પૉપી : દ્વિદળી વનસ્પતિઓના પૅપાવરેસી કુળમાં આવેલી પ્રજાતિ પૅપાવરની જાતિઓ. તેમનું વિતરણ મુખ્યત્વે સમશીતોષ્ણ અને ઉપોષ્ણ પ્રદેશોમાં થયેલું છે. ભારતમાં છ જેટલી જાતિઓ થાય છે. તે પૈકી ત્રણ પ્રવેશ પામેલી છે. Papaver sommiferum Linn. અફીણના મુખ્ય સ્રોત તરીકે ઉગાડાય છે.

તેની ઘણી જાતિઓ તેમનાં અતિસુંદર ચકચકિત પુષ્પો માટે શોભન-વનસ્પતિઓ તરીકે વાવવામાં આવે છે. તેનાં પુષ્પોનો રંગ સફેદથી માંડી લગભગ કાળો હોય છે; જેમાં પીળા, ગુલાબી, નારંગી, સિંદૂરી લાલ અને કિરમજી રંગની ઝાંય જોવા મળે છે.

(1) Papaver rhoeas Linn. (અં., કૉર્ન પૉપી; હિં. બં., લાલ પોસ્ત; ગુ. લાલ ખસખસ) : તે ઊંચી, શાખિત, ખૂબ પરિવર્તી (variable), એકવર્ષાયુ, 30થી 60 સેમી. ઊંચી, કાશ્મીરનાં ખેતરોમાં જોવા મળતી શાકીય જાતિ છે. પર્ણો પક્ષવત્ (pinnately) છેદન પામેલાં; લાંબા, પાતળા પુષ્પદંડ પર 5થી 7 સેમી. પહોળાં પુષ્પો; દલપત્રો સિંદૂરી લાલ કે રંગબેરંગી; ફળ લીસું, ગોળ, પ્રાવર પ્રકારનું; સ્ફોટન છિદ્રલ; બીજ ઘેરાં બદામી.

પૉપી

તેને સામાન્યત: ઉદ્યાનોમાં ઉગાડાય છે. તેની એક જાતને શર્લી પૉપી કહે છે. તે શોભન પૉપીની જાતોમાં સૌથી જાણીતી છે. તેનાં પુષ્પો ખૂબ સુંદર ઝાંયવાળાં અને તેના નીચેના ભાગેથી કોઈ પણ ડાઘ વિનાનાં હોય છે.

તેનાં દલપત્રો શ્લેષ્મી અને કડવાં હોય છે. તે કફોત્સારક (expectorant) હોય છે અને કફ તેમજ સ્વરરુક્ષતામાં વપરાય છે. તે પ્રસ્વેદક (sudorific), પ્રશામક (sedative) અને પીડાશામક (anodyne) ગુણધર્મો ધરાવે છે. દલપત્રોની ચાસણી બનાવી ઔષધ કે ખોરાકને રંગવાના ઉપયોગમાં લેવાય છે. તેના આસવમાંથી દર્શક (indicator) બનાવાય છે, જે ઍસિડને લાલ અને આલ્કલીને ભૂરા રંગમાં ફેરવે છે. દલપત્રોમાં મેકોસાયનિન ક્લોરાઇડ (C27 H32 O16 C1) નામનું ઘેરા લાલ રંગનું રંજકદ્રવ્ય અને સાયનીડિનનું વ્યુત્પન્ન હોય છે. પાછળથી થયેલાં સંશોધનો મુજબ પુષ્પોમાં સાયનીડિન-B અને પેલાર્ગોનીડિન-C હોય છે.

વનસ્પતિના બધા જ ભાગો, ખાસ કરીને ફળ, વિષાળુ ગુણધર્મો ધરાવે છે. ફળોનો ક્ષીરરસ માદક (narcotic) અને થોડો પ્રશામક હોય છે.

રહોઇએડિન નામનું ઍલ્કેલૉઇડ (C21 H21 O6N) મૂળ (0.015 %), પર્ણો, પુષ્પો (0.031 %) અને ફળ(0.035 %)માં મળી આવે છે. ફળમાં આ ઉપરાંત મૉર્ફિન, થેબેઇન, નાર્કોટિન અને મૅકોનિક ઍસિડ હોય છે. પ્રોટોપિન, કૉપ્ટીસિન ઉપરાંત બીજાં ફિનોલિક અને નૉનફિનોલિક સંયોજનો મૂળ, પ્રકાંડ અને પર્ણોમાં હોય છે.

આ સિવાય P. nudicaule Linn. (અં. આઇસલૅન્ડ પૉપી) અને P. orientale Linn.(ઓરિયેન્ટલ પૉપી)ને પણ ઉદ્યાનોમાં શોભાની જાતિ તરીકે ઉગાડવામાં આવે છે.

મ.  ઝ. શાહ