પેશીવિદ્યા (પ્રાણી) (animal histology)
બહુકોષી પ્રાણીઓના શરીરમાંની વિવિધ પેશીઓ(tissues)ને લગતું વિજ્ઞાન. ઉચ્ચતર પ્રાણીઓમાં કોષોના સમૂહ સ્વરૂપે આવેલી પેશીઓ રચના પરત્વે વિવિધતા દર્શાવે છે. વિવિધ પેશીઓ વિશિષ્ટ રીતે જોડાતાં અંગોમાં પરિણમે છે. બહુકોષીય પ્રાણીઓના વિકાસની શરૂઆત એકકોષીય ફલિતાંડ(fertilised egg)થી થાય છે. કાળક્રમે ફલિતાંડનું વિભાજન (cleavage) થતાં તેનું બહુકોષીય ગર્ભ(embryo)માં રૂપાંતર થાય છે. શરૂઆતમાં તેના કોષો દેખાવમાં લગભગ સરખા હોય છે; પરંતુ સમય જતાં તે ભિન્નતા (difference) દર્શાવે છે અને ત્રણ ગર્ભીય સ્તરોમાં વહેંચાય છે. ગર્ભની બાહ્ય સપાટીએ આવેલા કોષોના સ્તરને બાહ્ય સ્તર (ectoderm) કહે છે અને અંદરના ભાગમાં આવેલા કોષોના સમૂહને અંત:સ્તર (endoderm) કહે છે. આ બે વચ્ચે, એટલે કે મધ્ય ભાગમાં આવેલા કોષસમૂહને મધ્યસ્તર (mesoderm) કહે છે. આ ત્રણેય સ્તરોના કોષોનો વિકાસ વિવિધ પ્રકારે થતાં તે ચાર પ્રકારની પેશીઓમાં રૂપાંતર પામે છે; દા. ત., બાહ્ય સ્તરના કોષોમાંથી અધિચ્છદીય (epithelial) પેશી અને ચેતા (neural) પેશીનું નિર્માણ થાય છે. અંત:સ્તરના કોષોમાંથી આંતરડાની અધિચ્છદીય પેશી ઉદભવે છે. તેને અંતશ્ર્છદીય (endothelial) પેશી કહે છે. જોકે કેટલાક મધ્યસ્તરના કોષો પણ અધિચ્છદીય પેશીનું નિર્માણ કરે છે. મધ્યસ્તરના કોષોના વિકાસથી મુખ્યત્વે સંયોજક (connective) અને સ્નાયુ(muscle) પેશીઓ ઉદભવે છે. પેશીઓને ચાર મુખ્ય પ્રકારમાં વિભાજવામાં આવે છે : (1) અધિચ્છદીય પેશી, (2) સ્નાયુપેશી, (3) ચેતાપેશી અને (4) સંયોજક પેશી.
અધિચ્છદીય પેશી : આ પેશી મુખ્યત્વે કોઈ પણ અંગની બાહ્ય કે અંત:સ્થ સપાટીનું આચ્છાદન કરે છે. પેશીઓના કોષો સાવ એકબીજાની સમીપ ગોઠવાયેલા અને એકબીજા સાથે સિમેંટ-દ્રવ્ય વડે જોડાયેલા હોય છે. તેમને આંતરયોજક(interdigitation)થી સાંકળીને જકડી રાખવામાં આવે છે. વળી કેટલાક કોષો વચ્ચે આંતરકોષીય સાંધાઓ (intercellular junctions) પણ હોય છે; દા. ત., આંતરડાંના અધિચ્છદીય કોષોની મુક્ત સપાટી તરફ સળંગ સપાટીએ અંત્યદંડ (terminal bars) નામની અંગિકાઓ દેખાય છે. ઇલેક્ટ્રૉન-સૂક્ષ્મદર્શકથી નિહાળવાથી ગાઢ સાંધો (tight junction), અવકાશ-સાંધો (gap junction) અને બંધદેહ સાંધો (desmodome) – એમ ત્રણ પ્રકારના સાંધા દેખાય છે.
