પૉલિગેલેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગનું એક કુળ. તે લગભગ 1૦ પ્રજાતિઓ અને 7૦૦ જાતિઓ ધરાવે છે. ન્યૂઝીલૅન્ડ અને એશિયા તેમજ ઉત્તર અમેરિકાના ધ્રુવીય પ્રદેશો સિવાય તેનું બહોળું વિતરણ થયેલું છે. Polygala (475 જાતિ) અને Monnina (8૦ જાતિ) – આ કુળની મુખ્ય પ્રજાતિઓ ગણાય છે.

તે શાકીય, ક્ષુપ અને નાના વૃક્ષ સ્વરૂપે જોવા મળે છે. કેટલીક જાતિઓ આરોહી હોય છે. મલાયામાં થતી Epirrhizanthes ક્લોરોફિલરહિત મૃતોપજીવી પ્રજાતિ છે. પર્ણો સાદાં, સામાન્યત: એકાંતરિક; કેટલીક વાર સન્મુખ કે ભ્રમિરૂપ (whorled); કેટલીક જાતિઓમાં શલ્ક જેવાં અને મોટાભાગે અનુપપર્ણીય (exstipulate) હોય છે; તે નાની ઉપપર્ણીય ગ્રંથિઓ પણ ધરાવે છે.

પૉલિગેલેસી : (અ) પુષ્પવિન્યાસ સહિતની શાખા, (આ) આઠ પુંકેસરની નલિકા, (ઇ) પુષ્પાકૃતિ

તેનો પુષ્પવિન્યાસ શૂકી જેવો (spicate) કે કલગી (racemose) પ્રકારનો હોય છે. પુષ્પો પૅપિલિયોનોઇડી સાથે આભાસી સામ્ય દર્શાવે છે. તે અનિયમિત, દ્વિલિંગી, અધોજાય (hypogynous) અને નિપત્રી (bracteate) હોય છે અને બે નિપત્રિકાઓ (bracteoles) ધરાવે છે. વજ્ર 5 (અથવા 4થી 7) (વજ્ર)પત્રોનું બનેલું; વજ્રપત્રો મુક્ત અથવા નીચેનાં બે વજ્રપત્રો જોડાયેલાં; અંદરનાં બે વજ્રપત્રો સૌથી મોટાં, ઘણી વાર સપક્ષ (winged) અથવા દલાભ (petaloid); પતંગિયાકાર (papilionaceous) પુષ્પના પક્ષક દલપત્રોના જેવાં; દીર્ઘસ્થાયી અને કોરછાદી (imbricate) હોય છે. દલપુંજ મૂળભૂત રીતે 5 દલપત્રોનો બનેલો; ઘણે ભાગે 3 (બે ઉપરનાં અને 1 નીચેનું મધ્યસ્થ) દલપત્રો; નીચેનું મધ્યસ્થ દલપત્ર ઘણી વાર અંતર્ગોળ નૌતલ (keel) જેવું હોય છે અને તે ઝાલરદાર (fringed) ટોચ ધરાવે છે. દલપત્રો તલસ્થ ભાગેથી પુંકેસરચક્ર સાથે જોડાયેલાં હોય છે.

પુંકેસરચક્ર બે ચક્રોમાં ગોઠવાયેલાં 1૦ પુંકેસરોનું બનેલું હોવા છતાં સામાન્ય રીતે તે 8 (ભાગ્યે જ 3થી 7) એકગુચ્છી (monoadelphous) પુંકેસરો ધરાવે છે. પરાગાશયો તલબદ્ધ (basifixed), બંને ખંડોનું વિલીનીકરણ થતાં એકખંડી; સ્ફોટન અગ્રસ્થ કે ઉપઅગ્રસ્થ (subterminal) છિદ્ર દ્વારા થાય છે (ભાગ્યે જ દ્વિખંડી અને પ્રત્યેક ખંડનું સ્ફોટન લંબવર્તી). કેટલીક વાર અંત:પુંકેસરી (intrastaminal) વલયાકાર બિંબ (disc) જોવા મળે છે. સ્ત્રીકેસરચક્ર સામાન્યત: દ્વિમુક્તસ્ત્રીકેસરી (ભાગ્યે જ 1, 3 અથવા 5), દ્વિકોટરીય ઊર્ધ્વસ્થ બીજાશયનું બનેલું હોય છે. જરાયુવિન્યાસ અક્ષવર્તી હોય છે અને પ્રત્યેક કોટરમાં એક લટકતું અધોમુખી (anatropous) અંડક જોવા મળે છે. તે એક પરાગવાહિની અને સ્ત્રીકેસરની સંખ્યા જેટલાં પરાગાસનો ધરાવે છે. ફળ સામાન્યત: વિવરીય (loculicidal) પ્રાવર (capsule) પ્રકારનું [ભાગ્યે જ કાષ્ઠફળ (nut), સપક્ષ (samara) કે અષ્ઠિલ (drupe)] હોય છે. બીજ ઘણી વખત રોમિલ હોય છે અને સંલક્ષ્ય (conspicuous) અંડકછિદ્રીય (micropylar) બીજોપાંગ (aril) અથવા ગાંઠ (callosity) ધરાવે છે. ભ્રૂણ સીધો અને ભ્રૂણપોષ મૃદુ અને માંસલ હોય છે.

ઍંગ્લર અને બૅસી આ કુળને જિરાનિયેલ્સમાં, હેલિયર પૉલિગેલ્સમાં, વેટસ્ટીન ટેરેબિન્થેલ્સમાં, વૉર્મિંગ સેપિંડેલ્સમાં, રેન્ડલ તેને સેપિંડેલ્સ અને સિલેસ્ટ્રેલ્સની વચ્ચે અને હચિન્સન અને સ્મૉલ તેને પૉલિગેલેલ્સ ગોત્રમાં મૂકે છે.

આ કુળની આર્થિક ઉપયોગિતા ઓછી છે. Polygalaની લગભગ 2૦ જેટલી જાતિઓ, Securidaca અને Comespermaની થોડીક જાતિઓ બાગમાં શોભન વનસ્પતિ તરીકે ઉગાડવામાં આવે છે.

Polygala senega L.(સેનેગા)ના ત્રણથી ચાર વર્ષના છોડનાં સૂકાં મૂળ કે પ્રકંદ(root stock)ને ‘સેનેગા’ કહે છે. તેનો દીર્ઘકાલી શ્વસનીશોથ (chronic bronchitis) અને દમ(asthma)માં કફોત્સારક (expectorant) તરીકે ઉપયોગ કરવામાં આવે છે. ‘સેનેજિન’ તેમાં  આવેલું મુખ્ય સક્રિય સંયોજન છે. P. abyssinica R.Br. P. chinensis L. (પીળી ભોંયસન, પીળી પાટસન), P. elonagata Klein ex Willd., P. erioptera Dc. (ભોંયસન, પાટસન), P. irregularis Boiss અને P. persicariaefolia DC. ગુજરાતમાં જોવા મળતી જાતિઓ છે.

બળદેવભાઈ પટેલ