પેટ્રોલિયમ : દુનિયાના મૂલ્યવાન કુદરતી સ્રોતો પૈકીનું એક; તૈલી, જ્વલનશીલ પ્રવાહી. તેનું રસાયણ. તે ‘કાળા સોના’ અથવા ‘પ્રવાહી સોના’ તરીકે ઓળખાય છે. જોકે હાલ તે કાચા તેલ (crude-oil) તરીકે વધુ જાણીતું છે. પેટ્રોલિયમ શબ્દ મૂળ લૅટિન શબ્દો petra (ખડક, rock) અને oleum (તેલ, oil) પરથી બન્યો છે.

પેટ્રોલિયમ અને જ્વલનશીલ કુદરતી વાયુ અંગેની માહિતી પુરાણકાળથી પ્રાપ્ય છે, પણ પેટ્રોલિયમનું ઔદ્યોગિક ઉત્પાદન આશરે 140 વર્ષ પહેલાં, જ્યારે કુદરતી વાયુનું આ સદીમાં જ શરૂ થયું છે. ઈ. સ. પૂ. છઠ્ઠી સદીમાં બૅબિલૉનમાં દીવાલો બાંધવા તથા રસ્તાઓ ઉપર પાથરવા ડામર(pitch)નો ઉપયોગ થતો હતો. ઈ. સ. પૂ. પાંચમી સદીમાં થઈ ગયેલા હીરૉડોટસ, પ્લૂટાર્ક, પ્લિની, તથા ઈ. સ. પૂ.ની પ્રથમ સદીમાં થઈ ગયેલ માકર્સ વિટ્રુવિયસનાં લખાણોમાં ખડકોમાંથી મળી આવતા પેટ્રોલિયમ તથા વાયુઓનો ઉલ્લેખ છે. ઈ. સ. પૂ. ચોથી સદીમાં સિંકદરનાં આક્રમણો દરમિયાન કાસ્પિયન સમુદ્રને કિનારે (આજના આઝરબૈજાનમાં) આવું પ્રવાહી દીવાબત્તી માટે વપરાતું. આ પ્રવાહી પૃથ્વીની ચરબી (naphtha) તરીકે ઓળખાતું. સિસિલીમાં તે સિસિલિયન તેલ તરીકે ચિરાક નામના દીવાઓમાં વપરાતું.

રોમન સૈનિકોના આક્રમણ સામે બચાવ માટે લ્યુક્યુલા શહેરના નાગરિકોએ પેટ્રોલિયમ, ગંધક તથા પોટૅશિયમ નાઇટ્રેટના સળગતા મિશ્રણને રોમનો પર વરસાવ્યું હતું તેમ પ્લિની નોંધે છે. પાણી ઉપર પણ સળગી શકતું આ મિશ્રણ ‘ગ્રીક અગ્નિ’ (greek fire) કહેવાતું. બારમી, તેરમી સદીમાં ચંગીઝખાનની સેનાએ પણ બુખારા ઉપર આવાં સળગતાં પાત્રો તીરો દ્વારા ફેંકી કિલ્લામાં અનેક સ્થળે આગ લગાવેલી. હજારેક વર્ષ અગાઉ અરબી વિદ્વાન અબુલ હસન મસૂદીએ જ્યારે બાકુની મુલાકાત લીધી ત્યારે તેણે તેલના કૂવાઓમાંથી પેટ્રોલિયમ ચામડાની મશકોમાં ભરી ઊંટો મારફતે અભ્યાસ માટે એકઠું કરેલું. ત્યાં પર્શિયા, ભારત, અરબસ્તાન, સીરિયા વગેરે દેશોમાંથી લોકો પેટ્રોલિયમ ખરીદવા આવતા. આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે દસમી સદીમાં બાકુમાંથી નીકળતા પેટ્રોલિયમના ઘરગથ્થુ વપરાશ ઉપરાંત તેની નિકાસ પણ કરવામાં આવતી. તેરમી સદીમાં ઇટાલિયન પ્રવાસી માર્કો પોલોએ કાસ્પિયન સમુદ્રના કાંઠે (જ્યૉર્જિયામાં) પેટ્રોલિયમ મેળવાતું હોવાનું નોંધ્યું છે.

ખડકોમાંથી નીકળતા કુદરતી વાયુને સળગાવતાં તે જ્યોત સાથે સળગતો હોવાથી અગ્નિપૂજકો આવાં સ્થળોને પૂજાસ્થાન ગણતા. કૉકેસસ પર્વતમાં, કાસ્પિયન સમુદ્રને કાંઠે, ઉત્તર અમેરિકામાં એરી સરોવરને કાંઠે, મલયેશિયાના આર્કિપેલાગો ટાપુ પર તથા ભારત, ચીન વગેરે સ્થળોએ આવા જ્વલનશીલ વાયુઓ તથા પેટ્રોલિયમ મળતાં હોવાનું નોંધાયેલું છે. કેટલાંક સ્થળોએ ખાડા ખોદતાં પાણીની માફક અર્ધઘન પ્રવાહી જેવું પેટ્રોલિયમ ઊભરાઈ આવતું. સત્તરમી સદીમાં એસ્ફેરોન દ્વીપકલ્પના રહેવાસીઓ દ્વારા કૂવાઓમાંથી રોજના 35 ટન જેટલું કાચું તેલ મેળવાતું. આ દ્વીપકલ્પ પર અગ્નિપૂજકોનું એક ખૂબ પ્રસિદ્ધ દેવળ હતું. ત્યાં યાત્રા અર્થે ભારત, અરબસ્તાન, ઈરાન વગેરે સ્થળોએથી મુલાકાતીઓ આવતા. આ મંદિર 1780 સુધી પૂજાના સ્થળ તરીકે જાણીતું હતું. હાલમાં તે મ્યુઝિયમ તરીકે ઉપયોગમાં લેવાય છે.

ત્રિનિદાદ ટાપુ(વેસ્ટ ઇન્ડિઝ)માં આજે પણ વિશ્વનું સૌથી મૌટું આસ્ફાલ્ટ સરોવર (pitch lake) આવેલું છે. કૅલિફૉર્નિયા, તુર્કેમેનિયા, રાતા સમુદ્રનો કાંઠો વગેરે સ્થળોએ પણ આવાં સરોવરો આવેલાં છે.

