પૉર્ફિરિટિક કણરચના (porphyritic texture) : અગ્નિકૃત ખડકોમાં જોવા મળતી અસમ દાણાદાર કણરચનાનો એક વિશિષ્ટ પ્રકાર. તેમાં મહાસ્ફટિકો આજુબાજુના સ્ફટિકમયસૂક્ષ્મ દાણાદાર કે કાચમય દ્રવ્યથી ઘેરાયેલા હોય છે.
વધુ મોટા કે નાના સ્ફટિકોથી બનેલી આ જ પ્રકારની કણરચના માટે અનુક્રમે મૅગાપૉર્ફિરિટિક અને માઇક્રોપૉર્ફિરિટિક પર્યાયો ઉપયોગમાં લેવાય છે. માઇક્રોપૉર્ફિરિટિક કણરચનાની પરખ માત્ર સૂક્ષ્મદર્શક હેઠળ જ સારી રીતે કરી શકાય છે, જેમાં આજુબાજુનું ખડકદ્રવ્ય કદાચ કાચમય પણ હોઈ શકે છે.
મહાસ્ફટિકમય કાચખડકમાં જો સ્ફટિકો વિપુલ પ્રમાણમાં હોય તો તે ખડકને વિટ્રોફાયર કહે છે. આ પર્યાય વિશેષે કરીને અગ્નિકૃત ખડકોની કણરચના પૂરતો મર્યાદિત છે. આવા જ પ્રકારની કણરચના પુન: સ્ફટિકીકરણની ક્રિયા દ્વારા જ્યારે વિકૃત ખડકમાં જોવા મળે ત્યારે તેને પૉર્ફિરોબ્લાસ્ટિક કણરચના કહે છે.
ગિરીશભાઈ પંડ્યા