પૉક્સ વિષાણુ (Pox Virus) : પૉક્સ વિષાણુ સૌથી મોટું કદ ધરાવતા વિષાણુઓ છે. આ વિષાણુનું કદ અમુક નાના જીવાણુ કરતાં મોટું છે (દા. ત., ક્લેમીડિયા Chlemydia). તેઓ 400 x 240 x 200 નૅનોમીટર કદના હોય છે. તેમના મોટા કદને કારણે તેમને ફેઝ કૉન્ટ્રાસ્ટ માઇક્રોસ્કોપમાં અથવા અભિરંજિત કર્યા બાદ પણ જોઈ શકાય છે. (સામાન્ય રીતે વિષાણુઓને જોવા માટે ઇલેક્ટૉન માઇક્રોસ્કોપનો ઉપયોગ થાય છે. અન્ય પ્રકારના માઇક્રોસ્કોપથી તેમને જોઈ શકાતા નથી.) આ વિષાણુઓનો આકાર અંડાકારથી ઈંટાકાર જેવો હોય છે. તેમનું જનીનદ્રવ્ય કુંતલાકાર ડી.એન.એ.નું બનેલું છે. તેમની આંતરિક રચના ખૂબ જ જટિલ હોય છે. પૉક્સ વિષાણુની ફરતે કવચ (outer envelope, આવેલું હોય છે, જે લિપિડ મિશ્રિત પ્રોટીનનું બનેલું હોય છે.
વેક્સિનિયા વિષાણુ (Vaccinia virus) જે એક પ્રકારના પૉક્સ વિષાણુ છે. તેનો બાહ્યાકાર અને આંતરરચના જોઈ શકાય છે. આ વિષાણુની કોષકેન્દ્રિકાભ(nucleoid)માં કુંતલ-આકાર ડી.એન.એ. પ્રોટીન સાથે જોડાયેલ છે. તેનો આકાર દ્વિઅંતર્ગોળ તકતી જેવો અને આજુબાજુ પટલ (membrane) આવેલ હોય છે. કોષકેન્દ્રિકાભ અને કવચની વચ્ચે બે લંબગોળ અથવા પાર્શ્વ રચના જોવા મળે છે. પટલ અને તેની આજુબાજુનું જાડું સ્તર નલિકાઓથી અને તંતુઓથી છવાયેલું હોય છે.
પૉક્સ વિષાણુઓને પૉક્સવીરીડી કુળમાં મૂકવામાં આવ્યા છે. આ વિષાણુઓ મુખ્યત્વે બે જૂથમાં વહેંચાયેલા વ્હોય છે : (1) ઑર્થોપૉક્સ વિષાણુ (Orthopox virus), (2) એવિપૉક્સ વિષાણુ (Avipox virus).
(1) ઑર્થોપૉક્સ વિષાણુ : આ વિષાણુઓ મનુષ્યમાં શીતળા જેવો ભયંકર રોગ અને ઢોરોમાં કાઉ પૉક્સ (Cow pox) જેવો રોગ ઉત્પન્ન કરે છે. કાઉ પૉક્સ વેક્સિનિયા વિષાણુથી (vaccinia virus) થાય છે. કાઉ પૉક્સથી અસર પામેલાં ઢોરોનો ઉપયોગ શીતળાની રસી બનાવવામાં થાય છે.
(2) એવિપૉક્સ વિષાણુ : આ વિષાણુ મરઘામાં ફાઉલ પૉક્સ (Fowl pox) ઉત્પન્ન કરે છે. પૉક્સવીરીડી કુળમાં ઍન્ટેમોપૉક્સ વિષાણુઓનો પણ સમાવેશ કરેલ છે. જેમાં વિષાણુઓ કીટકોમાં ચેપ ઉત્પન્ન કરે છે.
આ વિષાણુઓ કીટકોની ઑર્થોપ્ટેરન (Orthopteran), લેપિડોપ્ટેરનસ્ (Lepidopterans), ડિપ્ટેરનસ્ (Dipterans) અને કોલેપ્ટેરન્સ(Coleopterans)ની 27 જાતિઓમાં જોવા મળ્યા છે. એન્ટેમોપૉક્સવીરીડીમાં ત્રણ પ્રજાતિનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેઓને એન્ટેમોપૉક્સ વિષાણુ A, વિષાણુ B, વિષાણુ C કહેવામાં આવે છે.
વિષાણુ A કોલેપ્ટેરન્સમાં ચેપ ઉત્પન્ન કરે છે.
વિષાણુ B લેપિડોપ્ટેરન્સ અને કોલેપ્ટેરસનમાં ચેપ ઉત્પન્ન કરે છે.
વિષાણુ C ડિપ્ટેરન જાલમાં ચેપ ઉત્પન્ન કરે છે.
આમ કીટકોમાં પૉક્સ વિષાણુ દ્વારા ચેપ લાગી શકે છે. તેથી કીટકોનો નાશ કરવા માટે આ વિષાણુઓનો ઉપયોગ કરવામાં આવે છે. સૂક્ષ્મ અને અતિસૂક્ષ્મ જીવોનો ઉપયોગ કીટકોનો નાશ કરવામાં થાય છે. ત્યારે આ પદ્ધતિને જૈવિક નિયંત્રણ (Biological control) કહેવામાં આવે છે. આમ વનસ્પતિનો નાશ કરતા કીટકો અને અન્ય જીવોનું વિષાણુની મદદથી નિયમન કરવામાં આવે છે.
સ્મૉલ પૉક્સ (Small Pox) વિષાણુનો ઉપયોગ જૈવઆતંકવાદ(Bioterrerism)માં થાય છે. આતંકવાદીઓ આ વિષાણુઓનો ઉપયોગ હથિયાર તરીકે કરે છે. આમાં ઇરાદાપૂર્વક સ્મૉલ પૉક્સ વિષાણુઓને ઓછી રોગપ્રતિકારક શક્તિ ધરાવનાર વસ્તીમાં ફેલાવવામાં આવે છે.
નીલા ઉપાધ્યાય