1806માં વેસ્ટ વર્જિનિયામાં ખારું પાણી (brine) મેળવવા કૂવા ખોદવામાં આવતા તેમાં તેલ આવતું જણાયું, જેથી આ પાણી નમક (મીઠું, salt) પકવવા વાપરી શકાયું નહિ. 1855માં યેલ કૉલેજના પ્રો. બેન્જામિન સિલિમાને શોધી કાઢ્યું કે આ તેલ બળતણ તરીકે કોલસામાંથી મેળવાતા તેલ જેવું જ ઉપયોગી છે. આમ આ તેલ વેચાવા લાગ્યું. તે પછી ટાઇટસવિલ મુકામે ધંધાકીય ધોરણે કૂવાઓનું શારકામ શરૂ થયું. આ માટે નિવૃત્ત રેલવે-ગાર્ડ એડવિન ડ્રેકને કામ સોંપાયું, જેણે તેના બે દીકરાઓ સાથે 1859માં પ્રથમ તેલ-કૂવો સફળતાથી ખોદ્યો. આ શોધ સાથે દુનિયામાં ‘તેલઉદ્યોગ’નો પાયો નંખાયો. આ શોધ પછી તો અનેક કંપનીઓ પૃથ્વી ઉપર ઘણે સ્થળે તેલના કૂવાઓ ખોદે છે અને પેટ્રોલ મેળવે છે.

ભારતમાં છેક 1825થી ઉત્તર આસામમાંથી તેલ મળતું; પણ સૌપ્રથમ તેલ-કૂવો નાહોરપોંગ ખાતે 1866માં ખોદાયો અને તેમાંથી 26 માર્ચ, 1869થી તેલ કાઢવાનું શરૂ થયું. સપ્ટેમ્બર, 1869માં આસામ રેલવે અને ટ્રેડિંગ કંપની (ARTC) દ્વારા દિગ્બોઈ નજીક પ્રથમ કૂવો ખોદવાનો શરૂ થયો, જે નવેમ્બર 1890માં પૂરો થયો. આ પછી ARTC-એ આપણા દેશની પ્રથમ ઑઇલ રિફાઇનરી માર્ઘ્રીટા મુકામે શરૂ કરી. દિગ્બોઈમાં આવેલા 14 તેલકૂવાઓ 1899માં આસામ ઑઇલ કંપનીએ પોતાને હસ્તક લઈ લીધા. આ કંપનીએ દિગ્બોઈમાં રોજના 68,000થી 80,000 લિટરની ઉત્પાદનક્ષમતાવાળી નવી ઑઇલ રિફાઇનરી સ્થાપી. બર્મા (હાલ મ્યાનમાર) તે વેળાએ ભારતનો જ ભાગ હોવાથી બર્મા ઑઇલ કંપનીએ આસામ ઑઇલ કંપનીનો વહીવટ સંભાળી લીધો. આ કંપનીએ બાદરપુરના તેલ-કૂવાઓ પણ પોતાને હસ્તક લીધા તથા તેમાંથી 1,86,400 બૅરલ તેલ કાઢ્યું. 1933 બાદ આ કૂવાઓ બિનકાર્યક્ષમ બની ગયા. બર્મા ઑઇલ કંપનીએ આસામમાં નવાં તેલક્ષેત્રો શોધવાનો કાર્યક્રમ શરૂ કર્યો અને 1925-26 સુધીમાં નહારકોટિયા મુકામે તેલક્ષેત્ર શોધી કાઢ્યું.

1947માં ભારત સ્વતંત્ર થયા બાદ ભારત સરકારે આ તેલક્ષેત્રોમાં સક્રિય રસ લેવા માંડ્યો અને તે માટે પરદેશની જુદી જુદી કંપનીના સહયોગ સાથે ઑઇલ ઍન્ડ નૅચરલ ગૅસ કમિશન (ONGC) તથા ઇન્ડિયન ઑઇલ કંપની (IOC) – એમ બે સંસ્થાઓની રચના કરી. તેમના દ્વારા આધુનિક રીતો વડે સર્વેક્ષણ કરાતાં અનેક સ્થળોએ જ્યાં અગાઉ તેલ મળવાની શકયતા નહોતી ત્યાં તેલક્ષેત્રો શોધી શકાયાં છે. આસામ ઉપરાંત હવે તો રાજસ્થાન તથા ગુજરાતમાં પણ તેલક્ષેત્રો શોધાયાં છે.

સમગ્ર ભારતમાં ભૂસ્તરીય સર્વેક્ષણ પરથી જણાયું છે કે દેશમાં કુલ 10 લાખ ચોકિમી. ભૂમિમાં તેલ પથરાયેલું છે. 1947માં ભારતે 4 લાખ ટન ક્રૂડ તેલ કાઢેલું, જે 1969માં વધીને પ્રતિવર્ષ 60 લાખ ટન થયું હતું. 1994-95માં દેશમાં 32.24 MMT જેટલા કાચા તેલનું ઉત્પાદન થયું હતું. જોકે અગાઉ 1989-90માં તે 34.09 MMT હતું. 1995-96માં તે વધીને 35.19 MMT થયું હતું.

પેટ્રોલિયમ કેવી રીતે ઉદભવે છે ? : ઘણાખરા ભૂસ્તરશાસ્ત્રીઓ માને છે કે પેટ્રોલિયમ લાખો વર્ષો પહેલાં અવસાન પામેલા જીવોના અવશેષોમાંથી ઉદભવ્યું છે. તેલમાં રહેલા કાર્બન ધરાવતા કેટલાક પદાર્થોની ઉપસ્થિતિ ઉપર આ કાર્બનિક સિદ્ધાંત (organic theory) આધારિત છે. હજારો વર્ષોથી દરિયાકિનારે કે દરિયાના છીછરા પાણીમાં રહેતા દરિયાઈ જીવો તેમજ વનસ્પતિ મરતાં ગયાં અને તળિયે બેસતાં ગયાં. દરિયાનું તળ આવા જીવાશ્મોના જાડા થર રૂપે બંધાતું ગયું અને તે રેતી દ્વારા તથા અન્ય પથરાળ પદાર્થો દ્વારા હજારો વર્ષો સુધી હજારો મીટર સુધી દટાતું ગયું. જેમ જેમ આ ખડકાળ પદાર્થોનું દબાણ વધતું ગયું તેમ તેમ આવા જીવાશ્મો પેટ્રોલમાં પરિવર્તન પામતા ગયા અને સાથે કુદરતી વાયુ પણ બનતો ગયો. આ પરિવર્તન અંગે કેટલાક વિજ્ઞાનીઓ માને છે કે જીવંત દરિયાઈ વનસ્પતિ અને જીવોના કોષમાં હાઇડ્રોકાર્બન હોવા જોઈએ અને જ્યારે તે અશ્મીભૂત થયા ત્યારે કોષમાંના આવા હાઇડ્રોકાર્બનો આંશિક રીતે જળવાઈ રહ્યા અને કાળક્રમે આ મૂળ હાઇડ્રોકાર્બનોમાંથી પેટ્રોલિયમ બન્યું. અન્ય વિજ્ઞાનીઓનો સમૂહ માને છે કે કાર્બનિક પદાર્થો ઉપર બૅક્ટેરિયા દ્વારા પ્રક્રિયા થવાથી ઑક્સિજન, સલ્ફર અને નાઇટ્રોજન દૂર થયા. આના પરિણામે પેટ્રોલિયમ જેવો મુખ્ય હાઇડ્રોકાર્બન શેષ પદાર્થ તરીકે બાકી રહ્યો. આ બંને સિદ્ધાંતો એકસાથે કાર્યરત હોવા જોઈએ એમ મનાય છે. મોટાભાગનું પેટ્રોલ ભૂગર્ભમાં હોય છે. આનું કારણ એમ મનાય છે કે કેટલાક ખડકો છિદ્રાળુ અને વાદળી જેવા હોય છે. [દા. ત., ચૂના-પથ્થર તથા વાલુકાશ્મ (sand stone)]. દરિયાના તળમાં રહેલો કાદવ પ્રથમ મૃત્તિકા (ચીકણી માટી) બને છે અને અંતે સ્લેટ જેવા પોચા પથ્થર(shale)માં ફેરવાય છે. આવા ખડકાળ સ્તરો બનતાં લાખો વર્ષ લાગે છે. આ રીતે બનતું તેલ શેઇલની તિરાડોમાંથી બહાર આવીને વાલુકાશ્મના છિદ્રાળુ સ્તરમાં પથરાઈ જાય છે. જો આવા છિદ્રાળુ સ્તરની ઉપર તથા નીચે રહેલા ખડકો ખૂબ જ સખત અને બિનછિદ્રાળુ હોય તો તેના લીધે તેલ નીચે ઊતરી જતું નથી કે ઉપર ઊભરાઈ આવતું નથી.