અધિચ્છદીય પેશીની ઉપયોગિતા : (1) બાહ્ય સપાટી તરફ તે આચ્છાદન બનાવી અંગોનું પૂરતું રક્ષણ કરે છે; (2) જઠરાંત્ર (gastro- intestinal) અને ફેફસાંના વાયુકોષોની અંત:સ્થ સપાટીએ આવેલા કોષો શોષણક્રિયા સાથે સંકળાયેલા હોય છે; (3) સ્રાવી કોષો તરીકે પાચન, સ્નેહન (lubrication), રક્ષણ, ઉત્સર્જન, પ્રજનન અને અન્ય ચયાપચયી પ્રક્રિયામાં ખાસ અગત્યનો ભાગ ભજવે છે; (4) પોષણદ્રવ્યોનું શોષણ કરી શરીરને અગત્યના ઘટકો પૂરા પાડે છે; (5) ગંધ અને સ્વાદગ્રાહી અંગ તરીકે તે સંવેદનશીલ હોય છે.
અધિચ્છદીય પેશીનું વર્ગીકરણ : (1) એકસ્તરીય : (અ) લાદીસમ (squamous) ચપટા કોષોની બનેલી આ પેશી ત્વચાની બાહ્ય સપાટી બાઉમન કોથળીની અંત:સ્થ દીવાલ અને હેન્લેનો પાશ (Henle’s loop) જેવાં અંગોમાં જોવા મળે છે.
(આ) ઘનાકાર (cuboidal) : ઘન આકારના આ કોષો બાઉમન કોથળીની બાહ્ય દીવાલ, નલિકાઓ, રક્તજાલક (choroid plexus) અને વિવિધ ગ્રંથિઓમાં આવેલા છે. સ્રાવ કરનાર કોષોને ગ્રંથીય (glandular) કોષો કહે છે.
(ઇ) સ્તંભાકાર (columnar) : થાંભલા જેવા આકારના આ કોષો આકારે ઊંચા હોય છે. મુક્ત સપાટી તરફ તેઓ ચતુષ્કોણી, જ્યારે દૂરસ્થ છેડા તરફ સહેજ સાંકડા હોય છે. કેટલાક સ્તંભાકાર કોષો મુક્ત સપાટીએ કેશતંતુ (cilia) વડે સધાયેલા હોય છે. આ કોષો પક્ષ્મલ (ciliary) તરીકે ઓળખાય છે.
(ઈ) આભાસી બહુસ્તરીય (pseudo-stratified) : આ કોષો એકસ્તરીય હોવા છતાં બહુસ્તરીય જેવા દેખાય છે. આમ તો બધા કોષો આધારતલ સાથે સંકળાયેલા હોય છે; પરંતુ કેટલાક કોષો ટૂંકા હોવાથી મુક્ત સપાટી સુધી લંબાયેલા નથી હોતા.
(2) બહુસ્તરીય : આ પેશી અનેક સ્તરોની બનેલી હોય છે. મુક્ત સપાટીએ આવેલા કોષો સાંકડા એટલે કે લાદીસમ કે ઘનાકાર કે સ્તંભાકાર હોય છે. દૂરના છેડા તરફ ક્રમશ: ઊંચાઈ વધેલી જોવા મળે છે. તેથી તેમના કેટલીક વાર લાદીસમ-બહુસ્તરીય, ઘનાકાર-બહુસ્તરીય અને સ્તંભાકાર-બહુસ્તરીય એમ વિભાગ પણ પાડવામાં આવે છે. ત્વચીય-અધિચ્છદીય પેશીનું ઉપલું સ્તર લાદીસમ હોય છે. કેટલીક પેશીઓ મુખ્યત્વે સ્તંભાકાર પેશીઓના સ્તરની બનેલી હોય છે; (દા. ત., કંઠનળી. કેટલીકમાં ઉપલું સ્તર પક્ષ્મલ કોષોનું બનેલું હોય છે; દા.ત., મૂત્રવાહિની કે અંડવાહિનીમાં પક્ષ્મલ કોષો આવેલા હોય છે, જે અનુક્રમે મૂત્ર અને અંડકોષને બાહ્ય દ્વાર તરફ ધકેલવામાં મદદરૂપ નીવડે છે.
(૩) સંક્રામી (transitional) : મૂત્રસંચય દરમિયાન દબાણ હેઠળ કોષો વિસ્તરવાથી મૂત્રાશયની અંદરની સપાટીના કોષો લાદીસમ દેખાય છે; પરંતુ મૂત્રાશય ખાલી હોય ત્યારે અંદરની સપાટીના કોષો સંકોચાયેલા રહે છે. તેથી તે આકારે ગોળ કે ઘનાકાર સ્વરૂપ ધારણ કરે છે. તેથી મૂત્રાશયની અંદરની સપાટીએ આવેલી અધિચ્છદીય પેશીને સંક્રામી કહે છે.
