પોપોવ, ઍલેક્સાન્દ્ર સ્ટેપાનોવિક (જ. 16 માર્ચ 1859, ટર્નિસ્કિયે, રૂડનિકી, પર્મ, રશિયા; અ. 13 જાન્યુઆરી 1906, સેન્ટ પીટર્સબર્ગ) : સોવિયેત યુનિયનમાં રેડિયોના શોધક તરીકે ઘોષિત થયેલા ભૌતિકશાસ્ત્રી તથા વૈદ્યુત-ઇજનેર. સ્વાભાવિક રીતે જ, ઇટાલિયન શોધક ગૂલ્યેલ્મો માર્કોનીના સમકાલીન કાર્યની કોઈ પણ જાતની માહિતી વગર તેમણે 1896માં પ્રાચીન ઢબના પ્રથમ રેડિયો રિસીવરની રચના કરી. પોપોવના સફળ પ્રયોગોના મૂલ્ય તેમજ તેમની યથાર્થતા વિશે સંદેહ કરવામાં આવતો નથી, પરંતુ સોવિયેત યુનિયનની બહાર માર્કોનીની અગ્રતાને જ સાચી તરીકે સ્વીકારવામાં આવે છે.
પોપોવ ગ્રામીણ ધર્મગુરુના પુત્ર હતા. તેમનું પ્રારંભિક શિક્ષણ તેમણે ઈસાઈ ધર્મની રોમન કૅથલિક પાદરીઓની તાલીમશાળામાં લીધું અને ધર્મગુરુ બનવાની તેમની યોજના હતી, પરંતુ 1877માં ગણિત પ્રત્યે અભિરુચિ કેળવી અને સેન્ટ પીટર્સબર્ગની યુનિવર્સિટીમાં દાખલ થયા, જ્યાં 1883માં ડિસ્ટિંક્શન સાથે સ્નાતક બન્યા. યુનિવર્સિટીની શૈક્ષણિક શાખામાં જોડાઈ, પ્રાધ્યાપકપદની સુસજ્જતા માટે ગણિત તથા ભૌતિકશાસ્ત્રમાં વ્યાખ્યાનો આપ્યાં.
તુરત જ પોપોવનો મુખ્ય રસ વૈદ્યુત ઇજનેરી પ્રત્યે બદલાઈ ગયો. તે સમયે આ વિષયનું શિક્ષણ આપતી કૉલેજોનો રશિયામાં અભાવ હતો, તેથી તેઓ સેન્ટ પીટર્સબર્ગ (લેનિનગ્રાડ) નજીક ક્રોન્સ્ટૅટમાં આવેલી ‘નૅવીઝ ટૉર્પીડો સ્કૂલ’માં ઇન્સ્ટ્રક્ટર બન્યા, જ્યાં વિદ્યાર્થીઓને લડાયક જહાજ ઉપર આવેલી વૈદ્યુત સાધનસામગ્રીનો હવાલો લેવા માટેની તાલીમ આપવામાં આવતી હતી. પોપોવે વિદેશી પુસ્તકો તેમજ સામયિકોથી સમૃદ્ધ સ્કૂલના પુસ્તકાલય તથા તેની સુસજ્જ પ્રયોગશાળાનો, વિદેશમાં થતા વૈજ્ઞાનિક વિકાસને અનુસરવા માટે તથા પ્રાયોગિક કાર્ય કરવા માટે સારો એવો લાભ ઉઠાવ્યો. જર્મનીમાં હાઇનરિખ હર્ટઝની વિદ્યુતચુંબકીય તરંગોની શોધને પિછાણી લઈ, પોપોવે તેમને લાંબાં અંતરો સુધી ગ્રહણ કરવાની પદ્ધતિઓ ઉપર કાર્ય શરૂ કયું.
પોપોવે એવા એક ઉપકરણની રચના કરી, જે વાતાવરણમાં થતા વૈદ્યુત વિક્ષોભની નોંધ કરી શકે અને જુલાઈ, 1895માં સેન્ટ પીટર્સબર્ગની ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ફૉરેસ્ટ્રીની હવામાન સંબંધી વેધશાળામાં તેની ગોઠવણી કરી. થોડાક મહિનાઓ બાદ પ્રસ્તુત કરેલા એક સંશોધનપત્રમાં પોપોવે સૂચવ્યું કે જો પૂરતા પાવરનો સ્રોત ઉપલબ્ધ થઈ શકે તો આવા ઉપકરણનો માનવકૃત દોલકો(oscillators)માંથી આવતા સંકેતોને ગ્રહણ કરવા માટે ઉપયોગ થઈ શકે. પાછળથી માર્ચ, 1896માં તે વખતે હર્ટઝિયન તરંગો તરીકે ઓળખાતા આ તરંગોનું, સેન્ટ પીટર્સબર્ગ યુનિવર્સિટીનાં ભવનોના જુદા જુદા ભાગો વચ્ચે, સંચારણ(transmission)નું નિદર્શન સેન્ટ પીટર્સબર્ગ ફિઝિકલ સોસાયટી સમક્ષ રજૂ કરી બતાવ્યું. તેવું સૂચવવા માટે પૂરતો પુરાવો પણ છે કે તે પ્રસંગે ‘હાઇનરિખ હર્ટઝ’ એ શબ્દોનું સંચારણ કરી, શ્રાવ્ય સંકેતો(aural signals)ને સભાના અધ્યક્ષ અને સોસાયટીના પ્રમુખશ્રીએ ટૂંકાક્ષરી લિપિ ઉપરથી સામાન્ય લિપિમાં કાળા-પાટિયા ઉપર લખી બતાવ્યા હતા.
