પૉલિગોનેસી (Polygonaceae)

January, 1999

પૉલિગોનેસી (Polygonaceae) : દ્વિદળી વર્ગની વનસ્પતિઓનું એકપરિદલપુંજી (monochlamydous) કુળ. આ કુળમાં લગભગ 4૦ પ્રજાતિ અને 8૦૦ જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેની મોટા ભાગની જાતિઓનું  વિતરણ ઉત્તર સમશીતોષ્ણ પ્રદેશોમાં થયેલું છે. દક્ષિણ ગોળાર્ધ, ઉષ્ણપ્રદેશો અને ધ્રુવીય પ્રદેશમાં તેની બહુ ઓછી જાતિઓ થાય છે. ભારતમાં લગભગ 8 પ્રજાતિ અને 11૦ જાતિઓ જોવા મળે છે એટલે કે પુષ્પિકાનું સૂત્રમાં રૂપાંતર થતું જોવા મળે છે. આ કુળની Polygonum (2૦૦ જાતિ), Rumex (15૦ જાતિ) અને Coccoloba (125 જાતિ) મુખ્ય પ્રજાતિઓ છે.

તે મોટાભાગે શાકીય હોય છે. ઉષ્ણ અને અધોષ્ણ પ્રદેશોમાં ક્ષુપ (Calligonum અને Pteropyrum) કે વૃક્ષ (Coccoloba) સ્વરૂપે જોવા મળે છે. કેટલીક જાતિઓ આરોહી (Antigonon કલગી પુષ્પવિન્યાસની ટોચ પરથી ઉદ્ભવતાં સૂત્ર દ્વારા આરોહણ કરે છે) હોય છે. એટલે કે પુષ્પિકાનું સૂત્રમાં રૂપાન્તર થતું જોવા મળે છે. પ્રકાંડ ગાંઠો ફૂલેલી હોય છે. Muelhenbeckiaનું પ્રકાંડ પર્ણાભતા (phyllody) દર્શાવે છે. અધિસ્તરીય કોષોમાં લાલ રંજકદ્રવ્યની ઉત્પત્તિ થાય છે.

પર્ણો સાદાં, અખંડિત, સામાન્યત: એકાંતરિક કે ભાગ્યે જ સમ્મુખ અથવા ભ્રમિરૂપ હોય છે. તે પરિનાલ (ochreate) ઉપપર્ણો ધરાવે છે. તેના અધિસ્તરીય કોષોમાં કૅલ્શિયમ ઑક્સેલેટના સ્ફટિકો જોવા મળે છે. પુષ્પવિન્યાસ મૂળભૂત રીતે સસીમાક્ષી (cymose) હોય છે; પરંતુ તેની ગોઠવણી કલગી (raceme), લઘુપુષ્પગુચ્છી (panicle), શૂકી (spike) કે મુંડક (head) સ્વરૂપે થયેલી હોય છે.

પુષ્પો નાનાં, ત્રિજ્યાસમમિત (actinomorphic), દ્વિલિંગી અથવા ભાગ્યે જ એકલિંગી (દા. ત., Rumexની કેટલીક જાતિઓ) હોય છે. તે એકલિંગી હોય તો એકગૃહી (monoecious) અથવા દ્વિગૃહી (dioecious) હોય છે. તે અધોજાય (hypogynous), ચક્રીય કે અચક્રીય ત્રિઅવયવી અને નિપત્રી (bracteate) હોય છે. તે Polygonum orientaleમાં પંચાવયવી હોય છે. પરિદલપુંજ (perianth) દ્વિપંક્તિક (biseriate) હોય છે. પ્રત્યેક ચક્રમાં ત્રણ પરિદલપત્રો આવેલાં હોય છે. તે વજ્રસશ લીલાં, સફેદ કે લાલ રંગનાં; અને તલસ્થ ભાગેથી જોડાયેલાં અથવા મુક્ત, દીર્ઘસ્થાયી (persistent) અને કોરછાદી (imbricate) હોય છે. Oxyriaમાં પરિદલપત્રોની 2 + 2 ગોઠવણી થયેલી જોવા મળે છે. Rumexમાં અંદરનું ચક્ર અને Polygonumમાં બહારનું ચક્ર ફળની ફરતે સપક્ષ રચના બનાવે છે.