સ્નાયુપેશી : તે સંકોચનશીલ (contractile) હોય છે. આ સંકોચનશીલતા માયોસિન (જાડા તંતુ) અને ઍક્ટિન (પાતળા તંતુ) નામના 2 ઘટકોને કારણે હોય છે. આ તંતુઓ વિશિષ્ટ ક્રમમાં ગોઠવાઈ જતાં સ્નાયુ-રેખિત (striated) સ્વરૂપ ધારણ કરે છે. એમ ન હોય ત્યારે, સ્નાયુનું સ્વરૂપ સાદું (simple/smooth) હોય છે. કાર્ય અને રચનાની દૃષ્ટિએ સ્નાયુપેશીને સાદા (smooth), હૃદ (cardiac) અને કંકાલ (skeletal) આવા ત્રણ પ્રકારમાં વિભાજિત કરવામાં આવે છે.
1. સાદા કે સરળ સ્નાયુ : ત્રાક આકારના આ કોષો મધ્યસ્થ ભાગમાં એક અંડાકાર કોષકેન્દ્ર ધરાવે છે. તેના સંકોચનશીલ ઘટકોની ગોઠવણ અવ્યવસ્થિત હોવાથી તેને અરેખિત પણ કહે છે. અંતરાંગીય (visceral) અંગોના ભાગ રૂપે આવેલા આ સ્નાયુઓ અભાન (unconscious) અવસ્થાએ કાર્ય કરતા હોય છે. તેથી તેને ‘સ્વાયત્ત’ (autonomous) પણ કહે છે. જોકે મૂત્રાશયમાં આવેલા સાદા સ્નાયુઓ ઇચ્છા મુજબ એટલે કે સભાન અવસ્થાએ પણ કાર્ય કરતા હોય છે. સાદા સ્નાયુઓની લંબાઈ જૂજ માઇક્રૉનથી 0.5 mm જેટલી હોઈ શકે છે. તે પટ (sheet) – સ્વરૂપે ગોઠવાયેલા હોય છે. ક્વચિત્ તે વિવિધ દિશાએ અનુસ્થાપિત થયેલા જોવા મળે છે. મોટાભાગે આ સ્નાયુઓ પ્રતિપોષી તંત્ર (feed- back mechanism) અનુસાર કાર્ય કરતા હોય છે.
2. હૃદ્-સ્નાયુ : હૃદયમાં આવેલા અંતરંગીય સ્નાયુઓ સતત થાક્યા વિના કાર્ય કરે છે. તેથી તેમને સગવડની દૃષ્ટિએ સ્વાયત્ત (involuntary) પણ કહે છે. સાદા સ્નાયુઓની જેમ તેમના મધ્યસ્થ ભાગમાં કોષકેન્દ્ર રહેલું હોય છે. આ સ્નાયુઓની રચના કોષ-સમૂહોની બનેલી હોય છે. આ સમૂહને બહુકેન્દ્રી (suncytium) કોષ કહે છે. આવા બહુકેન્દ્રી કોષો વચ્ચે એક કલા આવેલી હોય છે, જેને અધિબિંબ (intercalated disc) કહે છે. પોતાની ક્રિયાશીલતા જાળવી રાખવા માટે તે પોતે ચેતા-ચાલક તંત્ર રૂપે એક નિયામક-કેન્દ્ર ધરાવે છે. આ સ્નાયુતંતુમાં આવેલા સંકોચનશીલ ઘટકો રેખા રૂપે એકબીજાને સમાંતર ગોઠવાયેલા હોય છે. તેથી આ સ્નાયુઓ રેખિત સ્નાયુઓ તરીકે પણ ઓળખાય છે. સરળ સ્નાયુઓની જેમ આ સ્નાયુઓ આંતર-અંગોના ભાગ રૂપે આવેલા છે.
