પૉલિગ્નોટસ (જ. ઈ. સ. પૂ. 5૦૦, થાઓસ (Thaos), ગ્રીસ; અ. ઈ. સ. પૂ. 44૦, ઍથેન્સ) : પેરિક્લિસના સમયનો મહાન ગ્રીક ચિત્રકાર. તે થ્રેસમાં આવેલ થેસોસનો વતની હતો; પરંતુ ઍથેન્સમાં ઘણાં વર્ષો રહીને ત્યાંનો નાગરિક બન્યો હતો. તત્કાલીન ઍથેન્સની જાણીતી ઇમારતો તથા સભાખંડોની દીવાલો પર પુરાણકથાઓનાં વિશાળ સુંદર આબેહૂબ ચિત્રો તેણે દોર્યાં હતાં. તેનાં ચિત્રોમાં વાસ્તવિકતાનું પ્રમાણ ઘણું સારું જોઈ શકાય છે. તેણે પોતાનાં ચિત્રોમાં મનની કલ્પનાઓ તથા ભાવનાઓને આબેહૂબ ઉતારી હતી. તેણે દોરેલાં ચિત્રો સજીવતા, ચારુતા ને સૌન્દર્યથી દર્શકના મનને હરી લે છે. તે પોતાના સમયનો ઘણો પ્રસિદ્ધ ચિત્રકાર હતો. ગ્રીસનો મહાન ચિત્રકાર મિકોન તેનો શિષ્ય હતો.

જયકુમાર ર. શુક્લ