પોપ ઍલેક્ઝાન્ડર

January, 1999

પોપ, ઍલેક્ઝાન્ડર (. 21 મે 1688, લંડન, ઇંગ્લૅન્ડ; . 30 મે 1744, ટવિકનહામ, ઇંગ્લૅન્ડ) : અંગ્રેજી સાહિત્યના નવ-પ્રશિષ્ટ (neoclassical) યુગના પ્રમુખ કવિ. જન્મ રોમન કૅથલિક સંપ્રદાયમાં માનતા ધર્મનિષ્ઠ કાપડના વેપારીને ત્યાં. તે સમયની સંસ્કૃતિ પ્રમાણેની વર્ગવ્યવસ્થામાં જમીનદાર અમીર-ઉમરાવો વેપારીઓને ઊતરતા લેખતા. તેમાં વળી આ કુટુંબનો ધર્મ ઇંગ્લૅંડના લશ્કરી અમલદાર-વર્ગના ઍંગ્લિકન ચર્ચથી જુદો હોવાથી  તેઓ ઘણા રાજકીય અને સાંસ્કૃતિક હકોથી વંચિત રહેતા. પોપનું શરીર ઘણું કૃશ અને દુર્બળ હતું. આખી જિંદગી તેણે અશક્ત વ્યક્તિ તરીકે વિતાવી. આવા પ્રતિકૂળ સંજોગોમાં પણ પોપે અથાક અભ્યાસ અને પરિશ્રમ કરીને પોતાની મૌલિક કવિપ્રતિભા વિકસાવીને સમકાલીન સમાજમાં નામના મેળવી. તેણે વ્યંગકાર તરીકે એવી તો છાપ ઉપસાવી કે ઘણાં નામાંકિત સ્ત્રીપુરુષો તેનાથી ડરતાં. લઘુતાના ઊંડા દુ:ખથી પીડાતો પોપ આજીવન અપરિણીત રહ્યો.

કવિ તરીકે પોપ પોતાના કાવ્યાદર્શ મૂર્ત કરવામાં સંપૂર્ણ સફળ રહ્યો. અંગ્રેજીના અને પ્રમુખ યુરોપિયન સાહિત્યમાં પણ તેણે પૂર્ણતાનો આદર્શ સર કર્યો તેમ મનાય છે. તેની કાવ્યરચના તેના ભાવને વ્યક્ત કરવામાં  સંપૂર્ણતયા સિદ્ધ રહી છે. તેના અભ્યાસના પ્રમુખ કવિઓ હતા  ગ્રીક-માંથી હોમર, લૅટિનમાંથી વર્જિલ, હૉરેસ અને ઑવિડ, ઇટાલિયનમાંથી ટાસો અને ઍરિયોસ્તો. પોપની કવિતાની ખોજ સત્યની ખોજ નથી, શૈલીની ખોજ છે. તેણે ચૌદમી સદીના ચૉસરના સમયથી ખેડાતી દસ શ્રુતિની એક એવી બે પંક્તિની પ્રાસયુક્ત આયૅમ્બિક માપની ‘હીરૉઇક કપ્લેટ’ને પૂર્ણતા અર્પી.

ઍલેક્ઝાન્ડર પોપ

તે સમયમાં સાહિત્ય-લેખન વ્યવસાય ન હતો. સ્વાશ્રય, રાજ્યાશ્રય કે અમીર-ઉમરાવના દાન ઉપર કવિને જીવવું પડતું હતું. પોપનું કુટુંબ આમ નિમ્ન મધ્યમવર્ગનું લેખાય. પોપે તેના સમકાલીનોમાં કવિ તરીકે સર્વાધિક ખ્યાતિ જ નહિ, પણ ધનસંપત્તિ પણ પ્રાપ્ત કરી. ગ્રીક કવિ હોમરનાં મહાકાવ્યો ‘ઇલિયડ’ અને ‘ઑડિસી’ના તેના અનુવાદોએ તેને યશ અને ધન બંને અપાવ્યાં. પોપ ગ્રીક ભાષાનો વિદ્વાન ન હતો; પણ તેના અનુવાદો તેના સમકાલીનોની અભિરુચિને અનુકૂળ નીવડ્યા. પોપે તેની આગવી કાવ્યશૈલી સ્થાપી.

તે યુગના કવિઓ કાવ્યવિષય તરીકે આત્માનુભવ પસંદ કરતા નહિ. પોપની કવિતામાં ક્યાંય પોતાના વ્યક્તિગત સુખદુ:ખનું વર્ણન કે અણસારો પણ નથી. તેની જાણીતી કૃતિઓ પૈકી ‘પૅસ્ટોરલ્સ’ લૅટિન ગોપકાવ્યોની પ્રશસ્ય અનુકૃતિ છે. ‘એસે ઑન ક્રિટિસિઝમ’(1711)માં તેણે તે સમયના સર્વમાન્ય સાહિત્યસિદ્ધાંતોને સુંદર પદ્યદેહ આપ્યો છે. તેમાંના વિચારો મૌલિક નથી; પણ શૈલી ખૂબીદાર છે. ‘રેપ ઑવ્ ધ લૉક’(1712 અને 1714)માં સમકાલીન સમાજજીવનનું વ્યંગમય આલેખન છે. તે ‘મૉક હીરૉઇક’ પ્રકારનું લાક્ષણિક કાવ્ય ગણાય છે. ‘ઇલિયડ’નો અનુવાદ પોપે છ પુસ્તકો રૂપે છપાવ્યો, તેમાં તેને ઘણો અર્થલાભ થયો.

‘ડન્સિયાડ’ (1728) તેની છેલ્લી પ્રખ્યાત કૃતિ છે. તેમાં તેણે તેના સમકાલીન કવિઓને મૂર્ખ ગણીને તેમના ઉપર કટાક્ષ કર્યા છે. આ કૃતિ મહાકાવ્યની શૈલીની વિડંબના કરતી શૈલીમાં લખાઈ છે અને તેનાં બધાં પાત્રો વિલક્ષણ રીતે આહલાદ આપે છે. તેમાં જોકે પોતાની કૃતિઓની પ્રતિકૂળ વિવેચના કરનાર સાહિત્યકારોનો જ ઉપહાસ છે, છતાં તેમાં સમકાલીન સાહિત્યજગતના કેટલાક દુર્ગુણોની સચોટ ટીકા નિષ્પક્ષભાવે કરવામાં આવી છે. વિષય અને શૈલી બંને રીતે એ લાક્ષણિક કૃતિ છે.

અંગ્રેજી કાવ્યસાહિત્યના જે થોડા સમર્થ કવિઓ છે તેમાંનો આ પ્રથમ છે.

રજનીકાન્ત પંચોલી