પુંકેસરચક્ર મોટા ભાગે 6થી 9 પુંકેસરોનું બનેલું હોય છે. પુંકેસરો મૂળભૂત રીતે બે ચક્ર[6 બહારનાં અંતર્મુખી(introse) અને 3 અંદરનાં બહિર્મુખી(extrose)]માં ગોઠવાયેલાં હોય છે. તેના તંતુ મુક્ત કે તલસ્થ ભાગેથી જોડાયેલા હોય છે. Rumex અને Polygonumમાં બહારના ચક્રના એક કે તેથી વધારે પુંકેસરોનું દ્વિગુણન થાય છે અને અંદરના ચક્રના એક કે તેથી વધારે પુંકેસરો અપકર્ષ પામે છે. (Polygonumમાં 3 × 2 + ૦). પરાગાશયો દ્વિખંડી હોય છે અને તેમનું સ્ફોટન લંબવર્તી રીતે થાય છે. બીજાશયના તલપ્રદેશે મધુગ્રંથિ ધરાવતું વલયાકાર બિંબ (disk) જોવા મળે છે.

પૉલિગોનેસી : (અ) Rumex hastatus; (આ) Polygonum barbatum; (ઇ) પૉલિગોનમનું પુષ્પ; (ઈ) રૂમેક્સનું પુષ્પ; (ઉ) રૂમેક્સનું ફળદીર્ઘસ્થાયી પરિદલપુંજ સહિત; (ઊ) રૂમેક્સની પુષ્પાકૃતિ; (ઋ) પૉલિગોનમની પુષ્પાકૃતિ.

સ્ત્રીકેસરચક્ર ત્રિયુક્ત (ભાગ્યે જ દ્વિ કે ચતુર્યુક્ત) સ્ત્રીકેસરી, ઊર્ધ્વસ્થ અને એકકોટરીય બીજાશયનું બનેલું હોય છે. અંડક અદંડી કે સદંડી, ઊર્ધ્વમુખી, એકાકી અને તલસ્થ હોય છે. પરાગવાહિની 2થી 4 હોય છે. પરાગાસન સમુંડ (capitate) કે ઝાલરદાર (fringed) હોય છે. ફળ દીર્ઘસ્થાયી સપક્ષ પરિદલપુંજ વડે આવરિત, અસ્ફોટનશીલ કાષ્ઠ કે ચર્મફળ પ્રકારનું જોવા મળે છે. બીજ નાનાં હોય છે અને કાંજીયુક્ત ભ્રૂણપોષ ધરાવે છે. ભ્રૂણ વક્ર અને ઘણી વાર બહિર્કેન્દ્રિત હોય છે.

Polygonum orientale, P. alpinum, P. paniculatum, Antigonon leptopus, Hook. & Arn. (આઇસક્રીમ ફ્લાવરવેલ) અને Muelhenbeckia platyclados Meissn. (કલક) બાગમાં શોભાની વનસ્પતિઓ તરીકે ઉગાડવામાં આવે છે. P. alpinum, Rumex acetosa અને Oxyria digyna રાંધીને કે કચુંબર તરીકે ખાઈ શકાય છે. R. acetozellaનાં  પર્ણો કૅન્સર અને ગાંઠોમાં ઉપયોગી ગણાય છે. Fagopyrum esculantum(કુટ્ટુ)નો ધાન્ય અને લીલા ખાતર તરીકે ઉપયોગ થાય છે.

બૅન્થમ અને હૂકર આ કુળને ક્વૅમ્બ્રીમાં, બૅસી કૅર્યોફાઇલેલ્સમાં, હેલિયર સેન્ટ્રોસ્પર્મીમાં, ઍંગ્લર અને પ્રેન્ટલ સેન્ટ્રોસ્પર્મીની નજીક પૉલિગોનેલ્સમાં અને હચિન્સન, તખ્તજાન અને ક્રૉન્ક્વિસ્ટ કૅર્યોફાઇલેલ્સની નજીક પૉલિગોનેલ્સમાં મૂકે છે. સામાન્યત: આ કુળ કૅર્યોફાઇલેલ્સના અવિકસિત વંશજ તરીકે ઓળખાય છે.

બળદેવભાઈ પટેલ