પેરોન ઈવા ડોમિન્ગો

January, 1999

પેરોન, ઈવા ડોમિન્ગો (. 7 મે 1919, લૉસ ટૉલ્ડોસ; . 26 જુલાઈ 1952, બ્વેઇનૉસઆયરિસ) : આર્જેન્ટિનાના પ્રમુખ જુઆન પેરોનનાં પત્ની તથા પ્રભાવશાળી મુત્સદ્દી. જન્મ ગરીબ કુટુંબમાં. જુઆન દુઆર્તે અને જુઆન ઇબારગ્યુરેનનાં પાંચ અનૌરસ સંતાનોમાંનાં તેઓ એક.

ઈવા ડોમિન્ગો પેરોન

15 વર્ષની વયે ફિલ્મ અદાકાર બનવાના સ્વપ્ન સાથે તેઓ બ્વેઇનૉસઆયરિસ ગયાં હતાં અને ‘એવિટા’ તરીકે જાણીતાં બનેલાં. 1944માં તેઓ પેરોનના સંપર્કમાં આવ્યાં અને 1945માં તેમની સાથે લગ્નગ્રંથિથી જોડાયાં. લગ્નપૂર્વે એક નિષ્ફળ રેડિયોકલાકાર અને નાટ્યઅદાકારની કારકિર્દી તેઓ ધરાવતાં હતાં. પોતાના પતિની રાજકીય ઝુંબેશમાં 1945માં ભાગ લઈને પોતાની સમજાવટભરી વાક્પટુતા દ્વારા તેમણે ભારે લોકચાહના પ્રાપ્ત કરી. ‘લૉસ દેસ્કામિસાડોસ’ (ખમીસવિહોણા) લોકોનાં તેઓ આરાધ્યદેવી બની રહ્યાં.

1946માં જુઆન ડોમિંગો પેરોન આર્જેન્ટિનાના પ્રમુખ તરીકે ચૂંટાતાં ઈવા બિનસત્તાવાર રીતે આરોગ્ય અને શ્રમમંત્રીનો હોદ્દો સંભાળવા લાગ્યાં. દેશની સ્ત્રીઓને મતાધિકાર પ્રાપ્ત કરાવવામાં તેમણે સક્રિય મદદ કરી. શૈક્ષણિક ક્ષેત્રે તેમણે અનેક સુધારાઓ કર્યા તથા ગરીબો માટે કલ્યાણ-કાર્યક્રમો પણ હાથ ધર્યા. આ બધાંને પરિણામે નિમ્ન વર્ગના લોકોમાં તેઓ વધુ લોકપ્રિય થયાં. શ્રમમંત્રી તરીકે તેમણે કામદારોના વેતનમાં ઉદારતાપૂર્વક વધારો કર્યો, જેને લીધે જુઆન પેરોનને રાજકીય ક્ષેત્રે આ વર્ગનો પ્રબળ ટેકો સાંપડ્યો. ઈવાએ પરંપરાગત ‘એઇડ સોસાયટી’ને આપવામાં આવતી સહાયની રકમમાં કાપ મૂક્યો. આના સ્થાને તેમણે એક નવો જ ‘એઇડ સોસાયટી’ કાર્યક્રમ અમલમાં મૂક્યો. આ સંસ્થાને કામદાર સંઘો અને વ્યાપારી પ્રતિષ્ઠાનોએ નાણાકીય મદદ પૂરી પાડી. આ સોસાયટીને પ્રાપ્ત ફાળામાંથી ઈવાએ દવાખાનાંઓ, શાળાઓ, અનાથાલયો તથા અન્ય સખાવતી સંસ્થાઓ શરૂ કરી. બીજી બાજુ, 1947 સુધીમાં તેમણે દેશનાં તમામ રેડિયો-મથકો અને મુખ્ય વર્તમાનપત્રો પર અંકુશો લાદ્યા અને ‘ટાઇમ’, ‘ન્યૂઝવીક’ તથા ‘લાઇફ’ જેવાં સામયિકો પર પ્રતિબંધ ફરમાવ્યો. 1949માં તેમણે ‘પેરોનિસ્ટા ફેમિનિસ્ટ’ પાર્ટીની સ્થાપના કરી. દેશની તમામ શાળાઓમાં તેમણે ફરજિયાત ધાર્મિક શિક્ષણની પ્રથા શરૂ કરાવી. 1951માં પોતાના પતિ પેરોન જુઆન ડોમિંગો સાથે ઉપપ્રમુખપદના હોદ્દા માટે તેઓ ઉમેદવારી કરવાનાં હતાં, પરંતુ તેઓ પેરોનનાં ઉત્તરાધિકારી બનશે એવી દહેશતને લીધે લશ્કરે તેમની ઉમેદવારીનો વિરોધ કર્યો. પરિણામે તેમણે ઉમેદવારી પાછી ખેંચી લીધી.

ઈવાને તેમના ટેકેદારોએ ‘સંત’ની ઉપાધિથી નવાજવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો તો તેમના વિરોધીએ 1952માં મૃત્યુ બાદ તેમના મૃતદેહની ચોરી કરીને 16 વર્ષ સુધી વિદેશમાં ગુપ્તવાસમાં રાખ્યો. 1976માં તેમના અવશેષો સ્વદેશ પાછા લાવવામાં આવ્યા. તેમના જીવન પર આધારિત ‘એવિટા’ નામક સંગીતપ્રધાન નાટક (1979) ખૂબ લોકપ્રિય બન્યું હતું.

નવનીત દવે