પૉલક, જૅકસન (. 28, જાન્યુઆરી 1912, કોડી, વાયોમીંગ, યુ.એસ.એ.; . 11 ઑગસ્ટ 1956, સ્પ્રીન્ગ્ઝ, ન્યુ યોર્ક સ્ટેટ, યુ.એસ.એ.) : અમૂર્ત અભિવ્યક્તિવાદી (abstract expressionist) અને ક્રિયાત્મક ચિત્રશૈલી(action painting)ના અમેરિકી કલાકાર. અમૂર્ત અભિવ્યક્તિવાદ એટલે ડાઘા, ધબ્બા, ડબકા તથા લસરકા વડે અમૂર્ત અભિવ્યક્તિ કરવાની મથામણ. દેખાતી દુનિયાની રજૂઆત તેમાં નથી હોતી. ક્રિયાત્મક ચિત્રશૈલીમાં આખરી ફળસ્વરૂપ ચિત્ર કરતાં ચિત્ર કરવાની પ્રક્રિયા વધુ મૂલ્યવાન હોય છે. ચિત્રના આખરી દેખાવ કરતાં આ શૈલીમાં ચિત્ર કરતી વખતે ચિત્રકારને થયેલ અનુભૂતિ અને ક્રિયાત્મક સંતોષ વધુ મૂલ્યવાન ગણાય છે. હકીકતમાં તો આ અનુભૂતિ ચિત્રની સપાટી પર પોતાની છાપ છોડી જ જાય છે.

પૉલકની કલાનાં મૂળિયાં યુરોપના ત્રણ ચિત્રકારોમાં શોધી શકાય : કૅન્ડિન્સ્કી, ક્લે અને મીરો. ક્રિયાત્મક ચિત્રમાં કૅન્વાસના વિશાળ પટ પર રંગ ભરેલી ડોલ છાંટી કે રંગ રેડી તેની પર વાહન ફેરવી ટાયરની ભાત ઉપસાવવી કે કોઈ સ્ત્રી કે પુરુષને નગ્ન કરી શરીરે રંગ ચોપડી તેમને કૅન્વાસ પર સુવડાવવાં અને ગુલાંટિયાં ખવડાવવાં – આવા આવા પ્રયોગો અજમાવાયા. જોકે પૉલક તો રંગો રેડવા અને છાંટવા માટે જ જાણીતો છે. અમેરિકામાં શરૂઆતમાં આ કલાશૈલી સામે જબરદસ્ત વિરોધ થયો અને પ્રજાનો હિંસક રોષ ફાટી નીકળ્યો; પરંતુ 195૦ પછી આ કલાની ક્રમશ: સ્વીકૃતિ થતી ગઈ. મીરો, ક્લે અને કૅન્ડિન્સ્કી ઉપરાંત અમેરિકાના મૂળ રેડઇન્ડિયનોનાં રેતી વડે કરેલાં (કાયમી ટકાઉ નહિ તેવાં) ચિત્રોમાં પણ પૉલકને રસ હતો. ભોંય પર પાથરેલ વિશાળ કૅન્વાસપટ પર જોશભેર ઘૂમતો પૉલક; આદિમ ઇચ્છાઓને વશ ક્રિયાત્મકતામાં ખૂંપેલો પૉલક – એ તેની સામાન્ય છબી બની ગઈ છે. કાર-અકસ્માતમાં પૉલક મૃત્યુ પામ્યો. તે અકસ્માત હતો કે આપઘાત તે હજી રહસ્ય જ રહ્યું છે.

અમિતાભ મડિયા