પેરિલા ઑઇલ : પેરિલાના છોડના બીજમાંથી મેળવવામાં આવતું તેલ. આ છોડ લૅમિયેસી કુળ છે; જેનું વૈજ્ઞાનિક નામ Perilla frutescense (Linn.) Britton છે. આ છોડ 50થી 150 સેમી.ની ઊંચાઈ ધરાવે છે. તે સમશીતોષ્ણ અને શીત પ્રદેશમાં દરિયાની સપાટીથી 300થી 3,000 મી. ઊંચાઈએ થાય છે. થડ ચાર ધારવાળું હોય છે અને તેની ડાળી પર સફેદ રૂછાંટ આવેલી હોય છે. ફૂલ સફેદ અથવા આછાં ગુલાબી હોય છે. તેનું ઉત્પત્તિસ્થાન ચીન હોવાનું માનવામાં આવે છે. પેરિલાની ખેતી થોડા પ્રમાણમાં કુમાઉના ઉત્તર-પૂર્વ ભાગમાં ગઢવાલ અને હિમાચલ પ્રદેશમાં, કાશ્મીરની પર્વતમાળામાં તથા નેપાળ, મ્યાનમાર, બાંગ્લાદેશ, ચીન, જાપાન અને કોરિયામાં થાય છે.
પેરિલાનું બીજ ખૂબ જ બારીક હોય છે. હજાર દાણાનું વજન તેની જાત પ્રમાણે 0.8થી 5.3 ગ્રામ થાય છે. તેમાં 30 %થી 40 % જેટલું તેલ અને 16 %થી 24 % જેટલું પ્રોટીન હોય છે. તેના તેલમાં 63 %થી 70 % લિનૉલેનિક ઍસિડ, 14 %થી 23 % ઑલિક ઍસિડ અને 16 % લિનૉલેઈક ઍસિડ હોય છે.
નાગાલૅન્ડ અને મણિપુરમાં આ બીજનો ખોરાક તરીકે ઉપયોગ થાય છે. તેનાં પાંદડાં શાકભાજીમાં વપરાય છે. તેલ અને પ્રોટીન સારા પ્રમાણમાં હોવાથી પર્વતીય લોકો તેનો ચટણી તરીકે આસ્વાદ માણે છે. મેઘાલયમાં આની ચટણીનો એક કંદ સાથે ઉપયોગ કરવામાં આવે છે. યુ.એસ.માં તે અળસીના તેલને બદલે રંગ, વાર્નિશ તથા છાપકામની શાહી વગેરે બનાવવામાં વપરાય છે.
હરિલાલ હીરજી થાનકી