પોટૅશિયમ બ્રોમાઇડ (KBr) : સફેદ સ્ફટિક દાણા અથવા પાઉડર-સ્વરૂપે મળતું પોટૅશિયમનું બ્રોમાઇડ લવણ. તે તીખું, તૂરું, ખારાશવાળા સ્વાદનું, સાધારણ ભેજગ્રાહી સંયોજન છે. પાણીમાં તથા ગ્લિસરીનમાં તે દ્રાવ્ય છે, પરંતુ ઈથર અને આલ્કોહૉલમાં સાધારણ દ્રાવ્ય છે. તેનું ગ.બિં. 730o સે., ઉ.બિં 1435o સે. તથા ઘટત્વ 2.749 છે.
પોટૅશિયમ બ્રોમાઇડ મેળવવા માટે (અ) આ યર્ન બ્રોમાઇડ અને પોટૅશિયમ કાર્બોનેટના દ્રાવણને મિશ્ર કરી, ગરમ કર્યા બાદ ગાળી લઈ, ગાળણનું સંકેન્દ્રણ કરવાથી KBr સ્ફટિક રૂપે છૂટો પડે છે. (બ) બ્રોમીનના ઔદ્યોગિક ઉત્પાદન દરમિયાન ફેરસ અને ફેરિક બ્રોમાઇડનું દ્રાવણ મળે છે, જેને પોટૅશિયમ કાર્બોનેટ સાથે મેળવતાં ફેરોફેરિક ઑક્સાઇડ (જળયુક્ત) અવક્ષેપ રૂપે મળે છે તથા દ્રાવણમાં KBr રહે છે, જેને ગાળી, સંકેન્દ્રિત કરતાં KBr સ્ફટિક મળે છે.
2FeBr3 + FeBr2 + 4K2CO3 = 8KBr + Fe3O4 + 4CO2
સિલ્વર, લેડ, ક્યુપ્રસ તથા મરક્યુરસ બ્રોમાઇડ સિવાયનાં બધાં બ્રોમાઇડ જળદ્રાવ્ય હોય છે.
પોટૅશિયમ બ્રોમાઇડ પેટમાં જવાથી કે શ્વાસમાં જવાથી વિષાળુ અસર થાય છે. તે ફોટોગ્રાફીમાં, લિથોગ્રાફીમાં, વિશિષ્ટ પ્રકારના સાબુઓમાં તથા પ્રયોગશાળાના પ્રક્રિયક તરીકે વપરાય છે. આ ઉપરાંત સ્પેક્ટ્રમિતિમાં (દા.ત., ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રમિતિમાં) સ્ફટિક તરીકે વપરાય છે.
જ. પો. ત્રિવેદી