પૉર્ટ ઑવ્ સ્પેન : દક્ષિણ કૅરિબિયન સમુદ્રમાંના ત્રિનિદાદ-ટોબેગો ટાપુનું પાટનગર અને મુખ્ય બંદર. ભૌ. સ્થાન : 10o 39′ ઉ. અ. અને 61o 31′ પ. રે. ત્રિનિદાદ ટાપુના પશ્ચિમ ભાગમાં વિસ્તરેલા દ્વીપકલ્પની દક્ષિણે પારિયાના અખાતને કિનારે તે વસેલું છે. આ અખાતને કારણે ત્રિનિદાદનો ટાપુ વેનેઝુએલાના ઈશાન ભાગથી અલગ પડે છે.
આબોહવા : અહીંનું સરેરાશ વાર્ષિક તાપમાન 25o સે. જેટલું રહે છે. આબોહવા હૂંફાળી ગરમ અને ભેજવાળી રહે છે. સરેરાશ વાર્ષિક વરસાદ 1,500 મિમી. જેટલો પડે છે. વરસાદ મોટે ભાગે ઉનાળામાં પડી જાય છે.
અર્થતંત્ર : અન્ય કૅરિબિયન ટાપુઓની જેમ આ ટાપુ માત્ર પ્રવાસન-ઉદ્યોગ પર આધારિત નથી. અહીં જુદા જુદા ઔદ્યોગિક એકમો પણ વિકસેલા છે. રમ અને બિયર, માર્ગેરિન અને તેલ, સિગારેટ, પ્લાસ્ટિક, બાંધકામ માટેની ચીજવસ્તુઓ, લાકડાં વહેરવાની મિલો, સુતરાઉ કાપડની મિલો, ખાટાં ફળોનું પ્રક્રમણ વગેરે જેવા એકમોનો અહીં વિકાસ થયો છે. ઍન્ગોસ્ટુરા બિટર્સ (Angostura Bitters) નામે જાણીતું એક પ્રકારનું માદક પીણું દુનિયાભરમાં માત્ર અહીં જ થાય છે અને તેના ઉત્પાદનની પ્રક્રિયા ખૂબ જ ગુપ્ત રાખવામાં આવે છે. અહીં જુદા જુદા ઔદ્યોગિક એકમો માટે લોકોને તાલીમ આપવા જરૂરી તકનીકી સંસ્થાઓ શરૂ કરવામાં આવેલી છે.
આ શહેર સમગ્ર ટાપુના વિસ્તાર માટેનું મહત્ત્વનું વ્યાપારી મથક બની રહેલું છે. આ બંદરેથી રમ, કૉફી, નાળિયેર, ખાંડ, ફળો, ખાદ્ય પદાર્થો, પ્લાસ્ટિક, લાકડાંનો સામાન, સુતરાઉ કાપડનો માલસામાન, તેમજ અન્ય ઉત્પાદનોની નિકાસ કરવામાં આવે છે.
પરિવહન : આ શહેર ત્રિનિદાદમાં આવેલાં સ્થળો સાથે રસ્તાઓ મારફતે સંકળાયેલું રહે છે. દરિયાઈ માર્ગે વહાણો માટે અહીંનું બંદર મોકાનું સ્થાન ધરાવતું હોવાથી તેનું ઘણું મહત્ત્વ છે. આ કારણે સમગ્ર વેસ્ટ ઇન્ડિઝ માટે તે વેપારનું અગત્યનું મથક બની રહ્યું છે. વિવિધ પ્રકારના માલસામાનની અહીંથી હેરફેર થતી રહેતી હોવાથી 1970-80ના દાયકા દરમિયાન તેનો વિકાસ પણ કરવામાં આવેલો છે. આ શહેરથી પૂર્વમાં 16 કિમી. અંતરે આવેલા પિયાર્કો ખાતે મુખ્ય હવાઈ મથક આવેલું છે.
શહેર : આ શહેરને વ્યવસ્થિત ભૌમિતિક ગોઠવણીવાળાં ઉદ્યાનો અને ચૉક સહિતના રસ્તાઓ દ્વારા સુશોભિત બનાવવામાં આવેલું છે. બંદરની પાછળના ભાગમાં આવેલી ટેકરીઓના ઢોળાવો પર નાગરિકોના આવાસોવાળા પરાં-વિસ્તારો આવેલા છે. જૂના શહેરના મધ્યભાગમાં વૂડવર્ડ ચૉકમાં વ્યસ્ત રહેતો ધંધાકીય વિભાગ, ગૉથિક હોલી ટ્રિનિટી કેથીડ્રલ અને ક્વીન્સ પાર્ક આવેલાં છે. આ ચૉકમાંથી શહેરની ઘણી અગત્યની શેરીઓ ફંટાય છે. તેની આજુબાજુ ઐતિહાસિક દૃષ્ટિએ તેમજ સ્થાપત્યની દૃષ્ટિએ જાણીતી બનેલી ઇમારતો આવેલી છે. આ પૈકી રૉયલ બોટૅનિકલ ગાર્ડન, અગાઉનાં સરકારી મકાનો, રોમન કૅથલિક ધર્મગુરુનું મહાલય, ઑલ સેઇન્ટ્સ ચર્ચ, ત્રિનિદાદ અને ટોબેગૉના વડાપ્રધાનનું કાર્યાલય ધરાવતો વ્હાઇટ હૉલ, પ્રધાનોનાં કાર્યાલયો, સુપ્રીમ કૉર્ટ અને સરકારી કચેરીઓ માટે 1906માં બાંધેલું રેડ હાઉસ મુખ્ય છે. આ ઉપરાંત અહીં મુસ્લિમ મસ્જિદો, હિન્દુ મંદિરો તેમજ યહૂદીઓનાં દેવળ પણ છે. શૈક્ષણિક સંસ્થાઓમાં ક્વીન્સ રૉયલ કૉલેજ, ફાતિમા કૉલેજ, સેન્ટ મેરી કૉલેજ અને વેસ્ટ ઇન્ડિઝ યુનિવર્સિટી છે.
ઇતિહાસ : પૉર્ટ ઑવ્ સ્પેનનું આ નગર 1560ના અરસામાં સ્પૅનિશ વસાહતીઓએ સ્થાપેલું ત્યારે તેનું નામ પ્યુર્ટો દ એસ્પાના આપેલું. એ વખતે અહીં ઇન્ડિયન લોકોની વસ્તી ધરાવતું એક નાનકડું ગામ હતું. ત્રિનિદાદ અને ટોબેગો 1595થી 1797 સુધી સ્પેનના કબજામાં અને ત્યારપછીથી તે યુ.કે.ના શાસન હેઠળ હતું. 1797 પછી જૂનું નામ બદલીને અંગ્રેજોએ તેને પૉર્ટ ઑવ્ સ્પેન નામ આપ્યું. 1962માં તે સ્વતંત્ર થયેલું છે. (2024) મુજબ આ નગરની વસ્તી આશરે 37,094, જ્યારે મેટ્રો શહેરની વસ્તી 5,46,000 જેટલી છે.
ગિરીશભાઈ પંડ્યા