પૉપ આર્ટ : પરંપરાગત કલામૂલ્યોના ટીકાત્મક પ્રતિભાવ રૂપે, આધુનિક સભ્યતાની લાક્ષણિકતાઓમાંથી બીજા વિશ્વયુદ્ધ પછી ઉદભવેલો કલાપ્રવાહ. છાપાં, સામયિકો, ટીવી જેવાં સમૂહ-માધ્યમો, સમૂહ-વિજ્ઞાપન, આધુનિક જીવનશૈલી અને વ્યાપારલક્ષી સંસ્કૃતિનાં ઉત્પાદનો તથા માનવસર્જિત સાધનોનો કલાકૃતિઓ તરીકે સ્વીકાર કરવા જેવી બાબતો પર પૉપ આર્ટનો ખ્યાલ મંડાયેલો છે. ફોટોગ્રાફ, પોસ્ટર, જાહેરાતની સામગ્રી, કાર્ટૂન ચિત્રમાળા, પૅકેજિંગ માટેની સામગ્રી તથા કાર, યંત્રો, રજાઈ, કમોડ, વૉશબેસિન, પૂરણ ભરેલાં મૃત પ્રાણીઓ અને રાચરચીલું જેવી રોજબરોજના વપરાશની ચીજવસ્તુઓ, પ્લાસ્ટિકના માધ્યમમાં ત્રિપરિમાણમાં રજૂ કરેલા માંસના ટુકડા, ટામેટાં, સૅન્ડવિચ, ટાઇપરાઇટર, બિયરનાં કૅન કે કાંસાના શિલ્પમાં મૂકેલ સફરજન, સૂપના કૅનની ચીતરેલી અનુકૃતિઓ ઇત્યાદિ પૉપ આર્ટની લાક્ષણિક સામગ્રી છે. આ કલાશૈલીના ઘટક તરીકે આધુનિક જીવન-વ્યવહારનું કોઈ પણ પાસું બાકાત ન રહ્યું હોવાથી દુનિયાની પ્રત્યેક ચીજવસ્તુ પૉપ આર્ટ રૂપે રજૂ થઈ શકે છે.
પૉપ આર્ટનાં મૂળિયાં ઘણાં અટપટાં છે. ખરેખરાં છાપાં કે નેતરની ખુરસીની બેઠકો પર ચોંટાડેલાં ઘનવાદી (cubist) શૈલીનાં કૉલાજ ચિત્રો, પિકાબિયાનાં વસ્તુલક્ષી વ્યક્તિચિત્રો, 1914માં પિકાસોએ ઉપયોગમાં લીધેલી ખાસ નામ ધરાવતી (brand-name) વેફર, 1916-17માં કિરીકોએ ઉપયોગમાં લીધેલાં બિસ્કિટ અને દીવાસળીનાં ખોખાં, દાદા ચિત્રશૈલીની ‘રેડીમેઇડ’ નામની કૃતિઓ, લહારે ચીતરેલાં પ્રભાવશાળી યંત્રો, દુકાનમાં વેચાણ માટે પ્રદર્શિત કરાયેલી ચીજો વિશે તેમણે દાખવેલો રસ, યંત્રનિર્મિત વસ્તુઓની દૃશ્યક્ષમતા, આધુનિક બ્રિટિશ ચિત્રકાર ફ્રાન્સિસ બેકને (Franeis Bacon 1909-1992) ફોટોગ્રાફ, ટીવી સ્ક્રીન તથા ચલચિત્રનો ચિત્રકલામાં કરેલો વિનિયોગ તથા પર્યાવરણ-કલા, જૉન કેજ દ્વારા પૂર્વનિર્ધારિત વગાડેલા અને આકસ્મિક વગાડેલા સ્વરો-અવાજોનો કલામાં વિનિયોગ, એમ વિવિધ રૂપે-ક્ષેત્રે અને સ્તરે પૉપ આર્ટનો આવિષ્કાર થયેલો જોવા મળે છે.
પૉપ આર્ટનો ઉદભવ બે સ્વતંત્ર પ્રવાહો રૂપે જોઈ શકાય : ઇંગ્લિશ પ્રવાહ પ્રથમ ઉદભવ્યો 1950ના દાયકામાં. તેમાં પાઓલોન્ઝી, રિચર્ડ હૅમિલ્ટન અને મૅગ્ડા કૉર્ડેલને મૂળ અને મુખ્ય કલાકારો કહી શકાય. આશરે 1955-56માં સર્વપ્રથમ લૉરેન્સ એલાવેએ ‘પૉપ આર્ટ’ શબ્દપ્રયોગ પ્રયોજ્યો.
1960ના દાયકામાં પૉપ આર્ટનો બીજો પ્રવાહ અમેરિકામાં ઉદભવ્યો. તેમાં ડ્યુશાંપ(Duchamp) અગ્રણી કલાકાર છે અને તે નીરસ તીવ્રતા ધરાવતી પ્રયુક્તિઓ તથા ધંધાદારી ઢબના રંગોનો ઉપયોગ કરે છે. આ ઉપરાંત તે કૉલાજ અને ઇતર વસ્તુઓને એકત્રિત કરવાની શૈલી પણ અપનાવે છે. આ કલા ક્યારેક હાસ્યાસ્પદ અને ક્યારેક બિહામણી પણ લાગે છે. તેમાં રોમૅન્ટિક લક્ષણો તો ભાગ્યે જ જોવા મળે છે. કૃત્રિમતાલક્ષી સમૂહમાધ્યમો અને પૉપ આર્ટ મૂલગત રીતે સરખાં કહી શકાય. અમેરિકી પ્રવાહની પૉપ આર્ટને જન્મ આપનાર કલાકારો છે જેસ્પર જૉન્સ અને રોશનબર્ગ. અમેરિકી પ્રવાહના બે ફાંટા જોવામાં આવ્યા છે : પૂર્વ કિનારાનો અને પશ્ચિમ કિનારાનો. પશ્ચિમ કિનારાના અથવા કૅલિફૉર્નિયન ફાંટાનો આવિષ્કાર અમૂર્ત અભિવ્યક્તિવાદના પ્રત્યાઘાત રૂપે પણ શક્ય હતો જ. આ શૈલીના સૌથી વધુ પ્રભાવક કલાકાર કિયેન હૉલ્ઝ છે.
અમિતાભ મડિયા