પેન્ઝિયાસ, આર્નો આલ્ડા (જ. 26 એપ્રિલ 1933, મ્યૂનિક, જર્મની) : કૉસ્મિક સૂક્ષ્મ તરંગ પૃષ્ઠભૂમિ વિકિરણ(cosmic microwave background radiation)ની શોધ માટે, અમેરિકન ખગોળ-ભૌતિકવિજ્ઞાની (astorphysicist), રૉબર્ટ વુડ્રો વિલ્સનની સાથે 1978ના ભૌતિકશાસ્ત્ર વિષયના નોબેલ પુરસ્કારના સહવિજેતા. તેઓ તેમનાં માતાપિતા સાથે 1940માં યુ.એસ. ગયા અને ત્યાં ન્યૂયૉર્કની સિટી કૉલેજ તથા કોલમ્બિયા યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો અને 1961માં બેલ ટેલિફોન લૅબોરેટરીમાં જોડાયા. અહીં રૉબર્ટ વિલ્સનની સાથે તેમણે આકાશગંગા(galaxy)ની ફરતે આવેલ વાયુરૂપ તેજોમય વર્તુળ(halo)માંથી ઉત્સર્જિત થતા રેડિયો-તરંગની પ્રબળતા(intensity)નું નિરીક્ષણકાર્ય શરૂ કર્યું. તેમણે એક મોટા શિંગડાકાર ઍન્ટેનાની રચના કરી અને તેની મદદથી આકાશગંગામાંથી આવી રહેલા સૂક્ષ્મ વિકિરણ તેમજ પૃથ્વીના વાતાવરણમાં રહેલા વાયુઓ તથા અન્ય સ્રોતોનું સંશોધન કર્યું.
કૉસ્મિક સૂક્ષ્મ તરંગ પૃષ્ઠભૂમિ વિકિરણનો સૌપ્રથમ પુરાવો તેમને 1964માં મળ્યો, જેનું આજે એ પ્રમાણે બહોળું અર્થઘટન કરવામાં આવે છે કે અબજો વર્ષો પૂર્વે બ્રહ્માંડની ઉત્પત્તિ વખતે થયેલા ‘મોટા ધડાકા’ (big bang) પછી, અવશેષ રૂપે રહેલું તે વિકિરણ છે. વળી તેમણે એ પણ શોધી કાઢ્યું કે કૉસ્મિક પૃષ્ઠભૂમિનું તાપમાન 3K જેટલું છે. આમ તેમના સંશોધનથી બ્રહ્માંડવિજ્ઞાન(cosmology)ના ક્ષેત્રે આવેલી ઘણીબધી અજ્ઞાત હકીકતો પર પ્રકાશ પડ્યો છે.
એરચ મા. બલસારા