પૈસો : ભારતમાં પ્રાચીન કાળમાં નાના મૂલ્ય માટે પ્રચલિત તાંબાનો સિક્કો. એમાં કાર્ષાપણ 80 રતીનો, પાષ 5 રતીનો અને કાકણી 1 રતીનો તોલ ધરાવતાં. મુઘલ કાળમાં શેરશાહ સૂરીએ ચાંદીના ‘રૂપૈયા’ અને તાંબાના ‘પૈસા’ નામે સિક્કા પડાવ્યા. ત્યારથી આ બંને નામ ભારતમાં પ્રચલિત રહ્યાં છે. 1835માં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાના સર્વ મુલકોમાં એકસરખી સિક્કાપદ્ધતિ અપનાવી ત્યારે તાંબામાં પૈસો, બે પૈસા અને પાઈના સિક્કા પડાવ્યા. આમાં 3 પાઈ = 1 પૈસો, 4 પૈસા = 1 આનો અને 16 આના = 1 રૂપિયો ગણાતો. હિસાબ રૂપિયા, આના અને પાઈમાં લખાતા; પરંતુ તાંબાના સિક્કા પર આના, પૈસા, આના અને આના એમ લખાતું.
1857 પછી ઈસ્ટ ઇન્ડિયા કંપનીને બદલે બ્રિટિશ તાજની સત્તા સ્થપાઈ, ત્યારે તાંબામાં 0 આના, 1 પાઇસ, 3 આના અને 1 આના નામના સિક્કા પડાવ્યા. તેમાં 3 આના એટલે પૈસો એવો અર્થ અભિપ્રેત હતો. આગળ જતાં તાંબાને બદલે કાંસાનાં પાઈ, અધેલો અને પૈસો પડાવાયાં. 1943માં વચ્ચે છિદ્રવાળી ગોળાઈ ધરાવતા તાંબાના ગોળ સિક્કા પડાવાયા. એવા સિક્કાને ‘કાણાવાળો પૈસો’ કહેવામાં આવતો. એમાં ‘પૈસો’ શબ્દ અંગ્રેજી, હિન્દી અને ફારસીમાં લખાતો ને ઈ. સ.નું વર્ષ અપાતું. 1950થી સ્વતંત્ર ભારતના પ્રજાસત્તાકે કાંસાનો પૈસો પડાવ્યો. 1957માં ભારતે તોલમાપમાં દશાંશ-પદ્ધતિ અપનાવી. આનાનું વચલું એકમ સદંતર બંધ કરાયું ને પૈસાને રૂપિયાનો 64મો નહિ, પણ 100મો ભાગ ગણવામાં આવ્યો. શરૂઆતમાં આ પૈસો ‘નવા પૈસા’ તરીકે ઓળખાતો, 1964થી જૂનો પૈસો સદંતર લુપ્ત થતાં કેવળ ‘પૈસો’ શબ્દ પ્રયોજાતો થયો. એના અગ્રભાગ પર भारत અને INDIA અને પૃષ્ઠભાગ પર पैसा અને PAISE લખાયું. સમય જતાં નાના મૂલ્યના સિક્કાઓની ધાતુ બદલાતી રહી ને વધુ નાના મૂલ્યના સિક્કા ચલણમાં બંધ થયા.
હરિપ્રસાદ ગં. શાસ્ત્રી