પૈસ (1971) : મરાઠી લેખિકા દુર્ગા ભાગવત(જ. 1910)કૃત નિબંધસંગ્રહ. તેમાં અંગત શૈલીના 12 નિબંધો છે. નિબંધો પર નજર નાખતાં જણાઈ આવે છે કે તેમાં સાંસ્કૃતિક પાસું પ્રાધાન્ય ભોગવે છે. લેખિકા સંગીત, ચિત્રકળા, શિલ્પ તથા નૃત્યકળા જેવા કળાવિષયો પરત્વે ઊંચી અભિરુચિ તથા સૂઝ ધરાવે છે. વળી વિવિધ ધર્મો, તત્ત્વજ્ઞાન, સમાજવિદ્યાઓ, ભારતીય સંસ્કૃતિ તથા ઇતિહાસ, લોકસાહિત્ય અને લોકકળાઓ અને સંસ્કૃત સાહિત્યના અધ્યયનમાં તેઓ ઊંડો રસ ધરાવે છે તેની પણ આ પુસ્તકના નિબંધો દ્વારા પ્રતીતિ થાય છે. ‘પૈસ’માં વિદ્વત્તા અને સંવેદનશીલતા, બૌદ્ધિકતા તેમજ ચિંતનશીલતાના હૃદયંગમ સંવાદ-સમન્વયથી રંગાયેલું તેમનું વ્યક્તિત્વ જોવા મળે છે. કેટલાક નિબંધોમાં લાક્ષણિક નારીભાવોનું આલેખન છે.
દુર્ગા ભાગવતને પ્રવાસમાં, મહત્ત્વનાં સ્થળોની મુલાકાતમાં તથા લોકસમૂહ, સૌંદર્યધામો અને સ્મારકસ્થળોના નિરીક્ષણમાં વિશિષ્ટ રસ છે. ઐતિહાસિક મહત્ત્વનાં પાત્રો તથા વ્યક્તિઓનાં આલેખન-વર્ણનમાં તેમણે સર્જનાત્મક-કલાત્મક શૈલી અપનાવી છે. સ્થળો, વસ્તુઓ તથા વ્યક્તિવિશેષ વિશેની લેખિકાના ચિત્તમાં ઝિલાયેલી વિવિધ છાપોમાં શૈશવનાં સ્મરણો, અઢળક વાચન તથા સંબંધિત સ્થળોની મુલાકાત મુખ્ય નિમિત્ત બન્યાં છે.
મરાઠીમાં લુપ્ત થવા આવેલા અંગત નિબંધના સ્વરૂપને નવજીવન તથા ગૌરવ બક્ષવામાં વિંદા કરંદીકર ઉપરાંત દુર્ગા ભાગવતનું યોગદાન મહત્ત્વનું છે. આ પુસ્તકનો સાહિત્ય અકાદમીનો 1971ના વર્ષનો ઍવૉર્ડ મળ્યો હતો.
મહેશ ચોકસી