પેરુ : દક્ષિણ અમેરિકા ખંડના પશ્ચિમ ભાગમાં પૅસિફિક મહાસાગર કિનારે આવેલો સ્વતંત્ર પ્રજાસત્તાક દેશ. વિસ્તારની દૃષ્ટિએ દક્ષિણ અમેરિકામાં તે બ્રાઝિલ અને આર્જેન્ટિના પછી ત્રીજા ક્રમે આવે છે. 0oથી 18o 20′ દ. અ. અને 68o 35’થી 81o 20′ પ. રે. વચ્ચેનો 12,85,216 ચોકિમી. જેટલો કુલ ભૌગોલિક વિસ્તાર તે આવરી લે છે. તેની ઉત્તર-દક્ષિણ લંબાઈ 1,981 કિમી. તથા પૂર્વ-પશ્ચિમ પહોળાઈ 1,408 કિમી. છે. તેની ઉત્તરે ઇક્વેડૉર અને કોલંબિયા, ઈશાનમાં કોલંબિયા, પૂર્વ તરફ બ્રાઝિલ અને બોલિવિયા, દક્ષિણે ચિલી તથા પશ્ચિમ તરફ પૅસિફિક મહાસાગર આવેલા છે. આ દેશને પૅસિફિક મહાસાગરનો 2,330 કિમી. લાંબો કિનારો મળેલો છે.

ભૂપૃષ્ઠ : ભૂપૃષ્ઠરચનાના સંદર્ભમાં દેશના ત્રણ કુદરતી વિભાગો પાડવામાં આવેલા છે, જે કિનારાને સમાંતર છે : (1) કિનારાનો પ્રદેશ, (2) પેરુવિયન એન્ડીઝનો ઉચ્ચપ્રદેશીય વિભાગ, (3) સેલ્વા (મૉન્ટાના). પેરુમાં અવારનવાર ભૂકંપ થયા કરતા હોય છે, જે પૈકીના ઘણાખરા મધ્યના ઊંચાણવાળા વિભાગમાં થાય છે, પરંતુ તેની અસરો છેક કિનારા સુધી પહોંચે છે. 1970માં ઉત્તર તરફના ઉચ્ચપ્રદેશીય વિસ્તારમાં થયેલા ભયંકર ભૂકંપથી લગભગ 66,000 માણસો મરણ પામ્યા હતા.

દક્ષિણ અમેરિકામાં પેરુનું ભૌગોલિક સ્થાન

1. કિનારાનો પ્રદેશ : પૅસિફિક મહાસાગરના કિનારાથી શરૂ કરીને મધ્યમાં આવેલા પેરુવિયન ઍન્ડિઝના ઉચ્ચપ્રદેશની વચ્ચે આવેલો લાંબો, સાંકડો ભૂમિભાગ કિનારાના નીચાણવાળા પ્રદેશ તરીકે ઓળખાય છે. આ પ્રદેશમાં પેરુવિયન ઍન્ડિઝની પશ્ચિમતરફી તળેટી-ટેકરીઓનો પણ સમાવેશ થઈ જાય છે. તે દેશના કુલ વિસ્તારના 10% જેટલો ભાગ આવરી લે છે. દેશની કુલ વસ્તીના 40% જેટલા લોકો અહીં વસે છે. આ પ્રદેશની ઊંચાઈ સમુદ્રસપાટીથી 1,525 મીટર કરતાં નીચી છે. પાટનગર લીમા સહિત દેશનાં મોટાં ગણાતાં ઘણાંખરાં શહેરો, સહકારી ખેતરો તેમજ કારખાનાં કિનારા નજીક આવેલાં છે. અહીં સરેરાશ તાપમાન 180 સે. રહે છે તથા સરેરાશ વાર્ષિક વરસાદ માત્ર 41 મિમી. જેટલો જ પડે છે. કિનારાથી અંદરનો લગભગ બધો જ ભાગ અસમતળ છે, રણના જેવો સૂકો અને ઠંડો રહે છે. પર્વતોમાંથી નીકળતી લગભગ 50 જેટલી નદીઓ આ કિનારાપટ્ટીમાંથી પસાર થતી હોવાથી આ પ્રદેશ માટે આશીર્વાદરૂપ બની રહેલી છે. તે અહીંનાં ખેતરોને સિંચાઈની તેમજ શહેરો અને નગરોને પીવાના પાણીની સગવડ પૂરી પાડે છે.