દુનિયાના મોટાભાગના તેલ-ભંડારો સ્તરિત (stratified) ખડકના ઊર્ધ્વ વાંક પ્રકારની ગેડમાં મળી આવે છે. કેટલીક વાર આવા ભંડારો પૃથ્વીના પોપડામાંના ભ્રંશ(fault)માં ફસાયેલા હોય છે. આવા ભ્રંશ બનવાની પ્રક્રિયા દરમિયાન છિદ્રાળુ સ્તર બિનછિદ્રાળુ સ્તર દ્વારા ઘેરાયેલા હોય છે અથવા બિનછિદ્રાળુ સ્તરો વચ્ચે પણ આવા છિદ્રાળુ સ્તરો મળે છે. આવા પાશ(traps)માં કુદરતી વાયુ, તેલ તથા પાણી ત્રણ સ્તરોમાં રહેલાં હોય છે; જેમાં સૌથી ઉપર કુદરતી વાયુ અને સૌથી નીચે પાણી હોય છે. (જુઓ આકૃતિ 1) નીચેની સીમા તેલ-પાણી સંસર્ગયુક્ત છે. જ્યારે ઉપરની સીમા આવરણ-ખડક(cap rock)રૂપ છે.

આકૃતિ 1 : કુદરતના ભંડારમાં સપડાયેલું તેલ [નીચેની સીમા તેલ-પાણી સંસર્ગયુક્ત છે, જ્યારે ઉપરની સીમા આવરણ-ખડક(cap rock)રૂપ છે.]

કોઈ વાર પેટ્રોલિયમ તૈલી શેઇલ(oil shale)માં પણ હોય છે, જે એક પ્રકારનો અવસાદી (sedimentary, તલછટી) શેઇલ છે. જ્યારે આ શેઇલને ભઠ્ઠીમાં હવાની ગેરહાજરીમાં ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે છે ત્યારે તે રાસાયણિક વિઘટન પામે છે અને તેલ મળે છે.

આકૃતિ 2 : ભૂકમ્પી તરંગો દ્વારા ભૂગર્ભ-સ્તરમાપન

સ્કૉટલૅન્ડમાં તથા ઑસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સમાં આ રીત નાના પાયે વપરાય છે. કૉલોરાડો(યુ.એસ.)ના તૈલી શેલ-નિક્ષેપો તેલ બાબતે સમૃદ્ધ જણાયા છે. કેટલાક અસામાન્ય પ્રકારના તેલ-નિક્ષેપોમાં તેલ-સમૃદ્ધ રેતીમાંથી ડ્રિલ કરીને તેલ મેળવી શકાતું નથી, પણ આ રેતીનું નિસ્યંદન કરીને તે મેળવાય છે. કૅનેડામાં આવું જોવા મળે છે.

અન્વેષણ (ખોજ), શારકામ તથા પરિવહન : બાકુ (રશિયા) કે કિર્કુક (ઈરાન) જેવા પ્રદેશોમાંથી પૃથ્વીના પોલાણમાંથી તિરાડો મારફત બહાર આવતો વાયુ કે ત્રિનિદાદ નજીક આવેલા ડામરના સરોવર જેવા કુદરતી સ્રોતો સિવાય ભૂગર્ભમાંથી પેટ્રોલિયમ શોધવાની વૈજ્ઞાનિક રીતો મુખ્યત્વે આ સદીમાં વિકસી છે. એક સમયે પેટ્રોલ માટેનું શારકામ અડસટ્ટે ચાલતું હતું. પરિણામે 300માંથી 1 પ્રયત્ન સફળ થતો. આમ વૈજ્ઞાનિક પ્રયત્નો વિના અડસટ્ટે શોધાયેલ કૂવો ‘wild cat’ નામે ઓળખાય છે. હવે તો કુશળ ભૂવૈજ્ઞાનિકો તથા ભૂભૌતિક વૈજ્ઞાનિકોની સહાયથી દર પાંચ કે છ કૂવા ખોદતાં એકમાં સફળતા મળે છે.

આકૃતિ 3 : રોટરી ડ્રિલનો ડેરિક

કયા પ્રદેશોમાંથી પેટ્રોલ નીકળે તે માટે વિવિધ પદ્ધતિઓ અજમાવાય છે. તેમાં હવાઈ (aerial) સર્વેક્ષણ ઉપરાંત ગુરુત્વાકર્ષણીય, ભૂકમ્પી (seismic), વૈદ્યુતિક તથા ચુંબકીય રીતો જાણીતી છે.

ગુરુત્વાકર્ષણમીટર(gravimeter)નો ઉપયોગ કરતી પદ્ધતિમાં એ યંત્ર પૃથ્વીની સપાટી ઉપરના વિવિધ પ્રદેશોમાં થતો ગુરુત્વાકર્ષણનો સૂક્ષ્મ ફેરફાર નોંધી, ખડકોના વિવિધ સ્તરોનું અનુમાન કાઢી, ભૂગર્ભની બંધારણીય સ્થિતિની માહિતી મેળવે છે.

ભૂકંપમાપક યંત્ર દ્વારા ભૂગર્ભમાં કૃત્રિમ સ્ફોટ કરી તેના કારણે ઉત્પન્ન થતા અવાજના તરંગો પૃથ્વીને તળિયે જઈને ત્યાંના ખડકના સ્તરો ઉપર અથડાઈ, પરાવર્તન પામી જમીનની સપાટી ઉપર બહાર આવે છે. આ તરંગો ભૂકંપ-ફોન દ્વારા પકડી તેની સ્પંદન-ફિલ્મ ઉપજાવે છે. તરંગોની તીવ્રતા અને તેમના પરાવર્તનના અંતર-સમય વચ્ચેના પરસ્પર-સંબંધ ઉપરથી ભૂભૌતિકશાસ્ત્રીને ભૂગર્ભના ખડકોના બંધારણની માહિતી મળે છે.

