પેરિડોટાઇટ : અગ્નિકૃત ખડકો પૈકીનો બેઝિક ખડકપ્રકાર. ઑલિવીન, પાયરૉક્સિન અને હૉર્નબ્લેન્ડના સ્થૂલ સ્ફટિકોનું 90 % પ્રમાણ ધરાવતા, પરંતુ જેમાં ઑલિવીન મુખ્ય ખનિજ હોય એવા આવશ્યકપણે બિનફેલ્સ્પેથિક અંત:કૃત ખડકને પેરિડોટાઇટ તરીકે ઓળખવામાં આવે છે. અન્ય ખનિજોમાં મુખ્યત્વે પ્લેજિયોક્લેઝ, ક્રોમાઇટ અને ગાર્નેટ હોઈ શકે છે. પૃથ્વીના પેટાળમાં ભૂમધ્યાવરણ(mantle)નો મોટો ભાગ કદાચ પેરિડોટાઇટથી બનેલો છે.
રાસાયણિક બંધારણ : મોટા ભાગના પેરિડોટાઇટ મૅગ્નેશિયમયુક્ત ખનિજઘટકોથી સમૃદ્ધ હોય છે અને તેમાંના ખનિજઘટકોમાંનો મૅગ્નેશિયમ/લોહ (Mg/Fe) ગુણોત્તર ઘણી ઉલ્કાઓના બંધારણ સાથે સામ્ય ધરાવે છે. આ ઉપરાંત તે નિકલ અને ક્રોમિયમ ઘટકોની વિપુલતાવાળા પણ હોય છે અને તેથી તેનાં ખનિજો માટે માતૃખડકો બની રહે છે. પ્લૅટિનમ કે હીરાધારક પેરિડોટાઇટ પણ મળતા હોય છે; દા. ત., કિમ્બરલીનો હીરાધારક પેરિડોટાઇટ (કિમ્બરલાઇટ).
ખનિજીય લક્ષણો : આ ખડકોમાં જોવા મળતાં ગૌણ ખનિજોને આધારે તેમનાં નામ અપાય છે : ઓછા કૅલ્શિયમયુક્ત ઑર્થોરૉમ્બિક પાયરૉક્સિન અને વધુ કૅલ્શિયમયુક્ત મૉનોક્લિનિક પાયરૉક્સિન ધરાવતો પેરિડોટાઇટ ‘લ્હેર્ઝોલાઇટ’, ઓછા કૅલ્શિયમયુક્ત પાયરૉક્સિન ધરાવતો પેરિડોટાઇટ ‘હર્ઝબર્ગાઇટ’ અને કૅલ્શિયમસમૃદ્ધ પાયરૉક્સિન-ધારક પેરિડોટાઇટ ‘વેહર્લાઇટ’ તરીકે ઓળખાય છે. ઍલ્યુમિનાધારક ખનિજો તેમાં ઉમેરાય તો તે `ફેલ્સ્પેથિક લ્હેર્ઝોલાઇટ’ કહેવાય છે. એ જ રીતે હૉર્નબ્લેન્ડ ઉમેરાતાં હૉર્નબ્લેન્ડ પેરિડોટાઇટ કહેવાય છે.
સંરચના અને કણરચના : કેટલાક પેરિડોટાઇટ અન્ય ખડકોની સાથે થરબદ્ધ તો કેટલાક સ્વયં પડ-સ્વરૂપ હોય છે, તો બીજા દળદાર પણ હોય છે. થરવાળા ઘણા પેરિડોટાઇટ સ્તરબદ્ધ ગૅબ્રો સંકુલોના તળભાગમાં સંકેન્દ્રિત થયેલા મળે છે તો અન્ય પડવાળા પેરિડોટાઇટ સ્વતંત્ર રીતે એકલા પણ મળે છે. થરવાળા અને દળદાર બંને સ્વરૂપોમાં મુખ્ય ત્રણ પ્રકારની કણરચનાઓ હોય છે : 1. અન્ય ખનિજોથી અલગ પડી આવતા ઑલિવીનના સ્પષ્ટ મોટા સ્ફટિકોથી બનતી સ્થૂળ સ્ફટિકમય કણરચના; 2. સમકણપરિમાણવાળા સ્ફટિકોથી રચાતી કણરચના, જેમાં સ્ફટિક કણોની સીમાઓ સીધી હોય અને અન્યોન્ય 120oને ખૂણે ગોઠવાયેલી હોય; 3. જેમતેમ ગોઠવાયેલી વક્રરેખીય સીમાઓવાળા લાંબા સ્ફટિકોથી રચાતી કણરચના. આ પૈકીનો પ્રથમ પ્રકાર, પેરિડોટાઇટને સરળતાથી પરખવા પૂરતો થઈ પડે છે, જેમાં મૅગ્મામાંથી ઑલિવીન પ્રારંભે બન્યું હોવાનું સૂચન કરે છે, બીજા પ્રકારમાં મૅગ્મા ધીમે ધીમે ઠંડો પડ્યાનું અને ત્રીજા પ્રકારમાં આંતરિક વિરૂપતા થયાનું સૂચવે છે.
ભૌતિક ગુણધર્મો : અન્ય અગ્નિકૃત ખડકોની સરખામણીએ પેરિડોટાઇટ ઘટ્ટ ખડક ગણાય છે. (3.3થી – 3.5 ગ્રામ/સેમી3.) તેમની ભૂકંપ તરંગગતિની ક્ષમતા પણ ઊંચી હોય છે. (Vp ≈ 8 કિમી./સેકંડ). (જુઓ, મોહોરવિસિક સાતત્યભંગ-કોઠો). તેમની વીજવાહકતા ઑક્સિભવનની સ્થિતિ, પરમાણુરચનાની ત્રુટિ અને તાપમાન માટે સંવેદનશીલ રહે છે. અવશિષ્ટ ચુંબકત્વ તેમાં ચલિત રહે છે – ખાસ કરીને મૅગ્નેટાઇટના નાના કણોથી સમૃદ્ધ એવા પણ પરિવર્તન પામેલા પેરિડોટાઇટમાં તે વધુ હોય છે.
