતા પોલીસ-અધિકારીઓ અને મુખ્ય, નાયબ કે જિલ્લા પોલીસ-અધિકારીઓ અને પોલીસ-મહાનિર્દેશકો વચ્ચે સમન્વય અને સહકાર બની રહે એ માટે અગત્યના રાષ્ટ્રીય પ્રશ્ર્નો અંગે યોગ્ય સલાહ અને માર્ગદર્શન આપવાનું કાર્ય ભારત સરકારનું ગૃહખાતું કરે છે. બધાં રાજ્યોનાં પોલીસ-દળો માટે વાયરલેસ, હથિયારો અને અન્ય સામગ્રી મેળવી આપવામાં અને રાજ્યોમાં યોગ્ય અંતરે માઇક્રોવેવ સંચાર-વ્યવસ્થા ઊભી કરવામાં કેન્દ્રનું ગૃહખાતું મદદ કરે છે. રાજ્યનો દરજ્જો ન ધરાવતા વિસ્તારોની પોલીસ તો સીધી જ કેન્દ્ર સરકારના ગૃહખાતાની નિશ્રામાં કામ કરતી હોય છે.
રાજ્યો રાજ્યો વચ્ચે ગુનાઓ કરનારાઓ, આંતરરાષ્ટ્રીય દાણચોરો, આતંક ફેલાવનારાઓ, રાજ્યોમાં ખાયકી અને ભ્રષ્ટાચાર કરનારાઓને પકડવા કેન્દ્ર સરકારે (મોટાભાગે) કેન્દ્રીય જાંચ બ્યૂરો(central bureau of investigationCBI)ની રચના કરી છે; રેલવે, તાર-ટપાલ, ટેલિફોન જેવા સરકારી એકમો તથા જાહેર વ્યાપારી એકમો, જીવનવીમા-નિગમો, નાણાકીય નિગમો વગેરેના કર્મચારીઓ દ્વારા ખાયકી, લાંચ-રુશવત, ભ્રષ્ટાચાર, ગેરવર્તણૂક, બકોની ઉચાપત તથા કેન્દ્રના ધારાઓકાયદાઓ અને નિયમોનો જેમાં ભંગ થતો હોય તેવા ગુના રોકવા અને ગુનેગારને સજા કરાવવા સી.બી.આઈ. કામ કરે છે. વિદેશી હૂંડિયામણને લગતાં, નકલી પાસપૉર્ટ કે વિસાને લગતાં, આયાત-નિકાસ નિયમન ધારાને લગતાં કાનૂની નિયમનો; કસ્ટમ, દરિયાઈ અને કેન્દ્રીય જકાતધારાઓ વગેરેના ભંગ માટે; આવકવેરા કાયદાને લગતા ગુનાઓ, ચલણી નોટો કે સિક્કાઓની બનાવટના, તેના ગેરકાયદે ઉત્પાદન અને તેના રાજ્ય-આંતરરાજ્ય કે આંતરદેશીય કે વિદેશમાંના વિનિમય અંગેના ગુનાઓ માટે સી.બી.આઈ. જાંચ-તપાસ કરી, પોલીસને મદદરૂપ થઈ, ગુનેગારોને સજા કરાવી દેશની સંપત્તિ બચાવે છે.
દરેક દેશના પોલીસ-વિભાગોને ગૃહખાતાંઓને સહકાર આપતી વિશ્વ પોલીસ સંસ્થા ‘ઇન્ટર પોલ’ પૅરિસમાં કામ કરે છે. તેની પાસે તેના સભ્ય રાષ્ટ્રો દ્વારા પૂરી પડાતી માહિતીઓ વડે તે એકબીજા દેશને સાવચેત કરી ગુનાની દુનિયાને કાબૂમાં રાખે છે; આંતરરાષ્ટ્રીય ધોરણે દેશવિદેશોના પોલીસ-વિભાગોને પરસ્પર સહકાર સાધવામાં મદદ કરે છે તથા જે તે દેશના ગુનેગારોને પકડી પાડી જે તે દેશોને તે પાછા સોંપવાની કામગીરીમાં મદદરૂપ થાય છે.
ભારતમાનાં 428 સંગ્રહાલયોમાં જાન્યુઆરી 1991માં દિલ્હી ખાતે ખુલ્લા મૂકવામાં આવેલ કેન્દ્રીય તપાસ/અન્વેષણ બ્યૂરો (CBI) હસ્તકના પોલીસ-સંગ્રહાલયનો ઉમેરો થયેલ છે, જેમાં પ્રાચીન કાળથી અર્વાચીન કાળ સુધીની પોલીસ, ગુનાઓ તથા ગુનેગારો વિશેની રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય કક્ષાની સચિત્ર તથા વસ્તુરૂપ વિગતો મૂકવામાં આવેલી છે; દા. ત., આ સંગ્રહાલયમાં પ્રાચીન કાળની બંદૂકો, પિસ્તોલો, નકલી અને સાચી ચલણી નોટો, દાણચોરી માટે વપરાતાં રમકડાં, વિખ્યાત (VIP) માણસોની બનાવટી સહીઓ, કળાકુશળતાની નકલી વસ્તુઓ તથા મહાન કલાકારોનાં અપ્રાપ્ય ચિત્રોની બનાવટી/અવૈધ નકલો, બનાવટી ચેકો, ગુનાશોધન માટેનાં અદ્યતન સાધનો, ગુનેગારોની કાર્યપદ્ધતિ વગેરેનો સમાવેશ કરવામાં આવેલ છે.
પુષ્કર ગોકાણી