પોયણાં : દ્વિદળી વર્ગના નિમ્ફિયેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Nymphaea pubescens Willd. syn. N. nouchali Burm. F; N. lotus Hook f. S. Thoms non Linn. N. rubra Roxb. ex Salisb. (સં. કુમુદિની, પદ્મિની, ચંદ્રવિકાસિની; બં. રક્તક્મલ; મ. રક્તકમલ, લાલ કમળ; ગુ. પોયણાં, કમળ, કુમુદિની, કમલફૂલ, નીલોફર, કોકનદ, કુંભકમળ, બોકંડા, ઘીતેલાં) છે. જોકે આ જાતિ N. lotus Linn. (શ્વેત ઇજિપ્શિયન જલકમલ) કરતાં જુદી છે. N. lotus Linn. ભારતમાં થતી નથી. પહેલાં N. pubescens અને N. rubraને પર્ણની રોમિલતા અને પુષ્પના રંગના આધારે જુદી જાતિઓ ગણવામાં આવતી હતી; પરંતુ હવે તે પર્યાય (synonyms) ગણાય છે. N. stellata Willd.(નીલકમલ)ને પણ ‘પોયણાં’ કહે છે. N. pubescensમાં પર્ણની નીચેની સપાટી રોમિલ (pubescent), વજ્ર 5થી 10 શિરાઓવાળું અને પરાગાશયો ઉપાંગરહિત હોય છે; જ્યારે N. stellataમાં પર્ણની નીચેની સપાટી અરોમિલ (glabrous), વજ્ર શિરારહિત અને પરાગાશયો ઉપાંગીય હોય છે.
પોયણું ઇજિપ્તનું મૂલનિવાસી હોવાનું મનાય છે. તે ભારતના હૂંફાળા પ્રદેશોમાં પાણીમાં થતી એકાદ મીટર ઊંચી શાકીય વનસ્પતિ છે. તેની ગાંઠામૂળી ટૂંકી, ટટ્ટાર, ગોળાકાર અને કન્દિલ (tuberosus) હોય છે. તેને ‘બોકંડા’ કહેવામાં આવે છે. પાણી સુકાતાં ગાંઠામૂળી જમીનમાં સચવાઈ રહે છે અને ફરીથી પાણી મળતાં તે ફૂટે છે. તેના પર્ણદંડ લાંબા અને છત્રાકાર (peltate) હોય છે. પર્ણો શરૂઆતમાં સાંકડાં અને રેખીય હોય છે; ત્યારબાદ તે બાણાકાર(sagittate)થી ઉપવલયાકાર (elliptical) બને છે. પરિપક્વ પર્ણો લગભગ 15થી 25 સેમી. વ્યાસ ધરાવતાં વર્તુળાકાર (orbicular), અંડાકાર (oval) કે વૃક્કાકાર (haniform) હોય છે. તેનો તલપ્રદેશ હૃદયાકાર (cordate) હોય છે. તેની ઉપરની સપાટી અરોમિલ હોય છે; જ્યારે નીચેની લાલ-બદામી અને રોમિલ હોય છે અને ઊપસેલી શિરાઓ ધરાવે છે. તે પાણીની સપાટી પર તરતાં હોય છે. તેની પર્ણકિનારી તરંગિત-દંતુર (sinuate-toothed) હોય છે.
તેનાં પુષ્પો એકાકી (solitary), ઘેરા લાલથી શુદ્ધ સફેદ રંગનાં, લગભગ 15.0 સેમી. પહોળાં અને લાંબા દંડ પર ઉત્પન્ન થઈ પાણીમાં તરતાં હોય છે. તે રાત્રે ખીલે છે અને દિવસે બિડાઈ જાય છે. કેટલીક જાત સવારના થોડાક કલાક ખુલ્લી રહે છે. પુષ્પો મંદ સુરભિત હોય છે. ફળ વાદળી જેવાં પોચાં, અનષ્ઠિલ અને લગભગ 3.0 સેમી. પહોળાં હોય છે. તેને ‘ઘીતેલાં’ પણ કહે છે.