2. મધ્યનો ઉચ્ચપ્રદેશીય વિભાગ : ઉત્તરમાં ઇક્વેડૉરની સરહદથી છેક અગ્નિકોણ સુધીની સમગ્ર લંબાઈમાં પથરાયેલો મધ્યનો આ ઊંચાણવાળો પ્રદેશ દેશના કુલ વિસ્તારના 27% જેટલા ભાગને આવરી લે છે. અહીં દેશની 50% જેટલી વસ્તી કેન્દ્રિત થયેલી છે. તેમાં આદિ જાતિના લોકોનું પ્રમાણ વિશેષ છે. આ વિભાગ આશરે 2,000 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા એન્ડીઝ પર્વતોથી બનેલો છે. ઊંચાં શિખરો, ઉચ્ચ સપાટ પ્રદેશો અને પહોળી ખીણો અહીં જોવા મળે છે. શિખરો પર બારે માસ બરફ છવાયેલો રહે છે, કેટલાકમાંથી તો હિમનદીઓ પણ નીકળે છે. શિખરોમાં ઓછામાં ઓછી ઊંચાઈ 3,050 મીટરની છે અને વધુમાં વધુ 6,768 મીટરની ઊંચાઈ ધરાવતું હુઆસ્કરન (Huascaran) શિખર આ વિભાગમાં છે. આ શિખર વાસ્તવમાં તો મૃત જ્વાળામુખી છે. આ ઉપરાંત વધુ ઊંચાઈવાળાં બીજાં બે શિખરો ફુજકો નજીકનું ઔઝાન્ગેટ (6,384 મી.) અને આરાક્વિપા નજીકનું કોરોપુના (6,425 મી.) પણ આ વિભાગમાં જ આવેલાં છે.

અહીંના હવામાનમાં ખૂબ જ વિવિધતા જોવા મળે છે. સરેરાશ તાપમાન 16o સે. જેટલું તથા સરેરાશ વાર્ષિક વરસાદ 810 મિમી. જેટલો પડે છે. આ પ્રદેશમાં બહુ જ ઓછાં વૃક્ષો ઊગે છે, પરંતુ ખીણોમાં ઘાસનું પ્રમાણ વિશેષ છે. અહીંના ઇન્ડિયનો તેમનાં લામા, ઘેટાં તથા અન્ય ઢોરઢાંખર ચરાવવા માટે આ ઘાસને ઉપયોગમાં લે છે. આ વિભાગની છેક દક્ષિણે ટિટિકાકા નામનું વિશાળ સરોવર આવેલું છે, તેનો થોડોક ભાગ બોલિવિયાની સરહદમાં પણ છે, પરંતુ પેરુમાં તે 4,957 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. દુનિયાભરમાં આ જ માત્ર એક એવું મોટું સરોવર છે, જે સમુદ્રસપાટીથી 3,812 મી. જેટલી ઊંચાઈ પર આવેલું હોય ! તે નૌકાસફરની સુવિધા પણ ધરાવે છે. તેના કિનારા પર આયમાકા ઇન્ડિયનોની ગીચ વસ્તી છે.

