પેશગી પ્રથા (imprest system) : મોટાં વ્યાપારી ગૃહોમાં થતા ગૌણ રોકડ ખર્ચને હિસાબી ચોપડામાં નોંધવા માટેની અત્યંત અનુકૂળ પ્રથા. આ પ્રથા અનુસાર અઠવાડિયું, પખવાડિયું કે મહિનો એવી કોઈ નિશ્ર્ચિત અવધિ દરમિયાન ધંધામાં થતા પરચૂરણ ખર્ચની ચુકવણી માટે પર્યાપ્ત ચોક્કસ રકમ મુખ્ય કૅશિયર દ્વારા નાયબ કૅશિયરને અગાઉથી આપવામાં આવે છે. નાયબ કૅશિયર ગૌણ રોકડમેળ (petty cashbook) નામનો હિસાબી મેળ રાખે છે. તે લીટીઓવાળાં ખાનાંવાર પત્રકના સ્વરૂપનો હોય છે. તેમાં ટપાલખર્ચ, વાહનખર્ચ, લેખનસામગ્રી-ખર્ચ, પ્રવાસખર્ચ, જાહેરખબર-ખર્ચ વગેરે ગૌણ ખર્ચનાં વિવિધ શીર્ષકો હેઠળનાં જરૂર મુજબનાં લીટીઓવાળાં ખાનાં દોરેલાં હોય છે. મુખ્ય કૅશિયર પાસેથી નક્કી કરેલી રકમ મળે ત્યારે નાયબ કૅશિયર તેને ગૌણ રોકડમેળની આવક બાજુ ઉપર નોંધે છે. ત્યારપછી તે કોઈ પ્રકારના ગૌણ ખર્ચની ચુકવણી કરે ત્યારે તે રકમને ગૌણ રોકડમેળની જાવક બાજુ તેમજ જે તે ખર્ચ અંગેના લીટીવાળા ખાનામાં નોંધે છે. નિશ્ર્ચિત કરેલી અવધિ પૂરી થાય ત્યારે નાયબ કૅશિયર ખર્ચેલી રકમના કુલ આંકડાની ગણતરી કરીને તેનો હેવાલ મુખ્ય કૅશિયરને આપે છે એટલે તે આંકડા પ્રમાણેની રકમ મુખ્ય કૅશિયર નાયબ કૅશિયરને ભરપાઈ કરે છે, પરિણામે નાયબ કૅશિયર પાસે અવધિની શરૂઆતમાં જે મૂળ રકમ હોય તેની તે રકમ અવધિ પૂરી થયે રહે છે. અવધિ દરમિયાન થયેલા વિવિધ ગૌણ ખર્ચ અંગે હેવાલમાં દર્શાવેલી રકમોની મુખ્ય ખાતાવહીમાં અલગ અલગ શીર્ષક હેઠળનાં ખર્ચ-ખાતાંઓમાં ખતવણી કરાય છે.
પેશગીપ્રથા મુજબનો ગૌણ રોકડમેળ રાખવાથી કેટલાક લાભ થાય છે. નાની નાની રકમોની ચુકવણી મુખ્ય રોકડમેળના બદલે ગૌણ રોકડમેળમાં નોંધવાથી વરિષ્ઠ અધિકારીનો કીમતી સમય બચે છે. ખરચેલાં નાણાં અંગેનાં વાઉચરની રકમ તથા હાથ ઉપરની સિલકનો સરવાળો હંમેશાં પેશગીની નિશ્ર્ચિત રકમ બરાબર થતો હોઈ મુખ્ય કૅશિયર ચુકવણીની ચોકસાઈ સહેલાઈથી કરી શકે છે. નાયબ કૅશિયર પાસે જરૂર પૂરતી જ રોકડ રકમ રહેતી હોવાથી નીચલી હરોળના અધિકારી પાસે બિનજરૂરી મોટી રોકડ રકમનો સંચય થતો નથી. વળી સમયાંતરે તેની પાસેથી હેવાલ મેળવવામાં આવતો હોવાથી છેતરપિંડીનું જોખમ ઘટાડી શકાય છે.
જયન્તિલાલ પો. જાની