પેરોન, જુઆન ડોમિન્ગો (જ. 8 ઑક્ટોબર 1895, બ્વેઇનૉસઆયરિસ, આર્જેન્ટિના; અ. 1 જુલાઈ 1974, બ્વેઇનૉસઆયરિસ) : વીસમી સદીના આર્જેન્ટિનાના મહત્વના રાજપુરુષ અને ભૂતપૂર્વ પ્રમુખ. પેરોનનો જન્મ મધ્યમવર્ગના કુટુંબમાં થયો હતો. 16 વર્ષની ઉંમરે તેઓ લશ્કરી તાલીમશાળામાં દાખલ થયા અને ક્રમશ: અધિકારી બન્યા. 1943માં લશ્કર દ્વારા થયેલ સત્તાપલટામાં તેમણે મહત્વનો ભાગ ભજવ્યો હતો. ત્યારથી તેમની રાજકીય કારકિર્દી શરૂ થઈ. તેમને શરૂઆતમાં શ્રમ અને સમાજકલ્યાણ ખાતાના મંત્રી નીમવામાં આવ્યા. ત્યારબાદ પ્રમુખ ફેરલે તેમને ઉપ-પ્રમુખ અને યુદ્ધ ખાતાના મંત્રી પણ નીમ્યા. તેથી આ લશ્કરના અધિકારીઓની સરકારમાં પેરોન સૌથી વધુ સત્તાધીશ બન્યા.
શ્રમમંત્રી તરીકે તેમણે કામદારોની તરફેણ કરી અને સમાજકલ્યાણના સુધારા કરીને લોકપ્રિયતા મેળવી. લશ્કરનો ટેકો પણ તેમને મળતો હતો. આ દરમિયાન દ્વિતીય વિશ્વયુદ્ધ (193945) ચાલુ હતું. પેરોને વિશ્વયુદ્ધમાં જર્મની અને જાપાનની તરફેણ કરી; પરંતુ માર્ચ, 1945માં આર્જેન્ટિનાની સરકારે જર્મની અને જાપાનની સામે યુદ્ધ જાહેર કરવાથી પેરોનને હોદ્દો છોડવો પડ્યો. તેમની ધરપકડ કરવામાં આવી; પરંતુ ઈવા દુઆર્તેની સક્રિય કામગીરી તથા કામદારોના વ્યાપક દેખાવોને લીધે તેમને ઑક્ટોબર, 1945માં મુક્ત કરવામાં આવ્યા.
ફેબ્રુઆરી, 1946માં ઈવા દુઆર્તે(તેમની બીજી વારની પત્ની)ની મદદથી પેરોન પ્રમુખ તરીકે ચૂંટાયા. પ્રમુખપદની પ્રથમ મુદત દરમિયાન તેમણે આર્જેન્ટિનાને રાજકીય, લશ્કરી તથા આર્થિક દૃષ્ટિએ આગેવાન દેશ બનાવવાના પ્રયાસો કર્યા. વિરોધીઓને કચડી નાખવા તેમણે વર્તમાનપત્રો પર અંકુશો મૂક્યા. ઉદ્યોગોનો વિકાસ કર્યો. કામદારોને આર્થિક અને સામાજિક લાભ થાય તે માટેનાં પગલાં ભર્યાં. દક્ષિણ અમેરિકામાં આર્જેન્ટિનાનું રાજકીય વર્ચસ્ તેમણે વધાર્યું. તેમણે રેલવે, રસ્તા વગેરેનું રાષ્ટ્રીયકરણ કર્યું. તેમણે બંધારણ દ્વારા મળેલ સ્વાતંત્ર્યો ઓછાં કર્યાં. 1951માં પેરોન ફરી વાર પ્રમુખપદે ચૂંટાયા. 1952માં તેમની પત્ની ઈવાનું અવસાન થયું. તે ઘણી લોકપ્રિય હતી. પેરોનના શાસનતંત્રને પણ તેના અવસાનથી ફટકો પડ્યો. સપ્ટેમ્બર, 1955માં લશ્કર તથા નૌકાદળનો બળવો થવાથી પેરોનને સત્તા છોડવી પડી. પેરોને સ્પેનમાં આશ્રય લઈને પોતાના ટેકેદારોને માર્ગદર્શન આપ્યું. તેમની પ્રવૃત્તિઓ ‘પેરોનિસ્ટા આંદોલન’ તરીકે લોકોમાં જાણીતી બની. આ દરમિયાન આર્જેન્ટિનામાં વિકટ આર્થિક સમસ્યાઓ પેદા થવાથી લોકોને પેરોનની ઉપયોગિતા સમજાઈ. 1973ની ચૂંટણીમાં પેરોન પ્રમુખપદે ચૂંટાયા. ત્યારે દેશમાં વિરોધો અને હિંસા પ્રવર્તતાં હતાં. આશરે 9 મહિના પ્રમુખપદ ભોગવીને પેરોન અવસાન પામ્યા.
નવનીત દવે