પેલિયોજીન–નિયોજીન (Palaeogene-Neogene) : કૅનોઝૉઇક યુગના પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ કાળગાળા. આંતરરાષ્ટ્રીય ભૂસ્તરીય પરિષદ (International Geological Congress) દ્વારા કૅનોઝૉઇક યુગને બે ભાગમાં વહેંચી નાખવામાં આવેલો છે, જે પૈકીનો પેલિયોસીન, ઇયોસીન અને ઑલિગોસીન કાલખંડોનો સમાવેશ કરતો કાળગાળો પેલિયોજીન અને માયોસીન, પ્લાયોસીન, પ્લાયસ્ટોસીન અને અર્વાચીન કાલખંડોનો સમાવેશ કરતો કાળગાળો નિયોજીન તરીકે ઓળખાય છે. યુ.એસ.ના ભૂસ્તરશાસ્ત્રીઓ આ પર્યાયો વાપરવાની તરફેણ કરતા નથી, જોકે અનેક યુરોપીય અભ્યાસીઓ તેનો ઉપયોગ કરે છે.
એ જ રીતે ટર્શ્યરી કાળના માયોસીન અને પ્લાયોસીન કાલખંડોનો સમાવેશ કરતા ભૂસ્તરીય કાળને અગાઉ નિયોસીન (Neocene) તરીકે ઓળખવામાં આવતો હતો. હવે આ ત્રણેય પર્યાયો લગભગ કાલગ્રસ્ત ગણાય છે.
ગિરીશભાઈ પંડ્યા