બીજી એક પદ્ધતિમાં પૃથ્વીના જુદા જુદા સ્તરોમાં ખાસ પ્રકારની શારડી વડે સાંકડો છેદ પાડી છેદમાંથી ઊભા નળાકાર નમૂનાઓ મેળવવામાં આવે છે. આ નળાકાર નમૂનાઓના અભ્યાસ ઉપરથી ખડકોના સ્તરો ઓળખાય છે અને તેમાં તેલ અને વાયુ હોય તો તેની નોંધ લેવાય છે. આ પદ્ધતિ બહુ જૂના જમાનામાં અણઘડ (crude) રીત તરીકે ચીનમાં વપરાતી હતી. આશ્ર્ચર્યજનક રીતે આ પદ્ધતિ દ્વારા ચીનાઓએ 1,200 મીટર સુધી ખોદકામ કરેલું, જે ઈ. સ. 1100માં નોંધાયું છે.

પ્રથમ શારકામ દ્વારા 1859માં ટાઇટસવિલ ખાતે કેબલ-ટૂલ ડ્રિલિંગ નામે પેટ્રોલનો કૂવો ફ્રાન્સિસ ડ્રેક દ્વારા ખોદાયો. આ રીતમાં ખડક કાપવા માટે કેબલને છેડે છેદક તરીકે ભારે વજનના પોલાદનું સાધન વારંવાર પછાડવામાં આવતું અને ધીરે ધીરે તે ઊંડાણે પહોંચતું. 1920 સુધી આ રીત મુખ્યત્વે વપરાતી; પણ આ રીત દ્વારા બહુ ઊંડાણ સુધી જઈ શકાયું નહિ. હવે રોટરી ડ્રિલિંગ પદ્ધતિ વપરાય છે. કૂવાના શારકામ માટેના ડેરિક, શારડી, ભિન્ન પ્રકારની પાઇપો, વિવિધ યંત્રો – વગેરે સાધનોવાળા જૂથને રીગ કહે છે. ખનિજતેલ-કૂવાના શારકામ માટે ઊભા કરેલા પોલાદના ટાવરને ડેરિક કહે છે, જે લગભગ 50 મીટર ઊંચો હોય છે અને તેમાં 10 મી. જેટલી લાંબી ડ્રિલ પાઇપો શારકામ માટે કૂવામાં એકબીજા સાથે જોડતા જઈને ઉતારવામાં આવે છે. શારડી અથવા ડ્રિલ પાઇપને જમીન ઉપરના છેડે ગોળ ચક્કર ફેરવવાથી કૂવાનું શારકામ થાય છે. ડ્રિલ પાઇપના છેડે શારકામનો તીક્ષ્ણ ભાગ હોય છે, જે ખડકને કાપીને તેમાં કાણું પાડે છે. ખૂબ જ સખત ખડક માટે નાના નાના ઔદ્યોગિક હીરા બેસાડેલા તીક્ષ્ણ ટુકડાઓ શારકામમાં વપરાય છે. શારકામ દરમિયાન કાણામાં અંદરની બાજુએ માટીને ધસી પડતી અટકાવવા તેમજ જમીનમાંનું પાણી કે અન્ય પ્રવાહી દાખલ થતું અટકાવવા કાણાના માપની, અંદર ઉતારેલી પાઇપને કેસિંગ કહે છે.

હાલમાં કેબલ-ટૂલ-શારકામ (cable tool drilling) તથા રોટરી-શારકામ (rotary drilling) – એ બે રીતો વપરાય છે. તાજેતરમાં ગમે ત્યાં ખસેડી શકાય તેવો ડેરિક પણ વપરાવા લાગ્યો છે, જેને જૅક-નાઇફ-ડેરિક કહે છે.

સમુદ્રમાં શારકામ (off-shore drilling) : છેલ્લા ચાર દાયકામાં આ પદ્ધતિ વિકસી છે. તે અત્યંત ખર્ચાળ છે, કારણ કે તેમાં વિશિષ્ટ પ્રકારની સગવડોની આવશ્યકતા હોય છે. તેમાં ડ્રિલિંગ પ્લૅટફૉર્મ તથા કેટલીક આધુનિક સગવડો જેવી કે દરિયાઈ ડૂબકીમારો માટે રહેવાના ઓરડાઓ, પ્રયોગશાળા, રેડિયો-રૂમ, દરિયાનું ખારું પાણી શુદ્ધ કરવાનાં સાધનો, હેલિકૉપ્ટર વગેરે જરૂરી હોય છે. ભારતને આ પદ્ધતિનો ખાસ અનુભવ નથી, પણ હવે ગુજરાતમાં ખંભાતના અખાત નજીક અલિયાબેટ ઉપર આવું પ્રથમ ડ્રિલિંગ પ્લૅટફૉર્મ બનાવવામાં આવ્યું છે તથા ગુજરાતમાં જ (મુંબઈથી આશરે 240 કિમી.) બૉમ્બે-હાઈ તેલક્ષેત્રમાં પણ આ પ્રકારની સગવડ ઊભી કરાઈ છે. આ શારકામ માટે હવે હરતાંફરતાં પ્લૅટફૉર્મ પણ વપરાય છે.

પેટ્રોલિયમ અનામતો : પેટ્રોલિયમ-વિશારદોના અનુમાન મુજબ દુનિયાનો પેટ્રોલિયમનો અનામત જથ્થો 900 બિલિયન બૅરલ એટલે 1,43,100 અબજ લીટર (1 બૅરલ = 159 લિટર) જેટલો છે. આ ઉપરાંત ચીન, કૅનેડિયન ટાપુઓ, ઉત્તર ધ્રુવ (arctic) મહાસાગર તથા અપતટ (off-shore) સમુદ્ર-સ્તરો(seabeds)માંથી પણ પેટ્રોલિયમ શોધાવાની સંભાવના છે.

મધ્યપૂર્વના દેશો દુનિયાનો 64 % જેટલો (572 બિલિયન બૅરલ) પેટ્રોલિયમનો જથ્થો ધરાવે છે. આમાં સાઉદી અરેબિયા (પર્શિયન ગલ્ફ તરફ) 170 બિલિયન બૅરલ સાથે 20 %, જ્યારે અબુ ધાબી, ઈરાન, ઇરાક અને કુવૈત દરેક લગભગ 10 % જેટલી પેટ્રોલિયમ અનામતો ધરાવે છે.

આકૃતિ 4

યુરોપમાં 8 % અનામતો છે. જૂના સોવિયેત યુનિયનમાં યુરલ પર્વતોની પશ્ચિમે સૌથી મોટા અનામત-સ્રોતો (લગભગ 59 બિલિયન બૅરલ) હોવાનું મનાય છે. સાઇબીરિયામાં પણ તેલક્ષેત્રો છે. ઉત્તર સમુદ્રની નીચે 20 બિલિયન બૅરલ જેટલો જથ્થો છે.