પ્રાપ્તિ : કણરચના પ્રકારોના સંદર્ભ મુજબ પેરિડોટાઇટની ત્રણ મુખ્ય પ્રાપ્તિસ્થિતિ મળે છે :
1. સુસ્પષ્ટ ઑલિવીન સ્ફટિકો સાથેના પેરિડોટાઇટ મુખ્યત્વે ગૅબ્રો સંકુલોમાં થરસ્વરૂપે મળી રહે છે – ‘આલ્પાઇન પ્રકાર’ તરીકે ઓળખાતા આ પેરિડોટાઇટમાં અનિયમિત આકારના સ્ફટિકો હોય છે – તે આલ્પ્સ, પૅસિફિક કિનારાની હારમાળાઓ અને એપેલેશિયનની તળેટી વિભાગોના ગેડપર્વતોના હારપટ્ટાઓમાં સ્તરભંગોની સરહદોવાળા ઓછાવત્તા સર્પેન્ટાઇનકરણ પામેલા વિસ્તારો તરીકે મળે છે.
2. સામાન્ય રીતે સમદાણાદાર કણરચના ધરાવતા પેરિડોટાઇટ ગઠ્ઠા આલ્કલીયુક્ત બેસાલ્ટમાં અને હીરાધારક નળીઓમાં મળે છે, જે પૈકી કેટલાકની કણરચના અનિયમિત દાણાદાર પણ હોય છે.
3. ઊંડા સમુદ્રતળની ફાટખીણની દીવાલો કે ટેકરીઓ પેરિડોટાઇટથી બનેલી હોય છે.
ઘણા આલ્પાઇન પેરિડોટાઇટ ઑફિયોલાઇટ સંકલનમાં પણ મળે છે (પેરિડોટાઇટ, ગૅબ્રો, ડાયાબેઝનાં સિલ-ડાઇક સંકુલ, પીલો-બેસાલ્ટ અને લાલચર્ટ). કેટલાક પેરિડોટાઇટ ઍમ્ફિબૉલ-સમૃદ્ધ હોય છે, તેમની રચના સંકેન્દ્રિત થરવાળી હોય છે અને અંતર્ભેદનોનો એક વિભાગ રચે છે – આવા પ્રકારો મેફિક સંકુલો બનાવે છે; દા. ત., અલાસ્કન પ્રકારના પેરિડોટાઇટ. ચાંદ્ર-બ્રેક્સિયામાંથી પણ પેરિડોટાઇટના નાના ટુકડા મળેલા છે. (જુઓ ચંદ્ર-ભૂસ્તરીય.)
ઉત્પત્તિ : થરવાળા પેરિડોટાઇટને અગ્નિકૃત નિક્ષેપ (જમાવટ) તરીકે ઘટાવેલા છે, જે ઘટ્ટ ઑલિવીન સ્ફટિકોનું ભૌતિક રીતે થતું ગુરુત્વ-સંકેન્દ્રણ-સ્વરૂપ છે. પેરિડોટાઇટ ગઠ્ઠા-સ્વરૂપે પ્રાપ્ત ખડકો અંશત: ગલન પામેલા ઓછાવત્તા ફેરફારવાળા ભૂમધ્યાવરણ વિભાગના ખડકટુકડા હોવાનું ઘટાવાય છે. ઑફિયોલાઇટ સાથે સંકળાયેલા આલ્પાઇન પ્રકારના પેરિડોટાઇટ જે સમુદ્રતળ પર મળે છે તે ત્યાંના પોપડા અને ભૂમધ્યાવરણના ઉપરના ભાગના દ્રવ્યનું (પર્વતપટ્ટાઓમાં જોવા મળતી ઘસારાની સ્તરભંગ સપાટીઓ રચાતી વખતે પોપડા અને ભૂમધ્યાવરણ બંને પર ભૂસંચલનજન્ય વિરૂપતાની અસર થવાથી) અંશત: ગલન થવાથી સંભવત: બન્યા હોવાનું ગણાય છે.
આર્થિક ઉપયોગ : આર્થિક દૃષ્ટિએ પેરિડોટાઇટ ઘણો મહત્વનો છે. જ્યાં ગ્રૅનાઇટનું અંતર્ભેદન પેરિડોટાઇટમાં થયું હોય ત્યાં ઍસ્બેસ્ટૉસ અને શંખજીરું બને છે. શુદ્ધ ઑલિવીનથી બનેલા ડ્યુનાઇટમાંથી અગ્નિરોધક રેતી અને ઈંટો બનાવી શકાય છે. પેરિડોટાઇટનું સર્પેન્ટાઇન-કરણ સુશોભન-પાષાણ માટે સર્પેન્ટાઇન આપે છે. પેરિડોટાઇટ સાથે સંકળાયેલાં ધાતુસલ્ફાઇડ નિકલનાં પ્રાપ્તિસ્થાનો તેમજ પ્લૅટિનમ માટે માતૃખડક બને છે. દુનિયાભરમાંથી મળતું ક્રોમાઇટ પણ પેરિડોટાઇટ ખડકની જ નીપજ છે.
ગિરીશભાઈ પંડ્યા