પૉલિહેલાઇડ સંયોજનો

January, 1999

પૉલિહેલાઇડ સંયોજનો : અણુદીઠ બે અથવા વધુ હેલોજન પરમાણુ ધરાવતાં હાઇડ્રોકાર્બન સંયોજનો. આમાં પૉલિબ્રોમો, પૉલિક્લોરો તથા પૉલિફ્લોરો સંયોજનો ઉપરાંત મિશ્ર હેલોજન ધરાવતાં સંયોજનો આવી જાય છે. પૉલિઆયોડાઇડ, થોડા અપવાદો સિવાય, સામાન્ય: અસ્થાયી હોય છે. તેથી તેઓનું સંશ્ર્લેષણ કરવું મુશ્કેલ બની રહે છે. પૉલિક્લોરાઇડો અને પૉલિબ્રૉમાઇડો બનાવવા માટે આલ્કેનનું ઊંચા તાપમાને ક્લોરિનેશન અથવા બ્રૉમિનેશન કરવામાં આવે છે. મિથિલીન ક્લોરાઇડ (CH2Cl2), ક્લૉરોફૉર્મ (CHCl3), કાર્બનટેટ્રાક્લોરાઇડ (CCl4) મોટા પાયા ઉપર બનાવવા માટે મિથેનનું સંયમિત ક્લૉરિનેશન કરવામાં આવે છે. ઊંચા તાપમાને આ જ પ્રક્રિયા દ્વારા પૉલિક્લૉરિનેટેડ સંયોજન ઉપરાંત ઑલેફિન પણ બને છે. સામાન્યત: પ્રક્રિયામાંથી નીપજો તરીકે કાર્બન ટ્રેટાક્લોરાઇડ, ટેટ્રાક્લૉરોઇથિલિન અને હેક્ઝાક્લૉરોઇથેન બને છે. ઇથિલિન ડાયક્લોરાઇડ અને પ્રોપિલિન ડાયક્લોરાઇડ અનુવર્તી ઑલેફિન તથા ક્લોરિન વાયુની પ્રક્રિયાથી મેળવાય છે. ઑલેફિનના સીધા (direct) જ હેલોજનીકરણ દ્વારા ઘણાં પૉલિક્લોરાઇડો તથા પૉલિબ્રૉમાઇડો બનાવાય છે. આ પ્રકારનું સીધું ઑલેફિન-હેલોજનીકરણ મુખ્યત્વે બ્રૉમિનેશન પ્રક્રિયાથી બનાવાય છે, કારણ કે આ માટેની ક્લોરિનેશન પ્રક્રિયા એટલી ઝડપી છે કે તે સ્ફોટક બની જાય છે. પ્રવાહી બ્રૉમિન સાથે બ્રૉમિનેશન સામાન્ય તાપમાને અથવા નીચા તાપમાને સરળતાથી થાય છે તથા દ્વિ-બ્રોમો નીપજો ઉપરાંત ઑલેફિન મળે છે. એસેટિલિન સાથે ટેટ્રાબ્રૉમો નીપજ બને છે.

અસંતૃપ્ત હેલાઇડ સંયોજનનું હેલોજનીકરણ કરવાથી મિશ્ર પૉલિહેલોજન સંયોજનો બને છે.

કેટલાંક પૉલિહેલોજન સંયોજનનું કાળજીપૂર્વક ડીહાઇડ્રૉ-હેલોજનીકરણ સાંદ્ર NaOH/KOHની મદદથી કરતાં ઑલેફિન પૉલિહેલોજન સંયોજનો બને છે.

પૉલિફલોરો હાઇડ્રૉકાર્બન બનાવવા માટે ક્લોરો કે બ્રૉમો સંયોજનોને ઍન્ટિમની, ટ્રાઇફલોરાઇડ અથવા મરક્યુરિક ફ્લોરાઇડ સાથે ગરમ કરવામાં આવે છે.

SbF3 ફ્લોરિનેશન કરવા માટે ઉત્તમ ધાતુસંયોજન છે અને વજનથી તેના 1૦ % પ્રમાણની જરૂર પડે છે.

પૉલિઆયોડાઇડ સંયોજનોમાં મિથિલિન આયોડાઇડ (CH2I2), આયોડોફૉર્મ (CHI3) ખૂબ અગત્યનાં સંયોજનો છે. મિથિલિન આયોડાઇડનું ઘનત્વ (density) પારા (mercury) સિવાય બધાં જ પ્રવાહીઓમાં સૌથી વધુ છે. ખનિજવિજ્ઞાનીઓ તેનો ઉપયોગ ખનિજનું ઘનત્વ નક્કી કરવા કરે છે. સોડિયમ આર્સેનાઇટના દ્રાવણથી આયોડોફૉર્મનું અપચયન કરીને તે બનાવી શકાય છે.

CHI3 + Na3ASO3 + NaOH → CH2I2 + NaI + Na2 ASO4

આયોડોફૉર્મ બનાવવા માટે મિથાઇલ કોટોનના જલીય દ્રાવણને આલ્કલી અથવા આલ્કલાઇન કાર્બોનેટની હાજરીમાં આયોડિન સાથે ગરમ કરવામાં આવે છે. આયોડિનેશન અથવા પોટૅશિયમ આયોડાઇડ, આલ્કોહૉલ અને સોડિયમ કાર્બોનેટના દ્રાવણનું વીજપ્રવાહ પસાર કરી વિદ્યુતવિભાજન કરવાથી મળે છે. આયોડોફૉર્મ જંતુઘ્ન તરીકે વપરાય છે.

જ. પો. ત્રિવેદી