પૉર્ટ ફ્રેન્ક્વી (ઇલેબો)

January, 1999

પૉર્ટ ફ્રેન્ક્વી (ઇલેબો) : મધ્ય આફ્રિકાના દક્ષિણમધ્ય ભાગમાં આવેલા કૉંગો ડેમોક્રેટિક રિપબ્લિક ઑવ્ ધ કૉંગોના કસાઈ-ઑક્સિડેન્ટલ પ્રદેશનું શહેર અને નદીબંદર. પૉર્ટ ફ્રેન્ક્વી (જૂનું નામ) હવે ઇલેબો નામથી ઓળખાય છે. ભૌ. સ્થાન : 4o 19′ દ. અ. અને 2૦o 35′ પૂ. રે. તે કસાઈ (કૉંગો નદીની શાખા) અને સાન્કુરુ (કસાઈ નદીની શાખા) નદીઓના સંગમ પર વસેલું છે. આ નદીબંદર કાનાન્ગા અને લુબુમ્બાશી (જૂનું નામ એલિઝાબેથવિલે, શાખાપ્રદેશનું પાટનગર) સાથે રેલમાર્ગથી જોડાયેલું છે. શાબાથી કિન્શાશા અને માટાડી સુધી તાંબું તથા અન્ય ખનિજો મોકલવા માટેનું તે મહત્ત્વનું કેન્દ્રીય મથક ગણાય છે. અહીંના સમગ્ર પ્રદેશ માટે તે ખૂબ જ વ્યસ્ત રહેતું વ્યાપારી, ઔદ્યોગિક અને કૃષિપેદાશોનું કેન્દ્ર બની રહેલું છે. 192૦ના દાયકામાં બેલ્જિયન રાજવી આલ્બર્ટ પહેલાએ બંધાવેલો હોટેલ દેસ પામ્સનો વિશાળ શમિયાનો (pavilion) કે જેનો તે વખતે સત્તાવાર મુલાકાતો યોજવા માટે ઉપયોગ કરવામાં આવતો હતો, તે અહીંનું ખૂબ જાણીતું સ્થળ ગણાય છે. 2૦15 મુજબ આ શહેરની વસ્તી આશરે 1,૦7,૦93 જેટલી છે.

ગિરીશભાઈ પંડ્યા