પૉલિવિનાઇલ આલ્કોહૉલ (PVA)

January, 1999

પૉલિવિનાઇલ આલ્કોહૉલ (PVA) : જળદ્રાવ્ય, રંગવિહીન અથવા સફેદથી ક્રીમ રંગનો જ્વલનશીલ સાંશ્લેષિક કાર્બનિક બહુલક (polymer); (-CH2-CHOH-)n. હજુ સુધી વિનાઇલ આલ્કોહૉલ (H2C = CHOH)નું અલગીકરણ થઈ શકયું નથી; કારણ કે આવા એકલક બનાવવાની પ્રક્રિયાઓ ચલાવયવી (tautomeric) ઍસિટાલ્ડિહાઇડ આપે છે. મોટા પાયા પર આ બહુલક પૉલિવિનાઇલ ઍસિટેટના જળવિભાજનથી મેળવાય છે. આમાં બે પ્રકારની નીપજો મળે છે. પૉલિવિનાઇલ ઍસિટેટના (अ) સંપૂર્ણ (97 % કે તેથી વધુ) જળવિભાજનથી અને (ब) અપૂર્ણ (5૦%થી 9૦%) જળવિભાજનથી મળતી નીપજો.

PVAના ગુણધર્મો બહુલકીકરણની માત્રા તથા જળવિભાજનની ટકાવારી પર આધાર રાખે છે. તેનો અણુભાર 3,૦૦,૦૦૦(અતિઉચ્ચ સ્નિગ્ધતા)થી માંડીને 25,૦૦૦ (નીચી સ્નિગ્ધતા) સુધીનો હોય છે. જેમ અણુભાર ઘટે તેમ તેની જળદ્રાવ્યતા વધે છે; જ્યારે મજબૂતાઈ (strength), પ્રવર્ધન (elongation), નમ્યતા (flexibility) જેવા ગુણધર્મોમાં અણુભાર વધવા સાથે વધારો થાય છે. વાયુઓ માટે PVA ઉચ્ચ અપારગમ્યતા (impermeability) ધરાવે છે. તેના ઉપર તેલ, ગ્રીઝ કે પેટ્રોલિયમ, હાઇડ્રોકાર્બનોની અસર થતી નથી; પણ ઍસિડ તેમજ આલ્કલીની અસર થાય છે. (अ) પ્રકારના (97% કે વધુ શુદ્ધ) બહુલકને ગરમ કરવાથી અથવા તેમાં તિર્યકબંધન કરતાં તે પાણીમાં અદ્રાવ્ય બને છે. તે ફિલ્મો, ટ્યૂબો, રેસાઓ વગેરે તથા ગૅસોલિન માટેની પાઇપ (hose) બનાવવામાં તથા કાગળ ચોંટાડવાના આસંજકોમાં વપરાય છે. જાપાનમાં તે વસ્ત્રો, ઔદ્યોગિક રેસાઓ તથા દોરડાં વગેરે બનાવવા વપરાય છે. (ब) પ્રકારના બહુલક પાણીમાં વધુ દ્રાવ્ય હોય છે. તે પાયસીકારક દ્રાવણો તરીકે આસંજક-બનાવટોમાં, કાપડ-ઉદ્યોગમાં છિદ્રપૂરક દ્રવ્ય (sizes) તરીકે તથા જળદ્રાવ્ય ફિલ્મો બનાવવામાં વપરાય છે.

PVA આ ઉપરાંત સૌંદર્યપ્રસાધનોમાં બંધક તરીકે, સિમેન્ટ અને કૉંક્રીટમાં, નકલી વાદળી (sponges) છાપવાની શાહી, અન્ય પૉલિવિનાઇલ સંયોજનો બનાવવા માટેના મધ્યવર્તી (intermediate) તરીકે પણ વપરાય છે.

જ. પો. ત્રિવેદી