પૈ, નાથ (જ. 25 સપ્ટેમ્બર 1922, વેંગુર્લા, મહારાષ્ટ્ર; અ. 18 જાન્યુઆરી 1971 બેળગાવ) : ભારતના એક પીઢ સ્વાતંત્ર્યસેનાની, સમાજવાદી નેતા, શ્રમિકોના ટેકેદાર તથા બાહોશ સાંસદ. મૂળ નામ પંઢરીનાથ. પિતાનું નામ બાપુ. તે શરૂઆતમાં પોસ્ટ ખાતામાં નોકરી કરતા હતા. પરંતુ દેશદાઝને કારણે સરકારી નોકરી છોડી વેંગુર્લામાં શિક્ષક બન્યા. માતાનું નામ તાપીબાઈ. ગરીબ પરિવારમાં જન્મેલા નાથનો ઉછેર પિતાના અકાળ અવસાન પછી માતાએ કરેલો. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વેંગુર્લા ખાતે. 1940માં મૅટ્રિક પાસ થયા પછી 1940-45 દરમિયાન આઝાદીની લડતમાં ઝંપલાવ્યું અને સેવાદળનું કામ કર્યું. 1945માં ઇન્ટર અને 1947માં બી.એ. પાસ થયા. પુણેની ફર્ગ્યુસન કૉલેજ કાળમાં વિદ્યાર્થી સંસદ(mock parliament)માં ‘પુરવઠામંત્રી’ તરીકે ઉત્તમ સાંસદ તરીકે પ્રતિષ્ઠા મેળવેલી (1945-47). 1942ના ‘હિંદ છોડો’ આંદોલનમાં ભૂમિગત રહીને બેળગાવ-શાહપુર વિસ્તારમાં સરકારી મિલકત પર બૉમ્બ ઝીંકીને નુકસાન કરવાની, પોલીસ સ્ટેશનો પર હુમલા કરવાની (માર્ચ 1943) તથા શસ્ત્રાગારો લૂંટવાની પ્રવૃત્તિ આચરી અને ધરપકડ વહોરી હતી. જેલવાસ દરમિયાન ભણવાનું ચાલુ રાખ્યું. કુલ 19 માસની કઠોર કારાવાસની સજા અને તેમાં પણ અગિયાર માસના અંધારી કોટડીના કારાવાસ પછી મુક્ત થયા. 1946માં દેશમાં પોસ્ટમૅન તથા તાર કર્મચારીઓની પ્રથમ હડતાળમાં સક્રિય ભાગ ભજવવા બદલ ફરી કારાવાસ ભોગવ્યો. મુંબઈ રાજ્યના પ્રાથમિક શિક્ષકોની ચળવળને નેતૃત્વ પૂરું પાડ્યું. બૅરિસ્ટર થવાની પરિવારની ખ્વાહિશ પૂરી કરવા માટે 1947માં ઇંગ્લૅન્ડ ગયા. 1947-50ના ત્યાંના અભ્યાસકાળ દરમિયાન મજૂર મંડળો અંગેની વિશિષ્ટ તાલીમ લેવા સારું સ્કૉલરશિપ મેળવી એક વર્ષ ઑસ્ટ્રિયા રહ્યા. છતાં લિંકન્સ ઇન ખાતેની બૅરિસ્ટરની છેલ્લી પરીક્ષા આપ્યા વિના જ ડિસેમ્બર, 1950માં ભારત પાછા આવ્યા અને 1952માં દેશમાં આયોજિત લોકસભા માટેની ચૂંટણીમાં સમાજવાદી પક્ષના ઉમેદવાર બન્યા, પરંતુ તેમાં તેમને સફળતા મળી નહિ. 1952ના મધ્યમાં બૅરિસ્ટરની છેલ્લી પરીક્ષા આપવા માટે ઇંગ્લૅન્ડ પાછા ગયા અને 1953માં તે પરીક્ષા પ્રથમ વર્ગમાં પાસ કરી. ત્યારબાદ યુરોપનો વ્યાખ્યાનપ્રવાસ કર્યો અને જુદા જુદા દેશોના સમાજવાદી નેતા અને કાર્યકરોના સંપર્કમાં આવ્યા. સાથોસાથ તત્ત્વજ્ઞાન વિષયમાં ડૉક્ટરેટની પદવી મેળવવા માટે વિયેના યુનિવર્સિટીમાં નામ નોંધાવ્યું. 1953ના અંતમાં ભારત પાછા આવ્યા અને પ્રજા સમાજવાદી પક્ષમાં સક્રિય બન્યા. 1956માં યુરોપની સમાજવાદી યુવા શિબિરોમાં વ્યાખ્યાનો આપવા ફરી યુરોપનો પ્રવાસ કર્યો. 1957ની લોકસભાની સામાન્ય ચૂંટણીમાં દક્ષિણ રત્નાગિરિ મતવિસ્તારમાંથી ચૂંટાયા. 1962ની અને 1967ની બંને ચૂંટણીઓમાં ફરી વિજય મેળવ્યો. 1957-71 દરમિયાનની લોકસભાના સાંસદ તરીકેની કારકિર્દી દરમિયાન દેશની પીડિત, શોષિત જનતાના પ્રશ્નો ઉપરાંત દેશના સંરક્ષણને લગતી બાબતોને વાચા આપી અને માત્ર પોતાના પક્ષની જ નહિ પરંતુ તે વખતના શાસક અને અન્ય વિરોધ પક્ષોની એક બાહોશ સાંસદ તરીકે તેમણે પ્રશંસા પ્રાપ્ત કરી.