ટૉર્પીડો સ્કૂલના 1895-96ના શૈક્ષણિક વર્ષ દરમિયાન, તરતનાં જ શોધાયેલાં ક્ષ-કિરણો ઉપર પ્રયોગો કરવામાં પોપોવને રસ જાગ્યો. તેથી થોડાક સમય પૂરતું આકાશી વીજળી અને ગાજવીજ સાથેના વાવાઝોડા(thunderstorm)ના જ્ઞાપકોના વધુ વિકસાવવાના કાર્યને પડતું મૂક્યું. 1896ના ઉનાળા દરમિયાન ગૉર્કીના વાર્ષિક મેળા માટેના ‘પાવર પ્લાન્ટ’માં વૈદ્યુત ઇજનેર તરીકેનો કાર્યભાર સંભાળ્યો અને વાવાઝોડા-જ્ઞાપકના તેમના નિદર્શન માટે પારિતોષિક મેળવ્યું. ત્યારબાદ સપ્ટેમ્બર, 1896માં માર્કોનીના નિદર્શનના સૌપ્રથમ અહેવાલ તેમણે દૈનિક પત્રમાં વાંચ્યા. એમ જણાય છે કે તેમના પ્રયોગો વચ્ચે રહેલા નિકટતમ સામ્યની જાણ ન તો માર્કોનીને હતી કે ન તો પોપોવને.
જૂન, 1896માં માર્કોનીએ મેળવેલ પેટન્ટ દ્વારા તેમનાં કાર્યોની જાણના સમાચારે પોપોવને નવીન પ્રવૃત્તિ કરવા માટે જાગ્રત કર્યા. રશિયન નૌકાદળના સહકારથી 1898 સુધીમાં જહાજ અને કિનારા વચ્ચે, 10 કિમી. અંતર સુધીના સંદેશાવ્યવહારને સિદ્ધ કર્યો. ત્યારપછીના વર્ષાન્તે તે અંતર વધારીને આશરે 50 કિમી. જેટલું મેળવ્યું, જે સમય દરમિયાન તેમણે ફ્રાન્સ તથા જર્મનીમાં કાર્યાન્વિત વાયરલેસ મથકોની મુલાકાત લીધી હતી.
રશિયન સરકાર દ્વારા પોપોવને બહુ જ થોડો સહકાર પ્રાપ્ત થયો હતો. જ્યારે 50 વર્ષ પછી પ્રજાકીય (રાષ્ટ્રીય) વર્તાવ અને પ્રોત્સાહનમાં પરિવર્તન થયું ત્યારે 7 મે, 1945ના રોજ, પોપોવની ‘રેડિયોની શોધ’ની 50મી જયંતીની ઉજવણીના અવસરે બૉલ્શૉઈ થિયેટર નામાંકિત પ્રેક્ષકગણથી ખીચોખીચ ભરાઈ ગયું હતું. મંચ ઉપર વિજ્ઞાનીઓ, સેનાના ઉચ્ચ અધિકારીઓ, નૌકાદળના ઉચ્ચ અધિકારીઓ, સોવિયેત સંઘના નેતાઓ અને પોપોવની પુત્રી બિરાજમાન હતાં. તે પ્રસંગે એવી ઘોષણા કરવામાં આવી કે ભવિષ્યમાં 7 મે ‘રેડિયો દિન’ તરીકે ઊજવવામાં આવશે.
હર્ટઝિયન તરંગો ઉપરનું પોપોવનું પ્રાયોગિક કાર્ય જોકે ગણનાપાત્ર છે, છતાં એ વાત સ્વીકાર્ય નથી કે રેડિયો સંદેશાવ્યવહારની શોધ ખરેખર પોપોવે કરી હતી. એ સાચું છે કે ઐતિહાસિક સંશોધને એવો પરોક્ષ પુરાવો પ્રદર્શિત કર્યો છે કે માર્ચ, 1896માં પોપોવે સ્પષ્ટ સંકેતોનું સંચારણ કર્યું હતું; છતાં એવા તુલનાત્મક પુરાવા પણ છે કે આની પહેલાં માર્કોનીએ સ્પષ્ટ સંકેતોના સંચારણનું નિદર્શન કયું હતું, જે વૈજ્ઞાનિક પ્રેક્ષકગણ સમક્ષનું ન હતું.
1901માં સેન્ટ પીટર્સબર્ગની ઇલૅક્ટ્રોટૅકનિકલ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રોફેસર તરીકે પીટર્સબર્ગ પાછા આવ્યા, જ્યાં પાછળથી નિયામક તરીકે વરણી થઈ. ત્યારબાદ પાંચ વર્ષ પછી તેમનું અવસાન થયું.
એરચ મા. બલસારા