કંકાલ સ્નાયુ : તે દૈહિક (somatic) પ્રકારના સ્નાયુઓ છે. મુખ્યત્વે સભાન અવસ્થાએ પ્રકૃતિગત (instinctive) સ્તરે પ્રક્રિયા કરે છે. તેથી કેટલાક વિજ્ઞાનીઓ તેને સ્વૈચ્છિક (voluntary) સ્નાયુ તરીકે ઓળખાવે છે. તેના સંકોચનશીલ સ્નાયુઓ રેખામય રચના કરે છે. તેથી આ સ્નાયુઓ મુખ્યત્વે રેખિત સ્નાયુ કહેવાય છે. કંકાલ સ્નાયુનો પ્રત્યેક તંતુ સ્નાયુતંતુકો(myofibrils)ને નામે ઓળખાતા એકમોનો બનેલો હોય છે. પ્રત્યેક એકમમાં કેટલાક સ્નાયુખંડો (sarcomere) આવેલા હોય છે. પાસે પાસેના બે સ્નાયુખંડને જોડનાર ભાગને ‘Z’ કલા કહે છે. સ્થાયી અવસ્થામાં દેખાતા પ્રત્યેક ખંડના મધ્યસ્થ ભાગને ‘A’ પટ્ટી કહે છે. જ્યારે શેષ, એટલે કે ‘Z’ કલા તરફ આવેલા ભાગોને ‘I’ પટ્ટી કહે છે; A પટ્ટીના જાડા તંતુકો (thick filaments) રૂપે આવેલા માયોસિન ઘટકો હોય છે, જ્યારે જાડા તંતુકો વચ્ચે ‘Z’ કલા સાથે સંકળાયેલ પાતળા તંતુ (thin filaments) આવેલા હોય છે. તે ઍક્ટિન ઘટકો વડે અંકિત હોય છે. બે ઍક્ટિન વચ્ચે આવેલા સ્નાયુખંડના ભાગને ‘H’ ક્ષેત્ર કહે છે. જો સંકોચનશીલ ઘટકોમાંથી પસાર થતા સ્નાયુખંડના ભાગમાંથી આડો છેદ લેવામાં આવે તો પ્રત્યેક માયોસિનની ફરતે 6 ઍક્ટિનના તંતુઓ ગોઠવાયેલા હોય છે.
આકુંચન દરમિયાન સ્નાયુખંડમાં આવેલા ઍક્ટિનના તંતુઓ એકબીજાની સમીપ આવવાથી, સ્નાયુખંડની લંબાઈ ઘટે છે. આ પ્રક્રિયાને આકુંચન (contraction) કહે છે. આકુંચન સ્નાયુની ક્રિયાશીલ અવસ્થા છે. આ પ્રક્રિયા માટે કાર્યશક્તિ અગત્યની છે.
ચેતાપેશી : ચેતાપેશીના એકમને ચેતાકોષ (neuron/nerve cell) કહે છે. તેનો મુખ્ય ભાગ ચેતાકાય (cell body) શાખાથી પ્રબંધિત હોય છે. શાખાઓ બે પ્રકારની હોય છે : શિખાતંતુ (dendrites) અને ચેતાક્ષ (neuraxon/axon). ચેતાકાયમાં નિઝલની અનેક કણિકાઓ (Nissl’s granules) આવેલી હોય છે. આ કણિકાઓ પ્રોટીનના સંશ્લેષણ સાથે સંકળાયેલી હોય છે.
વળી કોષરસમાં ચેતાતંતુકો (neurofibrils) નામે પોલી નલિકાઓ આવેલી હોય છે, જે પોષક દ્રવ્યોનું વહન કરે છે. એક કરતાં વધારે શિખાતંતુઓ ચેતાકાય પરથી નીકળે છે. તેમને ચેતાકાયના વિસ્તાર તરીકે વર્ણવી શકાય. શિખાતંતુઓમાં પણ નિઝલની કણિકાઓ હોય છે અને તે પણ અનેક શાખાઓમાં વહેંચાયેલી હોય છે. ચેતાક્ષ માત્ર એક હોય છે અને તે ચેતાકાયના ચેતાક્ષ-ઉપસાટ (axon-hillock) કહેવાતા ભાગ પરથી નીકળે છે. ચેતાક્ષો લાંબા હોય છે. હાથી જેવાં પ્રાણીઓમાં આ લંબાઈ 2થી ૩ મી. જેટલી હોઈ શકે છે. ચેતાક્ષની ફરતે મેદનું બનેલું બહુસ્તરીય સફેદ રંગનું પડ આવેલું હોય છે. આ પડને મજ્જિત પડ (myelin sheath) કહે છે. ચેતાતંત્રમાં આવેલ શ્વેતદ્રવ્ય મજ્જિત પડને કારણે હોય છે. શ્વેનના કોષ (Schwann’s cell) તરીકે ઓળખાતા કોષોને લીધે આ મજ્જિત પડ આવરણ બને છે.