3. સેલ્વા(મૉન્ટાના) પ્રદેશ : આ પ્રદેશના બે પેટાવિભાગો પડે છે : એન્ડીઝની પૂર્વતરફી તળેટી-ટેકરીઓનો વિભાગ ઉચ્ચ સેલ્વા પ્રદેશ કહેવાય છે. તે લીલાંછમ જંગલોથી આચ્છાદિત રહે છે. અહીંથી વધુ પૂર્વ તરફનો નીચાણવાળો સેલ્વા પ્રદેશ મેદાનોથી બનેલો છે, તે ગીચ વરસાદી જંગલોથી છવાયેલો રહે છે. ઍમેઝોન નદી આ વિસ્તારમાંથી જ પસાર થાય છે. સેલ્વા પ્રદેશ દેશના કુલ વિસ્તારના 56% જેટલો ભાગ આવરી લે છે. દેશની વસ્તીનો લગભગ 10 % જેટલો ભાગ અહીં વસે છે. આદિ જાતિના લોકોનું પ્રમાણ તેમાં મોટું છે. અહીંનું સરેરાશ વાર્ષિક તાપમાન 250 સે. જેટલું અને સરેરાશ વાર્ષિક વરસાદનું પ્રમાણ 2,540 મિમી.થી વધુ રહે છે.

આબોહવા : પેરુનો સમગ્ર વિસ્તાર અયનવૃત્તીય હોવા છતાં કિનારા નજીકથી વહેતો પેરુનો ઠંડો પ્રવાહ આબોહવાને નરમ બનાવી દે છે. અહીં નવેમ્બરથી એપ્રિલના ઉનાળાના ગાળા દરમિયાન કિનારાના પ્રદેશનું તાપમાન 23o સે. તથા મેથી ઑક્ટોબરના શિયાળાના ગાળા દરમિયાનનું તાપમાન 16o સે. જેટલું રહે છે. ઉચ્ચપ્રદેશીય વિભાગનું તાપમાન નીચું રહે છે. વધુ ઊંચાં સ્થાનો પર તાપમાન શૂન્ય અંશ જેટલું રહે છે. શિખરો બારે માસ હિમાચ્છાદિત રહે છે. 3,000 મી.થી ઓછી ઊંચાઈએ ઝાકળની સ્થિતિ ઉદભવતી નથી, પરંતુ એન્ડીઝથી પૂર્વતરફી સેલ્વાના પ્રદેશમાં આખું વર્ષ તાપમાન પ્રમાણમાં ઊંચું (27o સે.) રહે છે.

કિનારાથી સેલ્વા તરફ જતાં સ્થાનભેદે વર્ષા અને હિમવર્ષાનું પ્રમાણ જુદું જુદું રહે છે. કિનારા નજીકની હવા ઠંડી બનતી હોવાથી પવનો ભેજવાળા હોતા નથી; પૂર્વ તરફથી વાતા ભેજવાળા પવનો એન્ડીઝ  પરથી પસાર થતાં માર્ગમાં જ વરસાદ નાખી દે છે, તેથી કિનારા સુધી પહોંચતાં અગાઉ જ પવનો ભેજરહિત થઈ જાય છે. આ કારણોથી કિનારાના પ્રદેશ ભાગ્યે જ વાર્ષિક 50 મિમી.થી વધુ વરસાદ મેળવે છે. પશ્ચિમનો ઊંચાણવાળો પ્રદેશ વર્ષમાં 250 મિમી. જેટલો વરસાદ મેળવે છે. પૂર્વતરફી ઊંચાણવાળો પ્રદેશ અને સેલ્વા નવેમ્બરથી એપ્રિલના અંત સુધીની વર્ષાઋતુની મોસમમાં 1,000થી 2,000 મિમી. જેટલો વરસાદ મેળવે છે, જ્યારે સેલ્વાનાં વધુ ઊંચાઈવાળાં સ્થળો પર 4,000 મિમી. વરસાદ પડી જાય છે. મેથી ઑક્ટોબરની ઋતુ સૂકી રહે છે.

