પેરિસ્કોપ : સામાન્ય રીતે નિરીક્ષણ કરનાર વ્યક્તિ(નિરીક્ષણકર્તા)ને તેના સ્થાનેથી કોઈ દૃશ્ય જોવા મળતું ન હોય અથવા દૃશ્ય જોવું જોખમી હોય ત્યારે ઉપયોગમાં લેવામાં આવતું પ્રકાશીય સાધન. આ એક એવું સાધન છે જેની મદદથી સ્થાનાંતરિત તેમજ માર્ગપરિવર્તિત નવી નિરીક્ષણ-અક્ષમાં દૃશ્ય નિહાળી શકાય છે. આ માટે તેમાં અરીસાઓ (mirrors) તેમજ ત્રિપાર્શ્વ કાચ(prisms)નો ઉપયોગ કરવામાં આવે છે. પેરિસ્કોપના આવદૃશ્યકતા અનુસાર અનેક પ્રકારો છે. રણગાડીઓ-(tanks)માં વપરાતું પેરિસ્કોપ એકમ મોટવણી (unit magnification) ધરાવતું હોય છે. વળી સબમરીનમાં વપરાતું પેરિસ્કોપ અનેક ઘટકોવાળું હોય છે.
ટૅન્કમાં વપરાતું પેરિસ્કોપ આકૃતિ 1માં દર્શાવેલ છે. આ પેરિસ્કોપની મદદથી રણગાડીનો ચાલક યુદ્ધના મેદાનમાં થતા ગોળીબારો તેમજ તોપમારા વચ્ચે રણગાડીની બખતરિયા ઢાલ હેઠળ રહીને, આજુબાજુનું દૃશ્ય નિહાળી શકે છે. આ સાદા પેરિસ્કોપમાં બે ત્રિપાર્શ્વકાચ(અથવા બે અરીસાઓ)ની પરાવર્તક સપાટીઓ એવી રીતે ગોઠવવામાં આવે છે કે જેથી સાધનમાં પ્રકાશનાં કિરણોનો પથ અંગ્રેજી અક્ષર ‘ઝેડ’(Z)નો આકાર રચતો હોય. આ પ્રકારનું પેરિસ્કોપ એક કરતાં વધારે મોટવણી (magnification) ધરાવતું નથી, પરંતુ એક કરતાં વધારે મોટવણી પ્રાપ્ત કરવા માટે આકૃતિ 2 મુજબના ટેલિસ્કોપનો ઉપયોગ કરવો જરૂરી બને છે.
સબમરીનમાં વપરાતા પેરિસ્કોપમાં એવું ટેલિસ્કોપ વાપરવું જરૂરી છે કે, જે વિશાળ દૃશ્યક્ષેત્ર (field of vision) ધરાવતું હોય તેમજ સમગ્ર દૃશ્ય એકસમાન રીતે પ્રકાશિત કરી શકતું હોય. તેને એક લાંબી સાંકડી નળીમાં ગોઠવવામાં આવે છે, જેમાં નળીની લંબાઈ તથા વ્યાસનો ગુણોત્તર 50 અથવા તેનાથી વધારે હોય છે. આ પ્રકારની રચનામાં અનેક દક્કાચ યોગ્ય અંતરે નળીમાં ગોઠવવામાં આવ્યા હોય છે, જેથી દૃશ્યક્ષેત્રના ખૂણા પાસેથી આવતા પ્રકાશનાં કિરણોને દૃક્કાચ દ્વારા નળીની અંદર જ સીમિત રાખી શકાય છે. સામાન્ય રીતે જેટલા વધારે ક્કાચ (lenses) ઉપયોગમાં લેવાય તેટલું વ્યાપક દૃશ્યક્ષેત્ર વિસ્તરે છે.
આકૃતિ 3માં સબમરીનમાં વપરાતું પેરિસ્કોપ દર્શાવેલ છે, જેની મોટવણી સામાન્ય રીતે 6 જેટલી હોય છે. આ પેરિસ્કોપ સાથે હથિયાર(ટૉર્પીડો કે મિસાઇલ)નું નિશાન સાધવા માટે અંતર-માપક સાધન (range finder) પણ જોડવામાં આવે છે.
આવશ્યકતા અનુસાર પેરિસ્કોપમાં અનેક ફેરફારો કરવામાં આવેલ છે; જેમ કે, લશ્કરી વિમાનમાંથી અવલોકનો લેવામાં વપરાતું પેરિસ્કોપ, ન્યૂક્લીય ભઠ્ઠી (nuclear reactor) તેમજ કણ-પ્રવેગક(particle accelerator)માં વપરાતું પેરિસ્કોપ વગેરે. તબીબો વાપરે છે તે સાયટોસ્કોપ તથા એન્ડોસ્કોપ પણ પેરિસ્કોપનાં જ નવાં સ્વરૂપો છે, જે પ્રકાશીય તંતુઓ(optical fibres)નો ઉપયોગ કરે છે.
મિહિર જોશી