લૅટિન અમેરિકા દુનિયાનો 13 % (122 બિલિયન બૅરલ) અનામત જથ્થો ધરાવે છે. આમાં વેનેઝુએલા પાસે 58 બિલિ. બૅરલ અને મેક્સિકો પાસે 54 બિલિ. બૅરલ છે. આર્જેન્ટીના અને બ્રાઝિલ પાસે પણ પેટ્રોલિયમ-અનામતો છે.

આફ્રિકા દુનિયાની કુલ અનામતોના 6 % (57 બિલિ. બૅરલ) ધરાવે છે. તેમાંનું મોટાભાગનું લિબિયા (22 બિલિ. બૅરલ), અલ્જિરિયા અને ઉત્તર આફ્રિકી દેશોમાં છે. સહરાની દક્ષિણે નાઇજિરિયામાં પણ તેલ (16 બિલિ. બૅરલ) મળી આવ્યું છે.

એશિયામાં જૂના સોવિયેત સંઘ સાથે સંકળાયેલા તથા મધ્ય-પૂર્વ સિવાયના પ્રદેશોમાં વિશ્વની 5 % (43 બિલિ. બૅરલ) પેટ્રોલિયમ-અનામતો આવેલી છે. આમાંની અડધી ચીનમાં છે. દૂર પૂર્વમાં ઇન્ડોનેશિયામાં 8 બિલિ. બૅરલ અનામત જથ્થો છે.

યુ.એસ.માં 27 બિલિ. અને કૅનેડામાં 7 બિલિ. બૅરલ પેટ્રોલિયમ-અનામતો છે, જે દુનિયાના 4 % જેટલી થવા જાય છે. અમેરિકામાં તે ટૅક્સાસ, લુઇઝિયાના, કૅલિફૉર્નિયા, ઓક્લાહામા અને અલાસ્કામાં આવેલી છે. આ ઉપરાંત કૉલોરાડો, વાયોમિન્ગ અને ઉટાહમાં આવેલ તૈલી શેઇલ(oil-shale)ખડકો કે જે કેરોજન ધરાવે છે, તેમાંથી પણ પેટ્રોલિયમ ઉત્પન્ન કરી શકાશે. આ મીણ જેવો પદાર્થ ગરમ કરતાં તેલ આપે છે. કૅનેડામાં આલ્બર્ટા, સસ્કૅચવાન, બ્રિટિશ કોલંબિયા અને મૅનિટોબામાં તેલ-ક્ષેત્રો આવેલાં છે. વળી કૅનેડા બિટ્યુમિનસ રેતી અથવા ડામરી રેતીના દુનિયાના સૌથી મોટા નિક્ષેપો (deposits) ધરાવે છે. આ રેતીને ગરમ કરવાથી તેલ મળી શકે છે.

ઑસ્ટ્રેલેશિયામાં 2.5 બિલિ. બૅરલ જેટલો પેટ્રોલિયમનો અનામત જથ્થો હોવાનું મનાય છે. આમાંનો મોટાભાગનો ઑસ્ટ્રેલિયામાં છે.

આકૃતિ 5

પેટ્રોલિયમનું રસાયણ : કુદરતી વાયુમાં લગભગ 80 %થી 85 % મિથેન તથા અલ્પ પ્રમાણમાં ઇથેન, પ્રોપેન, બ્યૂટેન અને અકાર્બનિક વાયુઓ હોય છે. પેટ્રોલિયમ મુખ્યત્વે હાઇડ્રોકાર્બનોનું એક ખૂબ જ જટિલ મિશ્રણ છે અને તેમાં ઓછી ટકાવારીમાં ઑક્સિજન, સલ્ફર અને નાઇટ્રોજનયુક્ત પદાર્થો પણ હોય છે. વેપારી ધોરણે સંસાધન દ્વારા ક્રૂડ પેટ્રોલિયમના બિનહાઇડ્રોકાર્બન ઘટકો રાસાયણિક અને/અથવા ભૌતિક રીતોથી જુદા પાડવામાં આવે છે, જ્યારે હાઇડ્રોકાર્બનોને વિભાગીય નિસ્યંદન દ્વારા ઘટતી જતી બાષ્પશીલતા અનુસાર જુદા પાડવામાં આવે છે. સારણી 1માં પેટ્રોલિયમના મુખ્ય અંશો (cuts) દર્શાવ્યા છે :

સારણી 1 : પેટ્રોલિયમનું વિભાગીય નિસ્યંદન

ઘટકનું

વ્યાપારિક નામ

.બિંદુ

પરાસ (range) (0સે.)

કાર્બનપ્રમાણ

નિષ્કાસિત વાયુઓ

C1– C4

પેટ્રોલિયમ ઈથર

20o – 60o

C5 અને C6

હલકું નૅપ્થા (લિગરૉઇન)

60o – 120o

C6 અને C7

ગૅસોલીન

40o – 205o

C6-C12

કેરોસીન

175o – 325o

C12-C20

ગૅસ ઑઇલ

275o

 
ઊંજણ તેલ (લુબ્રિકેટિંગ ઑઇલ) (આંશિક શૂન્યાવકાશ-નિસ્યંદન)
આસ્ફાલ્ટ અથવા

(શેષ)

પેટ્રોલિયમ-કૉક

225o સે.થી ઉપરના ઉત્કલન-બિંદુવાળા પેટ્રોલિયમ વિભાગના બંધારણ વિશે બહુ ઓછી જાણકારી ઉપલબ્ધ છે.

રાષ્ટ્રીય માનક સંસ્થા (National Bureau of Standards) દ્વારા મધ્ય યુરોપીય (mid-continental) પેટ્રોલિયમના હલકા નિસ્યંદિત (distillate) ભાગમાંથી નિષ્કર્ષણ, અધિશોષણ, સ્ફટિકીકરણ તથા વિભાગીય નિસ્યંદન દ્વારા લગભગ 91 હાઇડ્રોકાર્બન મેળવવામાં આવ્યાં છે. સારણી 2 દ્વારા આ પદાર્થોની જટિલતા અંગે ખ્યાલ આપ્યો છે.