અર્થતંત્ર : પેરુની ગણના દક્ષિણ અમેરિકાના ગરીબ દેશોમાં થાય છે. દેશના મોટા ભાગના લોકો જમીનના નાના નાના ટુકડાઓ પર નિભાવ પૂરતી ખેતી કરી આજીવિકા મેળવે છે; જોકે દેશના કેટલાક ભાગોમાં સહકારી ધોરણે પણ ખેતી થાય છે. દેશની કૃષિ-પેદાશોમાં કેળાં, કૉફી, કપાસ, બટાટા, શેરડી, મકાઈ, વાલ અને ડાંગરનો સમાવેશ થાય છે.

પેરુની પ્રલંબ એન્ડીઝ પર્વતમાળાઓ

ઔદ્યોગિક ઉત્પાદન-ક્ષેત્રે નાના પાયાના ઉત્પાદન-એકમો તથા હસ્તકારીગરીનું પ્રમાણ વધારે છે. પેરુ દુનિયાનો અગ્રણી મત્સ્યઉદ્યોગ ધરાવતો દેશ હોવાથી ટિનના ડબ્બાઓમાં મત્સ્ય-પ્રક્રમણથી પૅક કરેલા વિવિધ ખાદ્ય પદાર્થોના ઉદ્યોગનો અહીં નોંધપાત્ર વિકાસ થયો છે. આ ઉપરાંત બીજા વિશ્વયુદ્ધ (1939-45) પછીના ગાળામાં અહીં ખાંડ, કાપડ, ધાતુની બનાવટો અને ખાદ્ય-પ્રક્રમણના ઔદ્યોગિક એકમો પણ વિકસ્યા છે. દેશની ખનિજસંપત્તિમાં તાંબું, ચાંદી, સીસું, જસત અને સોનાનાં ખનિજો તથા ખનિજતેલનો સમાવેશ થાય છે. કિનારા નજીકના 40 જેટલા ટાપુઓ પરથી નાઇટ્રેટ અને ફૉસ્ફેટ-ધારક ગ્વાનો-નિક્ષેપો (પક્ષીઓની હગાર) પણ મળે છે, જે ખાતર બનાવવાના ઉપયોગમાં લેવાય છે.

દેશની નિકાસોમાં માછલીઓની ખાદ્ય પેદાશો, ખનિજપેદાશો, કપાસ, કૉફી અને ખાંડનો સમાવેશ થાય છે; જ્યારે આયાતોમાં યંત્રો, ઔદ્યોગિક ચીજ-વસ્તુઓ, દૂધની બનાવટો, માંસ, ઘઉં તથા વાહનો મુખ્ય છે. એક જમાનામાં દેશનો મોટાભાગનો વિદેશવ્યાપાર યુ.એસ. સાથે હતો, પરંતુ છેલ્લા 4-5 દાયકામાં તેની આયાત-નિકાસનો વેપાર દક્ષિણ અમેરિકાના અન્ય દેશો તેમજ જાપાન તથા યુરોપના ઘણા દેશો સાથે વધ્યો છે.

