પોટાશિયમ સાયનાઇડ અને સાયનાઇડ વિષાક્તતા (આયુર્વિજ્ઞાન)

January, 1999

પોટાશિયમ સાયનાઇડ અને સાયનાઇડ વિષાક્તતા (આયુર્વિજ્ઞાન) : પોટાશિયમ સાયનાઇડ એક અતિ ઝેરી દ્રવ્ય છે. જે સોનાની ખાણ, સેન્દ્રીય સંશ્લેષણ (organic synthesis) વગેરે ઉદ્યોગોમાં વપરાય છે. તે વીજાગ્ર (electrode) પર ધાતુનો ઢોળ ચડાવવામાં, ઘરેણાં બનાવવામાં અને એવાં અન્ય વિવિધ કાર્યોમાં પણ વપરાય છે. તે ખાંડ જેવો દેખાતો જલદ્રાવ્ય પદાર્થ છે અને અતિશય ઝેરી છે. તે પાણી સાથે પ્રક્રિયા કરીને કડવી બદામના જેવી ગંધ વાળો હાઇડ્રોજન સાયનાઇડ વાયુ મુક્ત કરે છે.

સાયનાઇડ વિષાક્તતા : સાયનાઇડનાં વિવિધ સંયોજનો દ્વારા થતી ઝેરી અસરને તેની વિષાક્તતા કહે છે. તેની સાથે સંપર્કમાં આવવાથી ઝડપથી થતી અસરો છે માથાનો દુખાવો, અંધારાં આવવાં, હૃદયના ધબકારા વધવા, શ્ર્વાસ રૂંધાવો, ઊલટી થવી વગેરે. તેના પછી ખેંચ (આંચકી, સંગ્રહણ, convulsions) આવવી, હૃદયના ધબકારા ધીમા પડવા, લોહીનું દબાણ ઘટવું, બેભાન થઈ જવું અને હૃદય બંધ પડી જવું (હૃદયસ્તંભન, cardiac arrest)  એવું થઈ આવે છે. આ બધું જ ફક્ત થોડી મિનિટોમાં થઈ આવે છે. જો વ્યક્તિ બચી જાય તો તેને લાંબા સમયની ચેતાતંત્રીય (neurological) તકલીફો થઈ આવે છે.

હાઇડ્રૉજન સાયનાઇડ અને સાયનાઇડના ક્ષારોને કારણે આ ઝેરી અસર થાય છે. ઘરમાં લાગતી આગનો ધુમાડો, કેટલાક જંતુનાશકો અને નાઇટ્રોપ્રુસાઇડ નામના ઔષધના સંપર્કમાં આવવાથી પણ આ પ્રકારની ઝેરી અસર થાય છે. સાયનાઇડના આયનો કોષો દ્વારા થતા શ્વસનમાં વિઘ્ન ઊભું કરીને કોષો દ્વારા ઑક્સિજનનો ઉપયોગ ન થઈ શકે તેવી સ્થિતિ સર્જે છે. ઉચ્ચ કક્ષાની નૈદાનિક શંકા વડે જ નિદાન શક્ય છે. જ્યારે લોહીમાં સાયનાઇડનું પ્રમાણ 3 મિગ્રા./લિ. થાય ત્યારે મૃત્યુ નીપજે છે. સારવાર માટે દર્દીને જે તે વિસ્તારથી દૂર લઈ જઈને સહાયકારી સારવાર અપાય છે, જેથી તેનું શ્વસન અને રુધિરાભિસરણ જળવાઈ રહે. વિષઘ્નદ્રવ્ય કે પ્રતિવિષદ્રવ્ય(antidote) તરીકે સોડિયમ થાયૉસલ્ફેટ અપાય છે. અમેરિકામાં પ્રતિવિષદ્રવ્યની સમૂહિકા (Kit) રૂપે એમાઇલ નાઇટ્રેટ, સોડિયમ નાઇટ્રેટ અને સોડિયમ થાયૉસલ્ફેટ વપરાય છે. આ ઉપરાંત હાઇડ્રૉક્સિકોબોલિમિનનો પણ તેમાં સમાવેશ કરાય છે. અન્ય દેશોમાં અન્ય દ્રવ્યોનો પણ ઉપયોગ કરાય છે.

શિલીન નં. શુક્લ