પૉલિવિનાઇલ ક્લોરાઇડ (PVC)

January, 1999

પૉલિવિનાઇલ ક્લોરાઇડ (PVC) : ભૌતિક અને વિદ્યુતીય ગુણોનો સુભગ સમન્વય ધરાવતો કઠિન (tough), તાપસુનમ્ય સાંશ્ર્લેષિક બહુલક (-CH2CHCl-)n. નીપજો સામાન્ય રીતે સુઘટ્યીકૃત (plasticized) કે દૃઢ (rigid) પ્રકારની ગણાય છે. તે સફેદ પાઉડર કે રંગવિહીન દાણારૂપ અપક્ષય (weathering) અને ભેજ-પ્રતિરોધી અને ઊંચા પરાવૈદ્યુતિક ગુણધર્મો ધરાવતો પદાર્થ છે. મોટાભાગના  ઍસિડ, ચરબી, હાઇડ્રોકાર્બન અને ફૂગની તેના પર અસર થતી નથી.

PVC અને તેના સહબહુલકો (co-polymers) સામાન્ય વપરાશ માટેના પૉલિવિનાઇલ રેઝિનોમાં બીજો ક્રમ ધરાવે છે. તે એક ઉત્તમ પ્રકારનું પ્લાસ્ટિક છે.

સુઘટ્યીકૃત પ્રકાર સાધારણ પ્રત્યાસ્થ (સ્થિતિસ્થાપક, elastic) હોય છે. તેમાંથી ફુવારા, સ્નાન માટેના પડદા, ભોંય-પાથરણાં, રેઇનકોટ, ઢીંગલીઓ, વીજળીના તાર માટેનાં અવાહક પડ તથા ફિલ્મો વગેરે બનાવાય છે.

સમબહુલક (homopolymer), સહબહુલક અથવા મિશ્રબહુલક- (polyblends)માંથી મળતી દૃઢ PVC નીપજો ફોનોગ્રાફ-રેકર્ડ, પાઇપ, રાસાયણિક પ્રક્રિયા માટેનાં સાધનોમાં અસ્તર વગેરે માટે વપરાય છે.

વિનાઇલ ક્લોરાઇડ H2C = CH – Clના બહુલીકરણ તથા બીજા વિનાઇલ એકલકો સાથે તેના સહબહુલીકરણ માટે, એઝોસંયોજનો અથવા પેરૉક્સાઇડ સંયોજનો પ્રારંભકો તરીકે વપરાય છે. બહુલીકરણ સમગ્ર જથ્થામાં અથવા જલીય પાયસ(emulsion)માં અથવા નિલંબન (suspension) પ્રણાલી દ્વારા કરવામાં આવે છે.

PVC નીપજોમાંથી ઊંચા તાપમાને હાઇડ્રોજન ક્લોરાઇડ (HCl) ગુમાવવાના તેના વલણને કારણે તેમાં ટિન અથવા લેડ-સંયોજન સ્થાયીકારક (stabilizer) તરીકે ઉમેરવામાં આવે છે. આ ઉપરાંત તેમાં પૂરકો (fillers) પણ ઉમેરવામાં આવે છે.

જ. પો. ત્રિવેદી