પેડિપ્લેઇન (pediplain) : આછા ઢોળાવવાળાં વિસ્તૃત મેદાની ભૂમિસ્વરૂપો.
અનુકૂળ સંજોગો મળતાં નજીક-નજીકના પેડિમેન્ટ (જુઓ, પેડિમેન્ટ) એકબીજા સાથે જોડાઈને એક થતા જાય અથવા રણવિસ્તારોમાં પાસપાસે છૂટાં છૂટાં રહેલાં ઊપસેલા ઘુમ્મટ આકારનાં ભૂમિસ્વરૂપો જોડાઈને મોટા પાયા પરનાં વિસ્તૃત મેદાનો રૂપે વિકસે તેને પેડિપ્લેઇન કહેવાય.
સમશીતોષ્ણ આબોહવાવાળા વિસ્તારોમાં નદીજન્ય ઘસારાને કારણે જે રીતે ધોવાણની સમભૂમિ તૈયાર થાય છે તે જ રીતે સૂકી-અર્ધસૂકી આબોહવાવાળા વિસ્તારોમાં એવા જ મેદાન જેવા રચાતા વિસ્તારો પેડિપ્લેઇન કહેવાય છે. અહીં ક્યારેક આવી જતાં પૂરને કારણે તેમના પર પાતળાં આચ્છાદનો પણ જામે છે. કોઈક પ્રદેશમાં ધોવાણની સમભૂમિ અને પેડિપ્લેઇન બંનેનાં લક્ષણ પણ જોવા મળતાં હોય છે, જે બદલાયેલા આબોહવાત્મક સંજોગોનું સૂચન કરી જાય છે.
ગિરીશભાઈ પંડ્યા