પૉર્ટ મૉરેસ્બી : નૈર્ઋત્ય પ્રશાંત મહાસાગરમાં ઑસ્ટ્રેલિયાની ઉત્તરમાં આવેલા ન્યૂ ગિની ટાપુના પૂર્વ પડખેના પાપુઆ ન્યૂ ગિની નામના દેશનું મોટામાં મોટું શહેર, પાટનગર અને દરિયાઈ બંદર. ભૌ. સ્થાન : 9o 30′ દ. અ. અને 147o 10′ પૂ. રે. પર તે આવેલું છે. વળી પાપુઆના અખાતના કિનારા પરની પાગા (Paga) તથા તુઆગુબા (Tuaguba) ટેકરીઓની વચ્ચેના અંદર તરફના ભાગમાં આ બંદરનું ફૅરફૅક્સ બારું (Fairfax harbour) પણ આવેલું છે.
તે વિષુવવૃત્તની તદ્દન નજીક આવેલું હોવાથી તેની આબોહવા ગરમ રહે છે, વાર્ષિક વરસાદનું પ્રમાણ 1,016 મિમી. જેટલું છે અને વરસાદ ડિસેમ્બરથી એપ્રિલ વચ્ચેના ગાળામાં પડી જાય છે. બંદરની આજુબાજુનો ભાગ પ્રમાણમાં ઓછી ફળદ્રૂપતાવાળો છે. આ શહેરથી 48 કિમી. અંદર તરફ આવેલા સોગેરી ઉચ્ચપ્રદેશ પર રબરની ખેતી થાય છે. આ બંદર પર મુખ્યત્વે રબર, નાળિયેર, કોપરાં, કૉફી, માછલીઓ અને લાકડાંની નિકાસલક્ષી વ્યાપારી પ્રવૃત્તિઓ કેન્દ્રિત થયેલી છે. દેશની જરૂરિયાતના 25% માલની આયાત પણ આ બંદરેથી જ થાય છે.
અહીંના બારાની સર્વપ્રથમ શોધ ઈ. સ. 1873માં કપ્તાન (પછીથી નૌસેનાનાયક) જૉન મૉરેસ્બી(John Moresby)એ કરી હતી. તેણે તેના પિતા નૌસેનાનાયક (admiral) સર ફૅરફૅક્સ મૉરેસ્બીની યાદમાં આ બંદરને પૉર્ટ મૉરેસ્બી નામ આપેલું. ઈ. સ. 1883-84માં બ્રિટિશરોએ પાપુઆ ન્યૂ ગિનીના પ્રદેશને પોતાના પ્રદેશમાં સમાવિષ્ટ કર્યો, ત્યારથી આ સ્થળ દેશનું વહીવટી મથક બનેલું છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આ શહેરને મિત્રદેશોનું મુખ્ય લશ્કરી મથક બનાવવામાં આવેલું, તેની પાછળનું તેમનું પ્રાથમિક વ્યૂહાત્મક લક્ષ્ય જાપાન સામેનું હતું. બોમાના યુદ્ધ કબ્રસ્તાન (Bomana War cemetery) પણ નજીકમાં જ આવેલું છે.
ઈ. સ. 1945 પહેલાં તે એક નાનકડું બંદર હતું. તે પછીથી આ પ્રદેશના વહીવટી મથક તરીકે તથા બધા જ પ્રકારની આધુનિક શ્રેષ્ઠ સુવિધાઓવાળા આયોજિત શહેર તરીકે તેનો વિકાસ થતો રહ્યો છે. અહીં બૅંકો, શૈક્ષણિક સંસ્થાઓ અને નાના ઉદ્યોગો તેના કોનેડોબુ (Konedobu) નામના પરામાં સરકારી સંસ્થાઓ કાર્યાલયો પણ આવેલાં છે. આ નગરને લાલોકી (Laloki) નદીમાંથી પાણીપુરવઠો પૂરો પાડવામાં આવે છે. આ યોજના જ્યાં આવેલી છે ત્યાં જળવિદ્યુતમથક પણ બાંધવામાં આવેલું છે. આ શહેરને ઑસ્ટ્રેલિયાનાં સિડની તથા કિનારાનાં અન્ય બંદરોને સાંકળતી તાર તથા રેડિયો-સંદેશાવ્યવહારની તેમજ જહાજી સેવાઓની સુવિધા મળેલી છે. તે ‘જૅકસન્સ ઍરપૉર્ટ’ (Jackson’s airport) નામે ઓળખાતું આંતરરાષ્ટ્રીય હવાઈ મથક ધરાવે છે. વળી તે બધી જ ઋતુઓમાં ઉપયોગી બની રહે એવા સડકમાર્ગોની જાળ દ્વારા દેશના સોગેરી (Sogeri), ક્વિકીલા (Kwikila) અને પર્યટક કેન્દ્ર રોઉના ફૉલ્સ (Rouna falls) સાથે સંકળાયેલું છે. આ શહેરની વસ્તી અંદાજે 3,64,145 (2011) જેટલી છે, જ્યારે મેટ્રો શહેરની વસ્તી 7 લાખ છે. જયાં ચીનાઓની વસ્તીનું પ્રમાણ વિશેષ છે.
બીજલ પરમાર