સારણી 2

સંયોજનનો પ્રકાર

અલગ

કરાયેલાં

સંયોજનોની સંખ્યા

લાક્ષણિક (typical) ઉદાહરણ

સાદાં આલ્કેન 12 મિથેનથી ડોડેકેન
આઇસો-આલ્કેન 30 મોનો, ડાઇ, ટ્રાઇ-આલ્કિલ, આલ્કેન્સ; ઉદા., 2, 2-ડાઇમિથાઇલ બ્યૂટેન, 2, 3, 3-ટ્રાઇમિથાઇલ પેન્ટેન વગેરે
સાઇક્લોપેન્ટેન 13 સાઇક્લોપેન્ટેન તથા તેના આલ્કિલ વ્યુત્પન્નો; ઉદા., 1, 1, 2-ટ્રાઇમિથાઇલ, સાઇક્લોપેન્ટેન
સાઇક્લોહેક્ઝેન 8 સાઇક્લોહેક્ઝેન તથા તેના આલ્કિલ વ્યુત્પન્નો; ઉદા., 1, 2, 4-ટ્રાઇમિથાઇલ સાઇક્લોહેક્ઝેન.
બેન્ઝિન વ્યુત્પન્નો 20 બેન્ઝિન, ટૉલ્યુઇન, ઝાયલીન, ટ્રાઇમિથાઇલ, બેન્ઝિન, મિથાઇલ ઇથાઇલ બેન્ઝિન વગેરે
નૅપ્થેલીન વ્યુત્પન્નો 3 નૅપ્થેલીન, 1-મિથાઇલ તથા 2-મિથાઇલ નૅપ્થેલીન
ટેટ્રાહાઇડ્રોનૅપ્થેલીન 3 1, 2, 3, 4-ટેટ્રાહાઇડ્રોનૅપ્થેલીન 5-મિથાઇલ તથા 6-મિથાઇલ વ્યુત્પન્નો
બેન્ઝિન સાઇક્લોપેન્ટેન 1 ફિનાઇલ સાઇક્લોપેન્ટેન
બાઇસાઇક્લેન 1 ચોક્કસ સંયોજન જાણીતું નથી.

પેટ્રોલિયમના ઘટકો : (અ) હાઇડ્રોકાર્બન : કુદરતી ગૅસોલીનમાં C3થી C8વાળાં પૅરેફિન આશરે નીચેના પ્રમાણમાં હોય છે. C3-C4 20 %,     C5 – 30 %, C6 – 24 %, C7 – 20 %, C8 – 4 %, અવશેષ 2 %.

આમાંનો એક ઉપયોગી ઘટક જેને C4 કાપ કહે છે તે પ્રોપેન અને C5 આલ્કેનમાંથી સહેલાઈથી છૂટો પાડી શકાય છે. તેમાં n-બ્યૂટેન તથા આઇસોબ્યૂટેન હોય છે. C5 કાપમાં n-પેન્ટેન તથા આઇસોપેન્ટેન સરખા પ્રમાણમાં હોય છે.

બ્યૂટેન CH3CH2CH2CH3 ઉ.બિં. – 0.5o સે.

                                                C4 કાપ

હાઇડ્રોકાર્બન મિશ્રણોના ઘટકોના વિશ્લેષણ માટે હવે ગૅસક્રોમેટોગ્રાફી, માસ સ્પેક્ટ્રોમૅટ્રી, પાર-રક્ત સ્પેસ્ટ્રોસ્કોપી જેવી કાર્યદક્ષ રીતો દ્વારા n-આલ્કેનમાંના C33 H68 ટ્રાઇટ્રાયાકોન્ટેન સુધીના ઘટકો અલગ કરી શકાયા છે. ઉપશાખાવાળા 37 આલ્કેન અલગ કરી શકાયા છે; જેમાં C6વાળા 4, C7વાળા 8 તથા C8વાળા 17 સમઘટકોનો સમાવેશ થાય છે.

પેટ્રોલિયમમાં મુક્ત શૃંખલાવાળા હાઇડ્રોકાર્બનો ઉપરાંત સાઇક્લોપૅરેફિન, જેને પેટ્રોલિયમ ટેક્નૉલૉજીમાં નૅપ્થીન કહે છે તે હોય છે. ગૅસોલીન ઘટકમાંથી આવા 38 નૅપ્થીન અલગ કરી શકાયા છે, જે મુખ્યત્વે સાઇક્લોપેન્ટેન તથા સાઇક્લોહેક્ઝેનનાં આલ્કિલ વ્યુત્પન્નો છે. કેટલાક નૅપ્થીન અહીં દર્શાવ્યા છે :

મોટાભાગના પેટ્રોલિયમમાં ઍરોમૅટિક હાઇડ્રોકાર્બનો પણ હોય છે. બૉર્નિયોક્રૂડમાં તેમનું કુલ પ્રમાણ 39 % જેટલું મળ્યું છે.

ગૅસોલીન અંશમાંથી 19 ઍરોમૅટિક ઘટકો બ્યૂરો ઑવ્ સ્ટાન્ડડર્ઝ દ્વારા અલગ કરાયા છે; જેમાં બેન્ઝિન (ઉ.બિં. 80.1), ટૉલ્યુઇન (ઉ.બિં. 110.6), ક્યુમીન (આઇસોપ્રોપાઇલ બેન્ઝિન, ઉ.બિં. 152.4o), સ્યુડોક્યુમીન (1,2,4-ટ્રાઇમિથાઇલ બેન્ઝિન, ઉ.બિં. 169.2o) જેવા કેટલાક વિશિષ્ટ છે. જુદાં જુદાં સ્થળોએથી મળતા પેટ્રોલિયમમાં આ ત્રણ પ્રકારના હાઇડ્રોકાર્બનોનું પ્રમાણ ભિન્ન હોય છે (લગભગ 0 %થી 40 % જેટલું).

હાઇડ્રોકાર્બનોના મિશ્રણનું આશરે પ્રમાણ નક્કી કરવા ઍનિલિન બિંદુ તથા વિ. ઘટત્વ વપરાય છે. જે તાપમાને આપેલ ગૅસોલીન તેના જેટલા જ પ્રમાણના ઍનિલિનમાં દ્રાવ્ય થાય તે તાપમાનને ઍનિલિન બિંદુ કહે છે. અન્ય એક રીતમાં પૅરેફિન અને નૅપ્થીન કરતાં ઍરોમૅટિક પદાર્થો વધુ ઝડપથી અધિશોષણ પામે છે તે સિદ્ધાંતનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત સલ્ફ્યૂરિક ઍસિડના ટકાવાર અવશોષણના પ્રમાણ ઉપરથી પણ એક રીત વિકસી છે. અન્ય એક રીત વક્રીભવનાંકની પણ છે. મધ્ય યુરોપીય ક્રૂડમાંથી મળતા કેરોસીન ઘટકમાંથી 11 હાઇડ્રોકાર્બનો મેળવાયા છે; જેમાં n-ડોડેકેન (ઉ.બિં. 216.3o), ત્રણ આલ્કિલ બેન્ઝિન વ્યુત્પન્નો, નૅપ્થેલીન તથા α- અને β- મિથાઇલ નૅપ્થેલીનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ટેટ્રાલીન (ઉ.બિં. 207.6o સે.) 1-તથા 2-મિથાઇલ  5,6,7,8 – ટેટ્રાહાઇડ્રો નૅપ્થેલીન (ઉ.બિં. 234o, 229o) પણ મળ્યાં છે.