પરિવહન : દેશનો ઉત્તર-દક્ષિણ વિસ્તરેલો સમગ્ર મધ્ય ભાગ એન્ડીઝ પર્વતમાળાથી અવરોધાયેલો હોવાથી વાહનવ્યવહારની બાબતમાં આ દેશમાં કોઈ ખાસ પ્રગતિ થઈ શકી નથી. મોટા ભાગના રસ્તા કાચા અને ખરબચડા છે. 2,752 કિમી. લંબાઈનો કિનારા નજીકનો પેરુમાંથી પસાર થતો પાન-અમેરિકન રાષ્ટ્રીય માર્ગ પાકો માર્ગ છે. પાકા માર્ગોની કુલ લંબાઈ 78,986 કિમી. છે. કિનારા પરથી પસાર થતી તેની એક શાખા અગ્નિકોણ તરફ બોલિવિયામાં જાય છે. આ ઉપરાંત તેમાંથી ઘણા શાખામાર્ગો પૂર્વ તરફના ઊંચાણવાળા ભાગોમાં તેમજ કેટલાક સેલ્વામાં પણ જાય છે. આજે પ્રત્યેક 50 વ્યક્તિએ એક મોટરવાહન છે. મધ્યસ્થ રેલમાર્ગને બૃહત લીમામાંથી ખાણ-વિસ્તારો માટે તેમજ ધાતુખનિજોના શુદ્ધીકરણનાં કારખાનાંઓ તરફ વિસ્તારવામાં આવ્યો છે. અહીંનો રેલમાર્ગ દુનિયાના કોઈ પણ ભાગ કરતાં વધુ ઊંચાઈ સુધી (4,829 મી.) જાય છે.  રેલમાર્ગોની કુલ લંબાઈ 2,121 કિમી. છે. દક્ષિણનો રેલમાર્ગ મોલેન્ડો બંદરને આરાક્વિપા તેમજ દક્ષિણના ઉચ્ચપ્રદેશીય શહેરો, નગરોને જોડે છે. પેરુમાં બે હવાઈ સેવાઓ ઉપલબ્ધ છે, જેમના હવાઈ માર્ગો લીમા સાથે, અન્ય શહેરો સાથે તેમજ દક્ષિણ અમેરિકાનાં અન્ય મહત્વનાં સ્થળો સાથે જોડાયેલાં હોવાથી ઘણી સુવિધા મળી રહે છે. અહીંનું આંતરરાષ્ટ્રીય હવાઈ મથક લીમા ખાતે આવેલ છે. તેનું નામ જ્યૉર્જચાનેઝ છે. પેરુમાં કુદરતી બારાં બહુ જ ઓછાં છે. જે કેટલાંક છે તેમને અગત્યનાં દરિયાઈ બંદરો તરીકે વિકસાવવામાં આવ્યાં છે; આ પૈકીનું કેલાઓ બંદર મુખ્ય આંતરરાષ્ટ્રીય બંદરની સેવાઓ પૂરી પાડે છે.

સંદેશાવ્યવહાર : પેરુના પાટનગર લીમામાંથી સાત જેટલાં અને અન્ય કેટલાંક શહેરોમાંથી એક એક દૈનિક પત્ર બહાર પડે છે. મોટા ભાગનાં આ પત્રો ખાનગી ક્ષેત્રને હસ્તક છે. પેરુમાં રેડિયો-પ્રસારણ-સેવા અગત્યની બની રહેલી છે. રેડિયો-પ્રસારણ સ્પૅનિશ અને ક્વેચુઆ-બે ભાષાઓમાં થાય છે. પ્રત્યેક દસે  એક વ્યક્તિ ટીવી સેટ ધરાવે છે, બાકીના જાહેર ટીવીનો ઉપયોગ કરે છે. સ્થાનિક તેમજ પરદેશી ક્રાર્યક્રમોનું પ્રસારણ સ્પૅનિશ ભાષામાં થાય છે. કેટલાંક રેડિયો અને ટીવીમથકો સરકારને હસ્તક તો કેટલાંક ખાનગી ક્ષેત્રહસ્તક પણ છે. ટપાલસેવા સરકારને હસ્તક છે.

વસ્તી : દેશની કુલ વસ્તી 2022 મુજબ અંદાજે 3,22,75,736 જેટલી હતી;  અહીંની કુલ વસ્તીમાં 50% વસ્તી મૂળ આદિવાસી પ્રજાની છે, જે અમેરિકા ખંડમાં વસતી કુલ આદિવાસી પ્રજાના 20% જેટલી થાય છે. કુલ વસ્તીના 70% શહેરી વિસ્તારોમાં અને 30% ગ્રામ-વિસ્તારોમાં રહે છે.  સાક્ષરતાનું પ્રમાણ 75% જેટલું છે, જે શહેરોમાં જ રહે છે. મોટા ભાગની નિરક્ષર પ્રજા ગ્રામીણ વિસ્તારોમાં રહે છે.

