પૉર્ફિરી (porphyry) : એક પ્રકારનો અગ્નિકૃત ખડક. ખૂબ જ સૂક્ષ્મ દાણાદાર કે સૂક્ષ્મ સ્ફટિકમય ખનિજદ્રવ્યમાં જડાયેલા મહાસ્ફટિકોથી બનેલી પૉર્ફિરિટિક કણરચનાવાળો અગ્નિકૃત ખડક પૉર્ફિરી તરીકે ઓળખાય છે. પૉર્ફિરી ખડકોમાં વિપુલ પ્રમાણમાં મહાસ્ફટિકો મળતા હોવાને કારણે તેમજ પોપડામાં તે ડાઇક અને સિલ સ્વરૂપનાં નાનાં અંતર્ભેદકો સ્વરૂપે છીછરી ઊંડાઈએ મળી આવતા હોવાને કારણે અન્ય પૉર્ફિરિટિક ખડકોથી તેમને સરળતાથી જુદા પાડી શકાય છે. આ અર્થમાં પૉર્ફિરી ખડકો ભૂમધ્યકૃત પ્રકારના ગણાય.
બંધારણની દૃષ્ટિએ, પૉર્ફિરી ખડકો વિવિધ પ્રકારો રજૂ કરે છે : જે પ્રકારનો ખડક હોય તેને પૂર્વગ પૉર્ફિરી આગળ લગાડીને નામ અપાય છે : દા.ત., ગ્રૅનાઇટ પૉર્ફિરી, હ્રાયોલાઇટ પૉર્ફિરી, સાયનાઇટ પૉર્ફિરી, ટ્રેકાઇટ પૉર્ફિરી વગેરે. એક તરફ અંત:કૃત ખડકો અને બીજી તરફ જ્વાળામુખી ખડકોના સંદર્ભમાં પૉર્ફિરી ખડકોને કક્ષાકીય ગોઠવણીમાં મૂકી શકાય; દા.ત., ગ્રૅનાઇટવત્ બંધારણવાળા ખડકો માટે છ પૉર્ફિરિટિક પ્રકારો ગોઠવાય છે : (1) પૉર્ફિરિટિક ગ્રૅનાઇટ, (2) ગ્રૅનાઇટ પૉર્ફિરી, (3) હ્રાયોલાઇટ પૉર્ફિરી, (4) પૉર્ફિરિટિક હ્રાયોલાઇટ, (5) વિટ્રોફાયર અને (6) પૉર્ફિરિટિક ઑબ્સિડિયન કે પૉર્ફિરિટિક પિચસ્ટોન.
જે ખડકમાં ક્વાર્ટ્ઝ અને ફેલ્સ્પારના ઘણાબધા મહાસ્ફટિકો જ્યારે એવા જ બંધારણવાળા ખૂબ જ સૂક્ષ્મ દાણાદાર ખનિજદ્રવ્યમાં જડાયેલા હોય ત્યારે એવા ખડકને પૉર્ફિરી તો કહેવાય જ, પરંતુ વધુ સ્પષ્ટપણે તેને ગ્રૅનાઇટ-પૉર્ફિરી કહેવો યોગ્ય ગણાય. આ પ્રકારના ખડક-બંધારણમાં જો મહાસ્ફટિકોની સંખ્યા ઘટતી જાય અને પરિવેષ્ટિત ખનિજદ્રવ્યનું કણકદ વધતું જાય તો ગ્રૅનાઇટ પ્રૉર્ફિરી પૉર્ફિરિટિક ગ્રૅનાઇટમાં ફેરવાય છે. આવા ખડકને ગ્રૅનાઇટ કહેવાય ખરો, પણ પૉર્ફિરી તો ન જ કહેવાય. એ જ રીતે જો મહાસ્ફટિકોની સંખ્યા અને ખનિજદ્રવ્યનું કણકદ બંને ઘટતાં જાય તો ગ્રૅનાઇટ પૉર્ફિરી, હ્રાયોલાઇટ પૉર્ફિરી ગણાય. એથી આગળ વધતાં, હ્રાયોલાઇટ પૉર્ફિરી અને પૉર્ફિરિટિક હ્રાયોલાઇટ વચ્ચે મુખ્ય તફાવત પ્રાપ્તિસ્થિતિના સંબંધનો બને છે; હ્રાયોલાઇટ પૉર્ફિરી અંતર્ભેદક હોય છે, જ્યારે પૉર્ફિરિટિક હ્રાયોલાઇટ પ્રસ્ફુટિત પ્રકાર હોય છે. કાચમય દ્રવ્યથી પરિવેષ્ટિત પૉર્ફિરિટિક ખડકો વિટ્રોફાયર કહેવાય છે. એમાં મહાસ્ફટિકોની સંખ્યા ઘટતાં વિટ્રોફાયર પૉર્ફિરિટિક ઑબ્સિડિયન અથવા પૉર્ફિરિટિક પિચસ્ટોનમાં ફેરવાઈ જાય છે.
પૉર્ફિરી ખડકોના મહાસ્ફટિકો મોટે ભાગે તો ક્વાર્ટ્ઝ અને ફેલ્સ્પાર હોય છે. ક્વાર્ટ્ઝ પૂર્ણપાસાદાર, ષટ્કોણીય રૂપરેખાવાળો હોય છે; આલ્કલી ફેલ્સ્પાર પણ પૂર્ણપાસાદાર સેનિડિન, ઑર્થોક્લેઝ કે માઇક્રોપર્થાઇટ હોય છે. પ્લેજિયોક્લેઝ હોય ત્યારે હૉર્નબ્લેન્ડ કે અન્ય ઘેરા રંગવાળા મૅફિક ખનિજોના મહાસ્ફટિકો સાથે મળે છે. ઑલિવિન, પાયરૉક્સિન, ઍમ્ફિબૉલ અને બાયૉટાઇટ જેવા મુખ્ય મહાસ્ફટિકો જેમાં હોય એવા પૉર્ફિરિટિક ખડકો સામાન્ય રીતે લેમ્પ્રોફાયર કહેવાય છે.
યુનાઇટેડ સ્ટેટ્સ સિવાયના દેશોમાં પૉર્ફિરી તેને કહેવાય છે, જેમાં આલ્કલી ફેલ્સ્પાર મહાસ્ફટિક સ્વરૂપે હોય. પ્લેજિયોક્લેઝ ફેલ્સ્પાર હોય તેને પૉર્ફિરાઇટ કહેવાય છે.
સ્ટૉક, લેકોલિથ જેવા અંતર્ભેદકોની કિનારીઓ અથવા અંત:કૃત ખડકો કે અન્ય ખડકોને ભેદતી ડાઇક કે સિલ પણ પૉર્ફિરીથી બનેલી હોય છે અથવા તેમની દૂર ફૂટતી શાખાઓ પણ પૉર્ફિરી બનાવે છે.
ગિરીશભાઈ પંડ્યા