(આ) નૅપ્થીનિક ઍસિડ : પેટ્રોલિયમનું આલ્કલી વડે નિષ્કર્ષણ કરી દ્રાવણને ઍસિડિક બનાવવાથી કાળો ઘટ્ટ ડામર (tar) મળે છે, જેને નૅપ્થીનિક ઍસિડ કહે છે (કારણ કે તેમાં મુખ્યત્વે નૅપ્થીન ઘટકમાંથી મળતાં સાઇક્લોપૅરેફિન હોય છે). આમાં બહુ જ ઓછા પ્રમાણમાં પૅરેફિનિક ઍસિડ હોય છે. આ ઘટકના સૌથી નીચા ઉત્કલનબિંદુવાળા ઘટકમાં C8–C12 ઍસિડ હોય છે. તેમનાં સામાન્ય સૂત્રો નીચે દર્શાવ્યાં છે

આમાંના ઘટકો II-IV 1938માં તથા V-VII ત્યારબાદ અલગ મેળવાયા હતા.

નૅપ્થેનિક ઍસિડનો કેટલોક હિસ્સો લેડ, કોબાલ્ટ તથા મૅંગેનીઝ સાબુ બનાવવા વપરાય છે. તે પેઇન્ટ તથા વાર્નિશમાં વપરાય છે. કૉપર-નૅપ્થીનેટ કોથળીઓને ભેજથી રક્ષવા, દરિયાઈ દોરડાં તથા લાકડાંની, રૂની અને શણની નીપજોની જાળવણી માટે વપરાય છે. આ ઉપરાંત નૅપ્થેનિક ઍસિડ ઍૅલ્યુમિનિયમ સાબુ તથા કોપરેલના ચરબીજ ઍસિડમાંથી 1942માં લૂઈ ફિશરે વિકસાવેલા ‘નાપામ’ ગૅસોલીન જેલ(ઘટરસ)ની બનાવટોમાં, અગ્નિજ્વાલક બૉમ્બ બનાવવામાં તથા જ્વાળા-પ્રક્ષેપકો(flame throwers)માં વપરાય છે.

(ઇ) સલ્ફર તથા નાઇટ્રોજન સંયોજનો : પેટ્રોલિયમમાં લગભગ 1 % સુધી સલ્ફર સંયોજનો પણ હોય છે. તેમની ખરાબ વાસને લીધે તે અણગમતાં હોય છે તથા પેટ્રોલિયમના દહન દરમિયાન આ મરકૅપ્ટન સંયોજનો SO2 બનાવે છે, જે ભેજની હાજરીમાં સલ્ફ્યુરસ ઍસિડ બનાવતો હોઈ સંક્ષારક (corrosive) છે. સરકારી નિયંત્રણો ગૅસોલીનમાં 0.10 % સુધી સલ્ફરનું પ્રમાણ માન્ય રાખે છે. સલ્ફર-સંયોજનોમાં ત્રણ પ્રકારનાં સંયોજનો પૅરેફિન, નૅપ્થીન તથા ઍરોમૅટિક પરખાયાં છે.

મોટાભાગના પેટ્રોલિયમ સ્રોતોમાં નાઇટ્રોજન સંયોજનોનું પ્રમાણ ઘણું નીચું 0.008% હોય છે. જાણીતા નાઇટ્રોજન બેઝમાં ક્વિનોલીન વ્યુત્પન્નો VIIIથી X જોવા મળે છે.

(ઈ)  બળતણ-અપસ્ફોટન (fuel knock) તથા ઑક્ટેન-આંક (જુઓ ઑક્ટેન-આંક, ગુ. વિ., ખંડ 3).

(ઉ) અપસ્ફોટરોધી સંયોજનો (antiknock compounds).

(ઊ) ડીઝલ તથા જેટ-બળતણો : ડીઝલ એન્જિનમાં માત્ર હવા જ દબાણ હેઠળ લવાય છે, જેથી કરીને તાપમાન 290oથી 340o સે. જેટલું મળી રહે. તેમાં બળતણ (fuel) સંપીડન-તબક્કા(compression stage)ના અંતે અંત:ક્ષિપ્ત (inject) કરવામાં આવે છે, જે ખૂબ ઝડપથી સળગી ઊઠે છે. ડીઝલ-બળતણ આમ બાષ્પશીલ જ હોય તે જરૂરી નથી. તે સામાન્યત: કેરોસીન અને ભારે ઊંજણતેલો વચ્ચેનાં ઉત્કલન-બિંદુવાળું હોય છે. એન્જિનની રચનામાં ફેર હોવાને લીધે ઊંચા ઑક્ટેન-આંકવાળાં ઇંધણ અહીં ખૂબ ઓછાં કાર્યક્ષમ હોય છે, જ્યારે નીચા ઑક્ટેન-આંકવાળાં વધુ કાર્યક્ષમ હોય છે. જ્વલન-ગુણવત્તા (ignition quality) સીટેન-આંકથી દર્શાવાય છે, જે સીટેન (n-હેક્ઝાડેકેન, મૂલ્ય = 100) તથા α -મિથાઇલ નૅપ્થેલીન(મૂલ્ય = 0)ના મિશ્રણથી દર્શાવાય છે. મોટાભાગનાં ડીઝલ એન્જિનવાળાં વાહનો માટે 45થી વધુ સીટેન-આંકવાળું ડીઝલ વપરાય છે.

જેટ-બળતણ પસંદ કરેલા ક્રૂડમાંના કેરોસીનમાંથી તેનું ઉષ્મીય સ્થાયિત્વ સુધારવા સંસાધિત કરવામાં આવે છે.

અહીં ઍરોમૅટિક સંયોજનો પ્રતિકૂળ ગણાય; કારણ કે તે ધુમાડાવાળી જ્યોતથી બળતાં હોઈ બળતણનો વ્યય થાય છે. n-આલ્કેન્સ સારી રીતે બળી શકે, પરંતુ તેમનાં ઊંચાં ગલનબિંદુને લીધે નીચા તાપમાને તેમની પ્રવાહિતા નિમ્ન (હલકી, inferior) કક્ષાની હોય છે.