લીમા દેશનું પાટનગર અને મોટામાં મોટું (વસ્તી : 2024 મુજબ અંદાજે 77.37 લાખ) શહેર છે. તે અતિ આધુનિક અને વ્યસ્ત શહેર છે. કેલાઓ (વસ્તી : 2024 મુજબ અંદાજે 8,13,264) તેનું જોડિયું શહેર હોઈ લીમા ‘બૃહદ્ લીમા’ બની રહે છે. લીમા પછીના ક્રમે આવતાં પેરુનાં અગત્યનાં શહેરો આ પ્રમાણે છે : આરાક્વિપા, ટ્રુજિલો, ચિકલાયો, પીઉરા, ચિમ્બોટ, કુજકો, ઇક્વિટોસ, હુઆનકાપો, સુલ્લાના, પુકાલ્પા , ઇકા, ટાકના અને જુલિયાકા.

આનુવંશિકતા (ancestry) : 16મી સદીની શરૂઆતના ગાળામાં સ્પેનવાસીઓએ પેરુ પર કબજો જમાવી દીધા પછી કેટલાક સ્પેનવાસીઓએ અહીંના ઇન્ડિયનો જોડે લગ્ન કરેલાં. તેમની મિશ્ર પ્રજા મેસ્ટિઝો કહેવાઈ. આજના અંદાજ મુજબ આશરે 43% પેરુવાસીઓ મેસ્ટિઝો છે. આશરે 46% ઇન્ડિયનો છે. શુદ્ધ શ્વેત પ્રજા 10% જેટલી છે, જ્યારે કાળાઓ અને ઓરિયેન્ટલ પ્રજા માત્ર 1% જેટલી છે.

પેરુમાં ઍમેઝોન નદીના કોતર-પ્રદેશમાં પાણી પર તાડપત્રોનાં મકાનોના રૂપમાં વસેલાં ગામડાં

ધર્મ : દેશની કુલ વસ્તીના 95% લોકો રોમન કૅથલિક ધર્મ પાળે છે, બાકીના 5%માં સુધારાવાદી ખ્રિસ્તીઓ, યહૂદીઓ અને બૌદ્ધ ધર્મના અનુયાયીઓનો સમાવેશ થાય છે.

ભાષા : પેરુ સ્પેનના કબજામાં આવ્યા બાદ વિશેષ બોલાતી અહીંની એકમાત્ર સત્તાવાર ભાષા સ્પૅનિશ રહી છે. 1975માં પેરુની સરકારે ઇન્કા જાતિના લોકોની મૂળ ભાષા ક્વેચુઆને પણ સ્પૅનિશની સમકક્ષ સત્તાવાર ભાષા તરીકે સ્થાન આપ્યું છે. દેશના 75%થી 80% લોકો સ્પૅનિશ ભાષાનો જ ઉપયોગ કરે છે. બાકીના ક્વેચુઆ, આયમાકા કે અન્ય ભાષા બોલે છે. મોટા ભાગના પેરુવાસીઓ સ્પૅનિશ ઉપરાંત કોઈ ને કોઈ એક અન્ય ભાષા જાણે છે.

શિક્ષણ-સંસ્કૃતિ : દેશના કાયદા મુજબ 6થી 15 વચ્ચેની વયનાં બાળકો માટે શિક્ષણ ફરજિયાત છે; પરંતુ શાળાઓ અને શિક્ષકોની અછતને કારણે તેમજ મોટા ભાગના નિરક્ષરો ગ્રામ-વિસ્તારોમાં રહેતા હોવાથી ઉપરના કાયદાનો અમલ થઈ શકતો નથી. દેશભરમાં કુલ 30 યુનિવર્સિટીઓ છે, જેમાં 1551માં સ્થપાયેલ લીમા ખાતેની સૅન માર્કોન્ડ યુનિવર્સિટી દક્ષિણ અમેરિકાની જૂનામાં જૂની અને જાણીતી યુનિવર્સિટી છે.