દુષ્કાળમાં કાંજીયુક્ત ગાંઠામૂળી કાચી અથવા બાફીને ખાવામાં આવે છે. કેટલીક વાર તેને પકવવામાં આવે છે. તેના એક રાસાયણિક વિશ્લેષણ મુજબ, તે ભેજ 53.95 %; અશુદ્ધ પ્રોટીન 5.87 %; ચરબી 1.06 %; કાંજી 27.37 %; અશુદ્ધ રેસા 1.55 %; બીજા કાર્બોદિતો 9.07 % અને ભસ્મ 1.13 % ધરાવે છે.
પુષ્પદંડો અને કાચાં ફળોનો શાકભાજી તરીકે કે કચુંબર બનાવવામાં ઉપયોગ થાય છે. તે આંચે પકવેલાં માંસ (stew) કે શાકભાજીના સંઘટક (ingradient) તરીકે ઉપયોગમાં લેવાય છે.
બીજ પણ કાચાં કે શેકીને ખાવામાં આવે છે. તેના લોટમાંથી રોટલા બનાવાય છે. તેની ‘કાંજી’ પણ બનાવવામાં આવે છે. તે વધારે પ્રમાણમાં ખાવામાં આવે ત્યારે વિષારી અસર ઉત્પન્ન કરે છે. તેના રાસાયણિક વિશ્લેષણ મુજબ, તે ભેજ 12.05 %; અશુદ્ધ પ્રોટીન 7.95 %; ચરબી 0.94 %; કાર્બોદિતો 77.86 %; રેસા 0.68 % અને ભસ્મ 0.52 % ધરાવે છે.
આયુર્વેદ અનુસાર તે સંકોચક, શીતલ, દાહશામક, હૃદયબળવર્ધક, હૃદયસંરક્ષક, રક્તસંગ્રાહી, મૂત્રલ, મૂત્રવિરંજનીય અને ગ્રાહી હોય છે. તેની ગાંઠામૂળી શામક (demulcent) હોય છે અને તેનો ઉપયોગ મરડો, અજીર્ણ, મસા, ગૉનોરિયા અને મૂત્રમાર્ગના રોગોમાં થાય છે. ગુદભ્રંશ હોય ત્યારે તેનાં કુમળાં પાન સાકર સાથે ખાવામાં આવે છે. પુષ્પોનો ક્વાથ સ્વાપક (narcotic) હોય છે. તેનાં બીજ જઠર-ઉત્તેજક (stomachic) અને પુન:સ્થાપક (restorative) હોય છે.
N. stellataની ગાંઠામૂળીને યોગ્ય અંતરે પૂરતું ખાતર આપી વાવતાં 2,500 કિગ્રા./હૅક્ટર ગાંઠામૂળીનું ઉત્પાદન મેળવી શકાય છે. Nymphula spp. નામની ઇયળ તેનાં પર્ણો અને પુષ્પને નુકસાન પહોંચાડે છે. તેનાં પાનનાં પતરાળાં બનાવવામાં આવે છે.
પોયણાં સાથે સંબંધ ધરાવતી કેટલીક જાતિઓમાં N. caerulea Sav. (ઇજિપ્શિયન નીલકમલ); N. capensis Thunb.;N. alba Linn. (યુરોપિયન શ્વેતકમલ); N. lutea (પીળાં પુષ્પ); N. sulphurea (ગંધક જેવાં પીળાં પુષ્પ) અને N. tetragoni Georgi. syn. N. pygmaea Ait.(પિગ્મી જલકમલ)નો સમાવેશ થાય છે.
આ સિવાય તેની નવી સંકર જાતો ‘લેડી કેરી’, ‘મિસિસ રિચમૉન્ડ’, ‘ગ્લૅડ્સ્ટોનિયાનાં’, ‘જેમ્સ બ્રાઇડોન’, ‘ઓડોરેટા’ વગેરે ઉત્પન્ન કરવામાં આવી છે.
મ. ઝ. શાહ
આદિત્યભાઈ પટેલ