પોનમુડી : કેરળ રાજ્યમાં આવેલું ગિરિમથક. તે તિરુવનન્તપુરમ્ (ત્રિવેન્દ્રમ્) તથા કોવાલમ્(દરિયાઈ રેતપટ માટે જાણીતું સ્થળ)થી આશરે 61 કિમી.ના અંતરે આવેલું છે. બાળવાર્તાઓમાં આવતા પરીઓના દેશ સમું તે અતિ રળિયામણું આ સ્થળ ખૂબ જ હસમુખા સ્વભાવના અહીંના લોકોથી ભર્યુંભર્યું લાગે છે. ઠેર ઠેર રમકડાના ઘર જેવી નાની નાની કુટિરો, સરસ શાળાઓ અને ગરમ ગરમ ચા પીતાં હસતા રહેતા મિત્રતાભર્યા ચહેરાઓ પોનમુડીને જોતાં જ ગમી જાય એવું રમણીય સ્થળ બનાવી રહે છે.
તિરુવનન્તપુરમથી અને કોવાલમથી પોનમુડી પહોંચવા માટે રોજ નિયમિત બસસેવા તથા ટૅક્સીઓ કે અન્ય ખાનગી વાહનોની સુવિધા ઉપલબ્ધ છે. રાજ્ય પ્રવાસન સંચાલિત કુટિરો તથા અતિથિગૃહોમાં રહેવાની સુવિધા મળી રહે છે. ડિયર પાર્ક, ગોલ્ડન વૅલી અને પિકનિક-સ્પૉટ અહીંનાં મુલાકાત લેવાયોગ્ય સ્થળો ગણાય છે.
ગિરીશભાઈ પંડ્યા