(ઋ) ગૅસોલીનનું ઉત્પાદન : રિફાઇનરીમાં સાદા નિસ્યંદન દ્વારા મળી શકતા ગૅસોલીન કરતાં તેનો વપરાશ વધુ થતો હોવાને કારણે તેને મેળવવા ઉષ્મીય ભંજન, દબાણ હેઠળ ગરમ કરવું વગેરે રીતો શરૂઆતમાં વપરાવા લાગી. આ ઉષ્મીય ભંજન દ્વારા કેરોસીનના મોટા અણુઓ આવશ્યક બાષ્પશીલતાવાળા નાના હાઇડ્રોકાર્બનોના મિશ્રણમાં ફેરવી શકાતા હોવાથી ક્રૂડમાંથી મળતા ગૅસોલીનનું પ્રમાણ બમણું કરી શકાયું. ઉષ્મીય ભંજનથી મળતા ગૅસોલીનની ગુણવત્તા પણ ઊંચી હોય છે, કારણ કે તેમાં ઓલેફીનનું પ્રમાણ વધતું હોવાનું જણાયું છે. તેને કારણે તે ઊંચી અપસ્ફોટરોધી ગુણવત્તા ધરાવે છે. આથી ઉષ્મીય પુનરુત્પાદક વિધિ શોધાઈ, તેમાં સીધા નિસ્યંદિત (straight run) ગૅસોલીનનું દબાણ હેઠળ પરિવર્તન કરવામાં આવે છે. ઉષ્મીય ભંજન તથા ઉષ્મીય પુનરુત્પાદન – બંને દ્વારા ઇથિલીન વગેરે વાયુમય હાઇડ્રોકાર્બનોનું પ્રમાણ વધે છે. આવી નીપજો બનાવવા અન્ય રીતો પણ શોધાઈ છે, જેમાં બહુલીકરણ દ્વારા પણ તેમને ગૅસોલીનમાં ફેરવી શકાયા છે. અન્ય રીતો દ્વારા તેમને પેટ્રોરસાયણો બનાવવાના કાચા માલ તરીકે વાપરી શકાય છે. ઉષ્મીય ભંજનવિધિની અમુક મર્યાદાઓને કારણે તેમાં સુધારાઓ કરતાં ઉદ્દીપકીય ભંજન અને ઉદ્દીપકીય પુનરુત્પાદનની રીતો શોધાઈ. આ ઉદ્દીપકીય રીતો ગૅસોલીનની આવશ્યક જરૂરિયાતો સંતોષજનક રીતે પૂરી કરે છે. આ રીતોમાં માત્ર પ્રક્રિયાના પ્રકારનો જ તફાવત છે. ઉષ્મીય ભંજનમાં મુક્તમૂલક શૃંખલા-પ્રક્રિયા થાય છે, જ્યારે ઉદ્દીપકીય ભંજનમાં વપરાતા ઍસિડિક ઉદ્દીપકને લીધે આયનિક પ્રક્રિયા થાય છે.

(એ) બહુલક ગૅસોલીન (polymer gasoline) ભંજન દરમિયાન નીપજતા અસંતૃપ્ત વાયુરૂપ હાઇડ્રોકાર્બનો હાઇઑક્ટેન મોટરફ્યુઅલ બનાવવા માટે કીમતી મધ્યવર્તીઓ છે. તેનો પ્રથમ મોટા પાયે ઉપયોગ બહુલીકરણ દ્વારા પ્રવાહી પૉલિમર ગૅસોલીન બનાવવામાં થયો. તેનો ઑક્ટેન-આંક લગભગ 90 હોય છે. આ માટે ઉદ્દીપક તરીકે ફૉસ્ફૉરિક કે સલ્ફ્યુરિક ઍસિડ વપરાય છે.

બહુલીકરણ પ્રક્રિયા ખૂબ મોટા પાયે પ્રૉપિલીન કે પ્રૉપિલીન + બ્યૂટિલીન મિશ્રણ ઉપર કરવાથી મળતી નીપજમાં ગેસૉલીન જેવી બાષ્પશીલતા હોય છે. પ્રૉપિલીનમાંથી મુખ્યત્વે 2, 3-ડાઇમિથાઇલ બ્યૂટીન-2 બને છે.

એક લાક્ષણિક 100-ઑક્ટેન એવિયેશન ગૅસોલીનમાં 40 % આઇસોઑક્ટેન, 25 % આઇૅસોપેન્ટેન તથા 35 % ડિપેન્ટેનાઇઝ્ડ બેઝ સ્ટૉક અને 4 મિગ્રા./ગૅલન ટેટ્રાઇથાઇલ લેડ હોય છે.

(ઐ) મોટર-ગૅસોલીન : ઉચ્ચ ગુણવત્તાવાળા ગૅસોલીનના ઘટકોમાં ચોક્કસ પ્રમાણમાં બીજા પદાર્થો ભેળવવા પડે છે (blending). આવા પદાર્થોમાં થોડો બ્યૂટેન, હલકું લૂબ-ઑઇલ, ઇથિલીન ડાઇબ્રોમાઇડ કે ડાઇક્લોરાઇડ, ટ્રાઇક્રેસાઇલ ફૉસ્ફેટ (TCP), એમોનિયમ પૉલિઆલ્કિલ, બેન્ઝિન સલ્ફોનેટ(ક્ષારણ-પ્રતિકાર માટે)નો સમાવેશ થાય છે. પ્રતિ ઉપચયનકારક તરીકે 1,000 બૅરલ ગૅસોલીનમાં 5 રતલ 2, 6-ડાઇ-તૃ-બ્યૂટાઇલ 4-મિથાઇલ ફીનોલ અથવા n-બ્યૂટાઇલપૅરા-એમિનોફીનોલ તથા 1 રતલ નિષ્ક્રિયક (deactivator) આઇસો-પ્રોપાઇલ આલ્કોહૉલ તથા પ્રતિહિમ (antifreeze) તરીકે 2-મિથાઇલ પેન્ટેન-2, 4-ડાયોલ અને પૃષ્ઠસક્રિયક તરીકે એમાઇન ફૉસ્ફેટ, કેટલાંક રંગકો તથા છલકન (spillage) પારખવા 1, 4-ડાઇઆલ્કિલ ઍમિનો-એન્થ્રાક્વિનોન વપરાય છે.

આ ઉપરાંત ટૅક્નૉલોજીની દૃષ્ટિએ આલ્કિલેશન, સમાવયવીકરણ, ઉદ્દીપકીય પુનરુત્પાદન જેવી કેટલીક અગત્યની પ્રક્રિયાઓ પણ પેટ્રોલિયમ ઉપર કરવામાં આવે છે.

વિવિધ પેટ્રોલિયમ-પેદાશોની વપરાશ આ પ્રમાણે મુજબ છે :

સારણી 3 : પેટ્રોલિયમ નીપજોની વપરાશ

(રિફાઇનરીબૉઇલરઇંધન સિવાય)

  1995-96 1994-95 1993-94 1992-93 1990-91 1980-81
(દસ લાખ ટનમાં)
અ. હલકું નિસ્યંદિત, જેમાંથી 13.1 11.6 10.6 10.3 9.8 4.4
નૅપ્થા 3.7 3.4 3.2 3.4 3.4 2.3
મોટર – ગૅસોલીન 4.7 4.1 3.8 3.6 3.5 1.5
રાંધણગૅસ 3.9 3.4 3.1 2.9 2.4 0.4
બ. મધ્યમ નિસ્યંદિત, જેમાંથી 45.5 41.0 38.2 36.4 33.1 17.1
કેરોસીન 9.4 9.0 8.7 8.6 8.4 4.2
હાઈસ્પીડ ડીઝલ 32.3 28.3 25.9 24.5 21.1 10.3
ક. ભારે છેવટના પદાર્થો, જેમાંથી 13.9 12.9 12.1 12.5 12.1 9.5
ફ્યુઅલ ઑઇલ 10.7 9.9 9.2 9.3 9.0 7.5
કુલ 72.6 65.5 60.8 59.2 55.0 30.9

જ. પો. ત્રિવેદી