આ કોષો શરૂઆતમાં ચપટા હોય છે. તેઓ વિકાસ દરમિયાન ચેતાક્ષને ફરતે ગોળાકારમાં વિસ્તરે છે. દરમિયાન કોષરસ અને કોષકેન્દ્ર પરિઘ તરફ ધકેલાય છે. પ્રત્યેક ચેતાક્ષને ફરતે આવા અનેક શ્વેનના કોષો આવેલા હોય છે. બે શ્વેનના કોષો વચ્ચેના ભાગને રૅન્વિયરની ગાંઠ કહે છે. તે મજ્જાપડ વિનાની હોય છે. ચેતાક્ષનો છેડા તરફનો ભાગ એક અથવા અનેક શાખાઓમાં વહેંચાયેલો હોય છે. આ શાખાઓમાં કણાભસૂત્રો મોટી સંખ્યામાં આવેલા હોય છે. શાખાઓના છેડા તરફ ચેતાગ્રથનગાંઠો (synaptic vesicles) હોય છે, જેમાં અનેક ગ્રંથિઓ હોય છે.
આ ગ્રંથિઓ ચેતાવાહકો(neurotransmitter)ના સ્રાવ માટે કારણભૂત હોય છે. છેડા તરફના ભાગને ચેતાંત (nerve-end) કહે છે. ચેતાંત અને સંકળાયેલા કોષ (દા. ત., ચેતાકોષ/સ્નાયુકોષ કાર્યકારી અંગ) વચ્ચે અવકાશ હોય છે. આ અવકાશને ચેતાગ્રથન (synapse) કહે છે. ચેતાંતમાંથી ચેતાગ્રથનમાં ચેતાવાહકોના પ્રસરવાથી ઊર્મિવેગો સંકળાયેલા કોષમાંથી પશ્ર્ચ-ગ્રથન (post-synaptic) કોષમાં વહે છે.
સંયોજક પેશી : આ પેશીના કોષો વચ્ચે કોષબાહ્ય ઘટકો તરીકે આંતરકોષીય દ્રવ્યો આવેલાં હોય છે. આ ઘટકો પેશીમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. વળી સંયોજક પેશીમાં ઘણી વિવિધતા રહેલી હોય છે.
સંયોજક પેશીના કોષો : (1) તંતુઘટક કોષો (fibroblasts) : કૉલેજન, દ્રવ્યનું સંશ્લેષણ કરવા ઉપરાંત ઘા રુઝાવવા માટે ઉપયોગી પદાર્થનો સ્રાવ કરે છે. ઘણી વાર તે વિસ્તાર પામીને અનેક તંતુરૂપી પ્રવર્ધો રચે છે.
(2) બૃહદ ભક્ષક કોષો (macrophage) : શરીર માટે ઘાતક એવાં દ્રવ્યો કે શરીરમાં પ્રવેશેલ બાહ્ય કણોનું ભક્ષણ કરીને તે શરીરને રક્ષણ આપે છે. તે ચલનશીલ હોય છે અને વિસ્તાર પામીને તંતુઘટક-કોષોનું નિર્માણ કરે છે.
(૩) માસ્ટ-કોષ (mast cells) : શરીરની કોઈ પણ પેશીને ઈજા થતાં તેઓ વિશિષ્ટ રસાયણોનો સ્રાવ કરે છે. તે હિસ્ટામિન-સ્રાવ કેશવાહિનીઓની પારગમ્યતા વધારે છે. પરિણામે રુધિરમાંથી શ્વેતકોષો કેશવાહિનીઓમાંથી બહાર આવીને ઘાના સ્થળે એકત્ર થાય છે.
(4) પ્લાઝ્મા-કોષ : અમીબી આકારના અને સહેજ લંબગોળ એવા આ કોષો કણિકામય કોષરસ ધરાવે છે.
(5) રંજક-કોષો (melanocytes) : મેલેનિન સૂક્ષ્મ કોષો ધરાવતા આ કોષો રંગે સહેજ પીળા અથવા ભૂરા હોય છે.
(6) મેદ-કોષો : મેદનો સંગ્રહ કરનાર આ કોષો પણ પીળા કે ભૂરા રંગના હોય છે.
બાહ્યકોષીય ઘટકો : આ ઘટકો તંતુમય અને બિનતંતુમય – એમ બે પ્રકારના હોય છે.
