પેન્જિયા : ભૂસ્તરીય કાળમાં અગાઉ અસ્તિત્વ ધરાવતો ઉત્તર ગોળાર્ધસ્થિત બધા જ ખંડોથી બનેલો વિશાળ ભૂમિસમૂહ. લોરેશિયા અને ગાડવાના ખંડો ભેગા હતા ત્યારનો તે એકમાત્ર વિશાળ તર્કમાન્ય ભૂમિસમૂહ છે. તેમાંથી વિભાગીકરણ થઈને વર્તમાન ખંડોની ગોઠવણી થયેલી છે. વૅગનર-સૂચિત ખંડીય પ્રવહન થયું તે અગાઉ પેન્જિયાના નામથી ઓળખાતા સંયુક્ત ભૂમિસમૂહનું અસ્તિત્વ હતું.

કાર્બોનિફેરસ કાળના પ્રારંભે અને અંતસમયે જુદા જુદા ખંડોની સ્થિતિ

પેન્જિયાનું જુદા જુદા ખંડોમાં વિભાજન થયું તે અગાઉ પેન્જિયાની આજુબાજુ એક મહાસાગર પેન્થાલસા વીંટળાયેલો હતો. ‘પેન’(=આખું) શબ્દ પરથી એવો અર્થ કાઢી શકાય કે એ વખતે પૃથ્વી પર એક ભૂમિસમૂહ પેન્જિયા અને એક મહાસાગર પેન્થાલસાનું અસ્તિત્વ હતું. પૃથ્વીના ગોળાની અંદર થયેલી ભૂસંચલનની ઘટના અને ખંડીય પ્રવહનના સિદ્ધાંતો પર આધારિત કાર્બોનિફેરસના પ્રારંભકાળમાં ત્રણ મુખ્ય ખંડસમૂહોનું અસ્તિત્વ હતું, જે એકબીજા તરફ ખસતા જતા હતા. કાર્બોનિફેરસના લાંબા કાળગાળાના અંત વખતે તે ભેગા થયા અને જોડાણ પામેલો જે એક વિશાળ ભૂમિસમૂહ રચાયો તેને ભૂસ્તરવિદોએ પેન્જિયા નામ આપેલું છે. જે ત્રણ અલગ ખંડસમૂહો હતા તે પૈકીનો એક, ઉત્તર અમેરિકા-ગ્રીનલૅન્ડ અને પશ્ચિમ યુરોપથી બનેલો હતો; બીજો પૂર્વ યુરોપ-ઉત્તર એશિયા અને પૂર્વ એશિયાથી બનેલો હતો. આ બે સમૂહો તેમની વચ્ચે રહેલા ટેથિસ-પ્રોટોઍટલાન્ટિકથી અલગ પડતા હતા. ત્રીજો ખંડસમૂહ દક્ષિણ અમેરિકા-આફ્રિકા, ભારત, ઍન્ટાર્ક્ટિકા અને ઑસ્ટ્રેલિયાથી બનેલો હતો, જે એશિયાઈ સમૂહથી પૂર્વતરફી પહોળા ટેથિસ મહાસાગરથી અલગ પડતા હતા. એમ ધારવામાં આવે છે કે ગાડવાના ભૂમિસમૂહ કાર્બોનિફેરસ-પર્મિયન કાળ દરમિયાન દક્ષિણ ધ્રુવ પરના વિસ્તારમાં ગોઠવાયેલો હતો. પેન્જિયા ભૂમિસમૂહ મધ્યજીવયુગ સુધી એક મહાખંડ સ્વરૂપે રહેલો, તે પછીથી તેમાં ભંગાણ પડેલું છે.

આ અર્થઘટનો કાર્બોનિફેરસ કાળની ધ્રુવીય સ્થિતિના પ્રાચીન ચુંબકીય અભ્યાસ પર તેમજ ગાડવાના હિમજન્ય નિક્ષેપવિતરણ પર આધારિત છે. (જુઓ, ટિલાઇટ અને પર્મિયન રચના.)

ગિરીશભાઈ પંડ્યા