પૉઇન્તે નૉઇર (કૉંગો)

January, 1999

પૉઇન્તે નૉઇર (કૉંગો) : મધ્ય-પશ્ર્ચિમ આફ્રિકાખંડમાં આવેલા રિપબ્લિક ઑવ્ કૉંગોનું ઍટલાન્ટિક મહાસાગરના કિનારા પરનું મુખ્ય બંદર તથા કૉંગોના પ્રાદેશિક વિભાગ કૌઈલોઉ(Kouilou)નું મુખ્ય વહીવટી મથક. ભૌ. સ્થાન : 4o 48’ દ. અ. અને 11o 51’ પૂ. રે. આ શહેર કૉંગોના પાટનગર બ્રેઝાવિલેથી પશ્ર્ચિમે 392 કિમી. અંતરે તથા કૉંગો નદીથી ઉત્તરે 150 કિમી. અંતરે આવેલું છે અને બ્રેઝાવિલેથી મહાસાગરકિનારા સુધી જતા રેલમાર્ગ પરનું અંતિમ મથક છે. અગાઉ તે ફ્રેન્ચ ઇક્વેટૉરિયલ આફ્રિકાના મધ્ય કૉંગો વિસ્તારનું પાટનગર હતું. 1958માં તેને સ્વતંત્રતા મળ્યા બાદ પાટનગર તરીકેના આ સ્થળને બ્રેઝાવિલે ખાતે ખસેડવામાં આવેલું છે; પરંતુ તે દેશ માટેનું પ્રવેશદ્વાર અને બીજા ક્રમે આવતું મોટું શહેર ગણાય છે. 2007 મુજબ તેની વસ્તી અંદાજે 7,15,334 જેટલી છે.

કૉંગોના મુખ્ય બંદર પૉઇન્તે નૉઇર ખાતે કૃત્રિમ બંદરીય રચનાની ઝલક

બ્રેઝાવિલેથી પૉઇન્તે નૉઇરનો કૉંગો નદીના હેઠવાસમાં વચ્ચે વચ્ચે આવતા જળપ્રપાતોમાંથી પસાર થતો કૉંગો  મહાસાગરીય રેલમાર્ગ 1934માં પૂરો કરવામાં આવેલો. તેના અંતિમ મથક પર આવેલું હોવા છતાં તેને 1939 સુધી જરૂરી બંદરી સુવિધાઓ પૂરી પાડવામાં આવી ન હતી; પરંતુ બીજા વિશ્ર્વયુદ્ધ દરમિયાન તેનું વિસ્તરણ કરવામાં આવ્યું. આ શહેરની દક્ષિણે આંતરરાષ્ટ્રીય કક્ષાનું હવાઈ મથક બાંધવામાં આવેલું છે. ત્યારપછીથી અહીં હલકા ઉદ્યોગો, ખનિજપ્રક્રિયા કરતા ઉદ્યોગો તેમજ જહાજવાડાનો ઉદ્યોગ વિકસ્યા છે. વેપારી ચીજવસ્તુઓની હેરફેર માટે આ શહેરનું તેમજ બંદરનું ઘણું મહત્વ છે. 1970ના દાયકામાં આ શહેર નજીકના સમુદ્રતળ પર દૂરતટીય (off-shore) શારકામ દ્વારા તેલખોજ કરવામાં આવેલી. ત્યાંથી પછી ખનિજતેલ મેળવવામાં આવે છે. તેની અહીંથી જ રિફાઇનરીમાં શુદ્ધ કરીને નિકાસ પણ થાય છે.

પૉઇન્તે નૉઇર નામ ધરાવતું બીજું એક સ્થળ ઍટલાન્ટિક મહાસાગરમાં આવેલા ગ્વાડેલૂપ (Guadeloupe) ટાપુસમૂહના બાસી-તેરે ટાપુના પશ્ર્ચિમ કિનારે 16o 14’ ઉ. અ. અને 61o 47’ પ. રે. પર આવેલું છે.

ગિરીશભાઈ પંડ્યા