(અ) તંતુમય ઘટકો : (1) કૉલેજન તંતુઓ : શ્વેત રંગના આ તંતુઓ લગભગ અદ્રાવ્ય હોય છે. તે સમૂહમાં ગોઠવાયેલા અને શાખાવિહીન હોય છે. તે મજબૂત હોય છે. સામાન્યપણે તે સ્થિતિસ્થાપક હોતા નથી. (2) સ્થિતિસ્થાપક (elastic) તંતુઓ : આ તંતુઓ રંગે પીળા, એકલ અને શાખામય હોય છે.
(આ) તંતુવિહીન ઘટકો : મ્યૂકોપ્રોટીનો, પ્રતિકણો (antibodies) જેવા ઘટકો કોષબાહ્ય ઘટકો તરીકે આવેલા હોય છે. રુધિર જેવી પ્રવાહી સંયોજક પેશીમાં આલ્બ્યુમિન તથા ગ્લોબ્યુલિન જેવાં પ્રોટીનો ઉપરાંત અકાર્બનિક આયનો પણ આવેલા હોય છે.
સંયોજક પેશીનું વર્ગીકરણ : તંતુમય બાહ્ય ઘટકો મોટા ભાગની સંયોજક પેશીઓમાં જોવા મળે છે. તેનું વિવિધ પેશીઓમાં વર્ગીકરણ થઈ શકે :
(1) તંતુઘટક પેશી : ત્વચા અને અંગોની પેશી વચ્ચે આવેલી આ સંયોજક પેશીમાં કૉલેજન તંતુઓ સારી રીતે પ્રસરેલા હોય છે. તે એકબીજામાં ભળીને જાળમય સ્વરૂપ ધારણ કરે છે. ત્વચામાં તે ગાઢ રીતે પ્રસરેલા હોય છે, જ્યારે અન્યત્ર તે છૂટાછવાયા દેખાય છે.
(2) કંડરા (tendon) : અસ્થિબંધના એક પ્રકાર તરીકે આવેલી આ પેશી મુખ્યત્વે શ્વેતતંતુમય પેશીની બનેલી હોય છે. આ પેશી હાડકાં સાથે સંકળાયેલી હોય છે. તે સ્નાયુ અને અસ્થિ વચ્ચેનું જોડાણ સાધવામાં મદદરૂપ હોય છે.
(૩) અસ્થિબંધ (ligament) : કંકાલતંત્રના ભાગ રૂપે શરીરમાં દેખાતા અસ્થિબંધો મુખ્યત્વે શ્વેતતંતુઓના બનેલા હોય છે. બે હાડકાં વચ્ચે પણ આ પેશી ગોઠવાયેલી હોય છે. તેને લીધે હાડકાંની હિલચાલ અત્યંત સરળ બને છે.
(4) મેદકીય સંયોજક પેશી (adipose tissue) : આ પેશી જાળાકાર તંતુઓથી ભરેલી હોય છે. તેમાં આવેલા ગોળાકાર ભૂરા રંગના કોષો મેદનો સંગ્રહ કરે છે.
(5) કાસ્થિ : કાસ્થિમાં માત્ર એક જ પ્રકારના કોષો આવેલા હોય છે. તેઓ મોટા ભાગે બે અથવા ચાર કોષોના સમૂહો તરીકે ગોઠવાયેલા હોય છે. તેમાં રહેલ આંતરકોષીય દ્રવ્યનેે આધારે કાસ્થિના ત્રણ પ્રકાર જોવા મળે છે : (ક) કાચવત્ કાસ્થિ (hyaline cartilage) : તેના તંતુઓ અતિસૂક્ષ્મ હોવાથી તે આંતરકોષીય દ્રવ્ય સમરસ રૂપ (homogenous) અને અર્ધવાહક હોય છે. ભ્રૂણમાં મુખ્યત્વે કંકાલતંત્ર કાચવત્ કાસ્થિનું બનેલું હોય છે. વિકાસ દરમિયાન તેના મોટા ભાગના ઘટકો અસ્થિમાં રૂપાંતર પામે છે. બે હાડકાંનું જોડાણ થાય તેવી જગ્યાએ અસ્થિની સપાટી કાચવત્ કાસ્થિ વડે ઘેરાયેલી રહે છે.
