પૉલ, સંત (જ. આશરે ઈ. સ. 5, તાર્સસ, સિલિસિયા; અ. 29 જૂન 64, રોમ) : ખ્રિસ્તી ધર્મના મહાન પ્રચારક સંત. તેમનો જન્મ ઈસુ ખ્રિસ્તના જન્મ પછીનાં થોડાં વર્ષોમાં થયો હતો. તેમનાં મા-બાપ યહૂદી ધર્મનાં બિન્જામિન કુળનાં હતાં. તેઓ યહૂદી ધર્મની નિયમસંહિતાના મુખ્ય ભાગો શીખ્યા હતા. તેમનું જન્મસ્થળ રોમન હકૂમત હેઠળ હતું એટલે તેઓ રોમન નાગરિક હતા. તાર્સસ શહેર ગ્રીક સંસ્કૃતિનું ધામ હતું. યુવાનીમાં તેમણે જેરૂસલેમમાં મંદિરના મહાવિદ્યાલયમાં ગમલિયેલ નામના વિદ્વાન પાસે યહૂદી ધર્મનું શિક્ષણ મેળવ્યું. યહૂદી સમાજના એક વર્ગ ફરોશીના તેઓ સભ્ય હતા. તેઓ આજીવન કુંવારા રહ્યા હતા. તેઓ ધર્મશિક્ષણ આપનાર ગુરુ બન્યા. ગુરુ ધર્મશિક્ષણ દ્વારા પૈસો ન કમાઈ શકે એટલે પોતાનું ગુજરાન ચલાવવા તેઓ તંબૂનું કાપડ બનાવવાનો ધંધો કરતા હતા.
ઈસુના મૃત્યુ અને મૃત્યુમાંથી પાછા સજીવન થયા પછી અસ્તિત્વમાં આવેલો નવો ધર્મ – ખ્રિસ્તી ધર્મ પૉલને પોતાના યહૂદી ધર્મ માટે ખતરારૂપ લાગ્યો. આથી ખ્રિસ્તી ધર્મનું નિકંદન કાઢવા એ ધર્મ સ્વીકારનારાં પુરુષો અને સ્ત્રીઓ પર તેમણે અત્યાચાર ગુજારવા શરૂ કર્યા. એક વખત તેઓ ઇઝરાયલની ઉત્તરે આવેલા સીરિયાના દમાસ્કસ શહેરમાંના ખ્રિસ્તીઓને બાંધીને જેરૂસલેમ લઈ આવવા જતા હતા ત્યાં દમાસ્કસ શહેર પહોંચતાં પહેલાં જ અચાનક આકાશમાંથી પ્રકાશનો એક ઝબકારો તેમને ઘેરી વળ્યો અને તેઓ જમીન પર પડી ગયા અને તેમને પ્રભુ ઈસુનો અવાજ સંભળાયો. એ દર્શનથી પૉલ ઈસુના ભક્ત બની ગયા.
પૉલે ખૂબ પરિશ્રમ અને સમર્પણની ભાવનાથી અનેક યહૂદીઓને ખ્રિસ્તી બનાવ્યા. ‘ન્યૂ ટેસ્ટામેન્ટ’માં તેમના મિશનરી તરીકેના ત્રણ પ્રવાસો વર્ણવ્યા છે. તેમણે યહૂદીઓ સમક્ષ આપેલાં પ્રવચનોથી ક્યારેક લોકો ગુસ્સે થતા. તેથી તેમને જેલમાં પૂરવામાં આવતા. તેમણે સાયપ્રસ, એશિયા માઇનર, મૅસિડોનિયા અને ગ્રીસનાં શહેરોમાં ખ્રિસ્તી ધર્મ ફેલાવ્યો હતો.
પ્રભુ ઈસુનો ‘શુભસંદેશ’ લઈને પૉલે ઈ.સ. 47થી 58 સુધી એશિયા માઇનર અને ગ્રીસમાં ત્રણ લાંબા પ્રવાસો ખેડ્યા. તેમનો ઉપદેશ હતો કે, પ્રભુનું માનવજાતની મુક્તિનું કાર્ય ઈસુના મૃત્યુ અને મૃત્યુ પછી સજીવન થવામાં વ્યક્ત થયું છે; અને તેથી માનવને નવું અસ્તિત્વ મળ્યું છે. તેમણે પ્રભુ ઈસુમાં શ્રદ્ધા ધરાવનારાઓનો સંઘ અનેક નગરોમાં શરૂ કર્યો. તેમણે ચમત્કારો પણ કર્યા. તેમનો વિરોધ થયો. તેમની જેરૂસલેમમાં ધરપકડ થઈ અને જેરૂસલેમ તથા રોમમાં જેલમાં રાખવામાં આવ્યા. રોમન બાદશાહ નીરોના શાસનકાળ દરમિયાન 64માં રોમની બહાર તેમનો શિરચ્છેદ કરવામાં આવ્યો અને ત્યાં જ તેમને દફનાવવામાં આવ્યા, જ્યાં આજે એક મોટું દેવળ ઊભું છે.
તેમણે તેમના અનુયાયીઓને લખેલા પત્રો ‘ન્યૂ ટેસ્ટામેન્ટ’નો ભાગ બન્યા છે. તેમણે રોમ, કૉરિન્થ, થેસાલી, ઇફેસિયા વગેરે નગરોના લોકોને સંબોધીને પત્રો લખ્યા છે. આ પત્રો દ્વારા પૉલે શરૂઆતના ખ્રિસ્તીઓને પ્રોત્સાહિત કર્યા છે, ખ્રિસ્તી ધર્મના પાયાના વિચારો જણાવી તેમની જવાબદારી યાદ કરાવી છે.
જેમ્સ ડાભી