પૉલિસ્ટાઇરિન : સખત, પારદર્શક કાચ જેવું થરમૉપ્લાસ્ટિક રેઝિન. પૉલિસ્ટાઇરિનની લાક્ષણિકતા તેનો ઉત્તમ ઇલેક્ટ્રિકલ ઇન્સ્યુલેશન ગુણધર્મ, પાણી સાથે ઊંચી પ્રતિકારશક્તિ, ઊંચો વક્રીભવનાંક (refractive index), પારદર્શકતા તથા નીચા તાપમાને નરમ થવાનો ગુણધર્મ ગણાવી શકાય. ઇથાઇલ બેન્ઝિનનું ઊંચા તાપમાને ડીહાઇડ્રૉજિનેશન કરવાથી સ્ટાઇરિન બને છે. સ્ટાઇરિનનું મુક્ત-મૂલક ઉદ્દીપકો(પેરૉક્સાઇડ)ની હાજરીમાં જથ્થામાં દ્રાવણમાં તથા જલીય પાયસ (emulsion) અને અવલંબન(suspension)માં બહુલીકરણ તેમ જ સહ-બહુલીકરણ કરવામાં આવે છે.
અહીં આયનિક તથા સંકીર્ણ ઉદ્દીપકો પણ વાપરી શકાય છે. પૉલિસ્ટાઇરિનના ઊંચા અણુભારવાળા સમાંગ-બહુલકો, સહબહુલકો તથા મિશ્રબહુલકો (polybends) બહિર્સ્ફુટન (extrusion) તથા ઢાળણ (molding) સંયોજનો તરીકે પૅકેજિંગ માટે, ફર્નિચરના ભાગ બનાવવા, રમકડાં, ઇન્સ્યુલેટિંગ પૅનલ વગેરે બનાવવા વપરાય છે.
સ્ટાઇરિન અને બ્યુટાડાઇનનો સહબહુલક બીજા વિશ્ર્વયુદ્ધ દરમિયાન બનેલું સંશ્ર્લેષિત રબર છે. આ સહબહુલકો હજી પણ મોટરનાં ટાયર તથા રબરના વિવિધ પદાર્થો બનાવવા વપરાય છે. 5૦%થી વધુ સ્ટાઇરિનવાળા સ્ટાઇરિન-બ્યુટાડાઇન બહુલકો રેઝિન જેવા દેખાય છે. પાયસ-બહુલીકરણ દ્વારા બનતા લેટેક્સને પેઇન્ટ તરીકે વાપરવામાં આવે છે. પૉલિસ્ટાઇરિનમાં બીજા બહુલકોને મિશ્ર કરીને મિશ્રબહુલકો બનાવાય છે, જે વિવિધ રીતે વપરાય છે. પૉલિસ્ટાઇરિન દૃઢ ફોમ (ફીણ) તરીકે પણ મેળવી શકાય છે, જે પૅકેજિંગમાં ઇન્સ્યુલેશન પૅનલ બનાવવા તથા અન્ન પીરસવા માટેની ડિશો, પ્યાલીઓ બનાવવા વપરાય છે.
જ. પો. ત્રિવેદી