દેશના લોકો સંગીત અને નૃત્યના ખૂબ શોખીન છે. લીમા ખાતે પચાસ હજાર બેઠકોની ક્ષમતાવાળું વિશાળ રમતગમતનું મેદાન આવેલું છે. આ દેશમાં ફૂટબૉલની રમત ખૂબ જ લોકપ્રિય છે.

ઇતિહાસ : વિદ્વાનોના મંતવ્ય મુજબ 12,000 વર્ષ પૂર્વે ઉત્તર અમેરિકાથી હાલના પેરુના પ્રદેશમાં આવી કાયમી વસવાટ કરનાર આદિજાતિના લોકો હતા. આ લોકોએ ત્યાં દુનિયામાં સૌથી પહેલી વાર બટાકાની ખેતી શરૂ કરેલી. ચૅવિન (Chavin) આદિજાતિના લોકોએ અહીં સંસ્કૃતિનો પ્રારંભ કર્યો, આ સંસ્કૃતિ આશરે ઈ. સ. પૂ. 900માં ટોચ પર પહોંચી ગઈ હતી. ત્યારપછીના ગાળામાં અન્ય આદિજાતિના લોકોએ પોતપોતાની અલગ સંસ્કૃતિઓ સ્થાપી. ચિમુ આદિજાતિના લોકોએ આશરે 1000ની સાલમાં ચાનચાન (Chanchan) નામનું વિશાળ શહેર વસાવ્યું, જેના અવશેષો હાલના ટ્રુજિલો નગરની બાજુમાં આજે પણ જોવા મળે છે. ઈ. સ. 1200ના અરસામાં ઇન્કા આદિજાતિના લોકોએ દક્ષિણ તરફના પ્રદેશમાં પોતાના અલગ રાજ્યની સ્થાપના કરી હતી, જેનો ત્યારપછીથી ઉત્તર દિશામાં ખૂબ વિસ્તાર કરવામાં આવેલો.

