પૉલિસૅકેરાઇડ : પાંચ કે છ કાર્બન પરમાણુ ધરાવતા મૉનોસૅકેરાઇડ એકમોની લાંબી શૃંખલા ધરાવતા ઊંચા અણુભારવાળા કાર્બોદિત પદાર્થોનો કલીલીય સંકીર્ણોનો વર્ગ. મૉનોસૅકેરાઇડ એકમો એકબીજા સાથે ગ્લાયકોસિડિક બંધ દ્વારા જોડાય ત્યારે પાણી દૂર થઈ પૉલિસૅકેરાઇડ બને છે; દા. ત., હૅકઝોસ મૉનોસૅકેરાઇડ એકમોમાંથી પૉલિસૅકેરાઇડ બનવાની ક્રિયા નીચે પ્રમાણે દર્શાવી શકાય :
nC6H12O6 → (C6H1૦O5)n + (n – 1) H2O
‘પૉલિસૅકેરાઇડ’ પદ દસ કે તેથી વધુ મૉનોસૅકેરાઇડ અવશેષો ધરાવતાં સંયોજનો પૂરતું સીમિત છે. સ્ટાર્ચ, ગ્લાયકોજન અને ડેકસ્ટ્રાન જેવા પૉલિસૅકેરાઇડમાં હજારો D-ગ્લુકોઝ એકમો આવેલા હોય છે. 2થી 9 મૉનોસૅકેરાઇડ એકમો ધરાવતાં નીચા અણુભારવાળાં સંયોજનોને ઓલિગોસૅકેરાઇડ સંયોજનો કહે છે.
પૉલિસૅકેરાઇડ કાં તો પાણીમાં અદ્રાવ્ય હોય છે અથવા દ્રાવ્ય થાય તો કલીલીય દ્રાવણ બનાવે છે. મહદંશે તે અસ્ફટિકીય સંયોજનો છે. જોકે સેલ્યુલોઝ અને ચીટીન જેવા પદાર્થોને ચોક્કસ સ્ફટિકી રચના હોય છે તેવું ઍક્સ-કિરણની મદદથી જાણી શકાયું છે. તે પ્રકાશક્રિયાશીલ હોય છે; પરંતુ પરિવર્તી-ઘૂર્ણન (mutarotation) દર્શાવતાં નથી તથા આલ્કલી દ્રાવણમાં પ્રમાણમાં સ્થાયી રહે છે.
પૉલિસૅકેરાઇડ વિવિધ રૂપે કામ આપે છે; દા. ત., ગ્લાયકોજન અને ઇન્યૂલિન અનામત પોષક સ્રોત તરીકે, સ્ટાર્ચ અને અન્ય પૉલિસૅકેરાઇડ વનસ્પતિમાં ઊર્જા-સ્રોતો તરીકે, સેલ્યુલોઝ અને લિગ્નિન જેવાં સંયોજનો વનસ્પતિકોષની ધારક (supporting) દીવાલો તથા કાષ્ઠીય (woody) પેશીઓ (tissues) માટે, જ્યારે ચીટીન જેવાં સંયોજનો ઘણાં અપૃષ્ઠવંશી પ્રાણીઓના શરીરના કવચ માટે કામ આપે છે. ઍસિડ અથવા કેટલાક ઉત્સેચકો દ્વારા પૉલિસૅકેરાઇડને ઘટકરૂપ મૉનોસૅકેરાઇડ એકમોમાં વિભાજિત કરી શકાય છે. કેટલાક પૉલિસૅકેરાઇડ જળવિભાજન દ્વારા સાદી શર્કરા આપે છે. તો કેટલાક શર્કરા ઉપરાંત શર્કરા-વ્યુત્પન્નો (દા. ત., D-ગ્લુકુરોનિક ઍસિડ અથવા ગેલૅક્ટુરોનિક ઍસિડ) આપે છે.
પૉલિસૅકેરાઇડનો અણુ બનાવતા એકમો શાખાવિહીન લાંબી શૃંખલામાં (સેલ્યુલોઝ, એમાઇલોઝ) સંયોજાયાં હોય અથવા શાખાવાળી શૃંખલામાં (એમાઇલોપેક્ટિન, ગ્લાયકોજન) સંયોજાયાં હોય છે. આવાં મૉનોસૅકેરાઇડ એકમો વચ્ચેના બંધ (linkage) 1, 4 કે 1, 6 – ગ્લાયકોસિડિક બંધથી α-અને β-સંરૂપીય રચના રૂપે ગોઠવાયેલા હોય છે.
પૉલિસૅકેરાઇડનું વર્ગીકરણ કેટલીક વાર તેમાં રહેલા મૉનોસૅકેરાઇડ એકમોના આધારે કરવામાં આવે છે. સેલ્યુલોઝ કે સ્ટાર્ચ માત્ર એક જ મૉનોસૅકેરાઇડ એકમ (D-ગ્લુકોઝ) સંપૂર્ણ જળવિભાજન દ્વારા આપતા હોવાથી હોમો-પૉલિસૅકેરાઇડ કહેવાય છે. હ્યાલયુરોનિક જેવો પૉલિસૅકેરાઇડ એકથી વધુ મૉનોસૅકેરાઇડ એકમ આપતો હોવાથી વિષમ-પૉલિસૅકેરાઇડ (heteropolysaccharides) કહેવાય છે.
જ. પો. ત્રિવેદી