(ખ) તાણ સહન કરવાનું હોય તેવા સ્થળે કૉલેજન તંતુઓનું બનેલું કાસ્થિ આવેલું હોય છે, દા. ત., સસ્તનોની કશેરુકા વચ્ચે આવેલ તકતી-સંધાન પાસે આ કાસ્થિ જોવા મળે છે.
(ગ) જ્યાં સ્થિતિસ્થાપકતાની જરૂર હોય ત્યાં સ્થિતિસ્થાપક કાસ્થિ જોવા મળે છે. આ પેશીના તંતુઓ સ્થિતિસ્થાપક હોય છે. કાનની બૂટ, સ્વરયંત્ર જેવા સ્થળે આ પેશી આવેલી હોય છે.
અસ્થિ (bone) : હાડકાં ચપટા કે પોલાણવાળા અસ્થિદંડનાં બનેલાં હોય છે. અસ્થિઓમાં આવેલ આંતરકોષીય દ્રવ્યમાં સખત અને અપારદર્શક એવા અને કૅલ્શિયમના ફૉસ્ફેટો કે કાર્બોનેટનાં બનેલા લવણો વિપુલ પ્રમાણમાં આવેલાં હોય છે. આંતરકોષીય દ્રવ્યો વચ્ચે સામાન્યપણે એકબીજાને સમાંતર અસ્થિકોષો (osteocytes) ગોઠવાયેલા હોય છે. અસ્થિકોષો અસ્થિસ્થાનો(lacunae)માં આવેલા હોય છે. કોષસ્થાનમાંથી વિવિધ દિશાએ નલિકાઓ પ્રસરેલી હોય છે. આ નલિકાઓ રુધિરવાહિની અને ચેતાકોષના સંપર્કમાં હોય છે. સસ્તનોમાં અસ્થિદંડમાં અનેક હૅવર્સિયન નલિકાઓ આવેલી હોય છે. પ્રત્યેક નલિકાના અંત:સ્થ ભાગમાં પોલાણ હોય છે. આ પોલાણની ફરતે સંકેન્દ્રિત મુદ્રિકા-સ્વરૂપે આંતરકોષીય દ્રવ્ય અને કોષોના હારની રચના થયેલી હોય છે. હૅવર્સિયન નલિકાની ફરતે આવેલ અસ્થિના એકમને હૅવર્સિયન તંત્ર અથવા ઑસ્ટિયૉન કહે છે. તંત્ર વચ્ચે અંતરાલીય તંત્ર (interstitial system) આવેલ છે.
પ્રવાહી સંયોજક પેશી : રુધિર અને લસિકા-સંયોજક પેશી પ્રવાહી રૂપે આવેલી હોય છે. રુધિરરસમાં ત્રણ પ્રકારના કોષો વહેતા હોય છે. માનવીમાં એક માઇક્રોલિટરદીઠ 40થી 60 લાખ લાલ કણો (red blood corpuscles), 5,000થી 10,000 શ્વેતકણો (white blood corpuscles) અને 150થી 5,000 રુધિરકણિકાઓ (blood platelets) હોય છે. સસ્તનોના લાલ કણો કોષકેન્દ્ર વગરના હોય છે. અંતરાલીય દ્રવ્ય તરીકે આવેલા રુધિરરસમાં આલ્બ્યુમિન અને ગ્લોબ્યુલિન જેવાં પ્રોટીન ઉપરાંત દ્રાવ્ય સ્વરૂપે ફાઇબ્રિનોજન નામે ઓળખાતા તંતુઓ આવેલા હોય છે. અભિસરણતંત્રના ભાગ તરીકે આવેલા રુધિરમાં પોષક અને ઉત્સર્ગદ્રવ્યો ભળે છે, જેનો યોગ્ય ઉપચાર કરવામાં આવે છે.
મુખ્યત્વે રુધિરના સ્રાવથી લસિકા-પેશી બને છે. જોકે રુધિરરસમાં આવેલા બૃહત કણો લસિકામાં હોતા નથી. લસિકાતંત્રમાં લસિકાકોષો (lymphocytes) નિર્માણ પામતા હોય છે. શરીરનાં વિવિધ અંગોમાંથી પસાર થતી વખતે રુધિરરસ અને શ્વેતકણો કેશવાહિનીમાંથી નીકળીને, રુધિરવાહિનીની બહાર આવે છે અને લસિકામાં ફેરવાય છે. શ્વેતકણો વિઘાતક ઘટકોનું ભક્ષણ કરી, શરીરને રક્ષણ આપે છે.
રા. ય. ગુપ્તે