16મી સદીના બીજા દાયકામાં સ્પૅનિશ સાગરખેડુ ફ્રાન્સિસ્કો પિઝારોએ દક્ષિણ અમેરિકાના પશ્ચિમ તરફના દરિયાકિનારાનું અન્વેષણ કર્યું. 1527માં તે તેના થોડાક સાથીદારો સહિત પેરુના ઉત્તર કિનારા પરના ટુમ્બસ નગરમાં દાખલ થયો. 1532માં અહીંના ઇન્કા સામ્રાજ્ય પર સ્પૅનિશ લોકોએ કબજો જમાવી દીધો. 1535માં પિઝારોએ લીમા નગરની સ્થાપના કરી, 1544માં તેને પાટનગરનો દરજ્જો આપવામાં આવ્યો. સમયાંતરે આ નગર દક્ષિણ અમેરિકાનું મહત્વનું આર્થિક અને સાંસ્કૃતિક કેન્દ્ર બન્યું. 1781-82માં ત્યાંની સ્થાનિક પ્રજાએ આ વિદેશી શાસન સામે બળવો કર્યો, પરંતુ તે દબાવી દેવામાં આવ્યો. ત્યારપછી તો સ્વાધીનતાની ચળવળનો દોર વિદેશીઓના હાથમાં ગયો. જુલાઈ, 1821માં આર્જેન્ટિનાના ક્રાંતિકારી લશ્કરી વડા જોઝ દ સૅન માર્ટિન પોતાના સૈનિકો સાથે લીમામાં દાખલ થયા અને જુલાઈની આખરમાં તેમણે પેરુની સ્વતંત્રતાની ઘોષણા કરી. 1824 સુધીમાં સ્પેનના બાકી રહેલા લશ્કરનો સંપૂર્ણ પરાજય થયો. ત્યારબાદ 1845 સુધી લશ્કરના સેનાપતિઓ વચ્ચે સત્તા માટે સંઘર્ષ થતા રહ્યા. છેવટે આ આંતરવિગ્રહને અંતે રેમન કૅસ્ટિલા દેશના પ્રમુખ બન્યા, જેમના બે અલગ અલગ શાસનકાળ દરમિયાન ઘણા આર્થિક અને રાજકીય સુધારાવધારા દાખલ કરવામાં આવ્યા. 1866માં સ્પેને પેરુ પર આક્રમણ કર્યું, જે પરાસ્ત કરવામાં આવ્યું. 1879માં સ્પેન અને પેરુ વચ્ચે શાંતિનો કરાર કરવામાં આવ્યો. તે મુજબ સ્પેને પેરુની સ્વાધીનતાને માન્યતા આપી. તે પૂર્વે 1872માં પેરુમાં મૅન્યુઅલ પાર્દોના નેતૃત્વ હેઠળ મુલકી સત્તાનો ઉદય થયો હતો. 1879-83 દરમિયાન પેરુ અને ચિલી વચ્ચે યુદ્ધ થયું, જે પેરુ માટે રાજકીય અને આર્થિક રીતે આત્મઘાતક સાબિત થયું. 1908-12 દરમિયાન અને ફરી 1919-30 દરમિયાન ઑગસ્ટો બર્નાર્ડિનો દેશના પ્રમુખ રહ્યા, જેમણે દેશ પર સરમુખત્યારશાહી લાદી હતી. 1945માં યોજાયેલ ચૂંટણીમાં વિદ્યાર્થીઓએ રચેલ સુધારણાવાદી ‘આપ્રા’ (APRA, સ્થાપના : 1924) પક્ષના નેતા જોઝ લુઈ રિવેરો પ્રમુખ ચૂંટાયા, પરંતુ ટૂંક સમયમાં લશ્કરી બળવાએ તેમને પદભ્રષ્ટ કર્યા. ત્યારપછી 1980 સુધી પેરુમાં લશ્કરી શાસન રહેલું. દરમિયાન 1979માં નવું બંધારણ પસાર કરવામાં આવ્યું. 1980માં દેશમાં ફરી મુલકી શાસન દાખલ થયું. તે વર્ષે યોજાયેલ ચૂંટણીમાં સામ્યવાદીઓના ટેકાથી પૉપ્યુલર ઍક્શન પાર્ટીના ઉમેદવાર ફર્નાન્દે બેલાન્ડે ટેરી પ્રમુખ ચૂંટાયા; પરંતુ તરત જ તેમને ઉથલાવવા માટેના પ્રયાસો શરૂ થઈ ગયા, જેનું નેતૃત્વ ‘શાઇનિંગ પાથ’ નામના ડાબેરી જૂથના હાથમાં હતું. આ જૂથે ગેરીલા પદ્ધતિનો આધાર લીધો. 1980-85 દરમિયાન સરકારી પક્ષ અને ગેરીલા સૈનિકો વચ્ચે હિંસક બનાવો બનતા રહ્યા. 1985માં આપ્રા પક્ષના નેતા ઍૅલન ગાર્સિયા પેરેઝ પ્રમુખ ચૂંટાયા. 1987માં તેમની સરકારે બૅંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું. 1990માં આ પક્ષના ઉમેદવાર આલ્બર્ટો ફુજિમોરી પ્રમુખ ચૂંટાયા. આમ બીજા વિશ્વયુદ્ધ પછીના ગાળામાં પણ દેશમાં રાજકીય અસ્થિરતા અને આર્થિક સંકટ ચાલુ જ રહ્યાં હતાં. પરિણામે પેરુનું વિદેશી દેવું આસમાને ચઢતું ગયું. સાથોસાથ અર્થતંત્રમાં ફુગાવાનાં વલણો પણ વધુ તીવ્ર થયાં. અત્યારે દેશની આર્થિક સમતુલા જાળવી રાખવાના પ્રયાસો ચાલુ છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે