પૉવેલ, જૉન વેઝલી (જ. 24 માર્ચ 1834, માઉન્ટ મૉરિસ, ન્યૂયૉર્ક; અ. 23 સપ્ટેમ્બર 1902) : અમેરિકન ભૂતપૂર્વ મેજર. સિવિલ યુદ્ધમાં તેમણે એક હાથ ગુમાવેલો. તેઓ તે પછીથી ભૂસ્તરશાસ્ત્રી અને નૃવંશશાસ્ત્રી તરીકે વધુ જાણીતા બનેલા. 1865માં ઇલિનૉઇ યુનિવર્સિટીમાં અને 1867માં ઇલિનૉઇની નૉર્મલ કૉલેજમાં ભૂસ્તરશાસ્ત્રનું અધ્યાપનકાર્ય કર્યું. 1869માં તેમણે અન્ય 11 જણની સાથે રહીને સ્મિસ્થોનિયન ઇન્સ્ટિટ્યૂટની નાણાકીય સહાયથી ગ્રીન નદી અને કૉલોરાડો નદીના અજાણ્યા જલપ્રપાતોમાં નાનકડી નૌકા લઈને અભ્યાસ અર્થે નીકળી પડેલા. આ પ્રકારના રોમાંચક સાહસથી તેઓ લોકસમુદાયમાં અગ્રેસર બની રહ્યા. કૉલોરાડો નદીના ભવ્ય કોતરવિભાગની પ્રમાણભૂત ભૂસ્તરીય માહિતી મેળવી, જેમાંથી ધોવાણની સમભૂમિ(Peneplanation)નો પ્રકાર, યથાપૂર્વ-પરિણામી અને અધ્યારોપિત-જળપરિવાહ રચનાઓની સંકલ્પનાઓનાં વર્ણનનો પાયો નંખાયો. 1870માં તેમણે રૉકીઝ પર્વતમાળાના વિસ્તારનું અભિયાન આદર્યું. તેમાંથી સિંચાઈ અને આરક્ષણ યોજના માટેની માહિતી એકઠી કરી આપી. આ બધાં અભિયાનો દરમિયાન અમેરિકાના જુદા જુદા વિસ્તારોમાં વસતી જનજાતિઓમાં બોલાતી વિવિધ ભાષાઓનું વર્ગીકરણ કરી આપનાર તેઓ સર્વપ્રથમ હતા. 1879માં યુ.એસ. બ્યૂરો ઑવ્ એથ્નૉલૉજી(નૃવંશશાસ્ત્ર)ના પ્રથમ ડિરેક્ટર તરીકે નિયુક્ત થયા. 1881થી 1892 સુધી તેમણે યુ.એસ. ભૂસ્તરીય સર્વેક્ષણખાતાના ડિરેક્ટર તરીકે સેવાઓ આપેલી. તેમણે આ સંસ્થાને રાષ્ટ્રીય કક્ષાનું સ્થાન અપાવ્યું, તેનો વિકાસ કર્યો અને આ જવાબદારી અદા કરવા માટે તેઓ માનના અધિકારી બની રહ્યા. પશ્ચિમ યુ.એસ.ની શુષ્ક ભૂમિમાં પરંપરાગત રીતે કરવામાં આવતી ખેતીનાં ભયસ્થાનો રજૂ કર્યાં. આ દીર્ઘદૃષ્ટિ વાપરવા માટે તેઓ મૃત્યુ પામ્યા ત્યાં સુધી અને પછીથી પણ થોડા સમય સુધી તેમની અવગણના કરવામાં આવેલી. તેમણે લખેલાં પ્રકાશનો પ્રમાણે છે : (1) Exploration of the Colorado River of the West and its Tributaries (1875); (2) An Introduction to the Study of Indian Languages (1877); (3) Report on the Lands of the Arid Region of the United States (1878).
ગિરીશભાઈ પંડ્યા