ગોવામુક્તિસંગ્રામમાં પણ તેમનું નેતૃત્વ અસરકારક નીવડ્યું હતું. આ સંગ્રામ માટે આંતરરાષ્ટ્રીય ટેકો મેળવવાના હેતુથી તેમણે ફરી યુરોપ અને ઇંગ્લૅન્ડનો પ્રવાસ હાથ ધર્યો, જ્યાં તેમણે ડેન્માર્ક, સ્વીડન, નૉર્વે, જર્મની, ફિન્લૅન્ડની પ્રગતિશીલ અને સમાજવાદી વિચારસરણીને વરેલા પક્ષો તથા સોશિયાલિસ્ટ ઇન્ટરનેશનલ સંસ્થાનો સંપર્ક સાધ્યો હતો અને ગોવામુક્તિસંગ્રામ પ્રત્યે સક્રિય સહાનુભૂતિ મેળવી હતી. આ સંગ્રામને ટેકો આપવા માટે ઇંગ્લૅન્ડમાં ત્યાંના અગ્રણી નેતાઓની સમિતિ રચવામાં નાથને સફળતા મળી હતી. આ સમિતિમાં ફ્રેનર બ્રૉક્વે, રેજીનૉલ્ડ સોરેન્સન અને એન્થની વેજવુડ બેન જેવા અગ્રણીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સ્વદેશ પરત આવ્યા પછી તેઓ ફરી સંગ્રામના મોરચે સક્રિય બન્યા હતા અને તે વખતની ભારત-ગોવા સીમા પરના કૅસલરૉક ખાતે ધરપકડ વહોરી હતી.
ગોવામુક્તિસંગ્રામની સફળતા બાદ તેમણે કોંકણ વિકાસ પરિષદના સભ્ય (1957-60) તરીકે તથા સંયુક્ત મહારાષ્ટ્રની સ્થાપના માટેની ચળવળના નેતા તરીકે નોંધપાત્ર ફાળો આપ્યો હતો. 1957માં કેન્દ્ર સરકારના કર્મચારીઓની હડતાળ ટાળવામાં અને જુલાઈ 1960માં જ્યારે શરૂ થઈ ત્યારે તેને રચનાત્મક નેતૃત્વ પૂરું પાડવામાં નાથ પૈએ લોકસભામાં અને તેની બહાર મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ભારત-પાકિસ્તાનની ઉત્તર-પશ્ર્ચિમ સીમાઓના નિર્ધારણ અંગે બંને દેશો વચ્ચે વિવાદ ઊભો થયો હતો તે અંગે હેગ ખાતેના આંતરરાષ્ટ્રીય ન્યાયાલયે જે ચુકાદો આપ્યો તે મુજબ કચ્છનો અમુક પ્રદેશ પાકિસ્તાનને સોંપવાનો હતો. તેના વિરોધમાં 1968માં ગુજરાતના સીમાડા પ્રદેશમાં સત્યાગ્રહ થયો તેમાં પણ નાથ પૈએ અગ્રભાગ ભજવ્યો હતો. નવેમ્બર, 1970માં મહારાષ્ટ્ર રાજ્યના કર્મચારીઓની હડતાળને પણ તેમણે રચનાત્મક નેતૃત્વ પૂરું પાડ્યું હતું.
નાથ પૈ ઘણી આંતરરાષ્ટ્રીય યુવક અને સમાજવાદી સંસ્થાઓના પદાધિકારી હતા. દા.ત., 1954-60 દરમિયાન તેઓ ઇન્ટરનેશનલ સોશિયાલિસ્ટ યુથ કૉંગ્રેસના પ્રમુખ; ‘યુનેસ્કો’ની માનવહક સમિતિના સભ્ય; તે જ સંસ્થાની યુવા પાંખની સંચાલન સમિતિના સભ્ય; લંડન ખાતેની મજલિસના બે વાર પ્રમુખ; બ્રિટિશ એશિયન સોશાલિસ્ટ ફેલોશિપ અને કૉંગ્રેસ ઑવ્ પીપલ્સ ફૉર કૉલનીયલ ફ્રીડમ, લંડનના ઉપપ્રમુખ વગેરે.
લોકસભામાં અને તેની બહાર દેશવિદેશમાં તેમણે આપેલાં વ્યાખ્યાનો પુસ્તક રૂપે પ્રકાશિત થયાં છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે
રક્ષા મ. વ્યાસ