પેટ્રિયા : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા વર્બિનેસી કુળની એક પ્રજાતિ. તેનું વૈજ્ઞાનિક નામ Petra volubilis Linn. (અં. Purple Wreth; ગુ. નીલપ્રભા) છે. તે એક મોટી વળવેલ છે. તેનાં પર્ણો સાદાં, સમ્મુખ, અંડાકાર, દીર્ઘવૃત્તીય (elliptic) અથવા લંબચોરસ, અખંડિત અને તરંગિત હોય છે. તે અણીદાર પર્ણાગ્ર ધરાવે છે. પુષ્પવિન્યાસ નમિત (drooping) કક્ષીય કલગી (raceme) સ્વરૂપે વિકાસ પામે છે. વજ્રનલિકા દીર્ઘસ્થાયી (persistent), પ્યાલાકાર, દલાભ (petaloid), વાદળી રંગનાં 5 તારાકાર વજ્રપત્રોની બનેલી હોય છે. દલપુંજ દીપકાકાર (salver-shaped), ઘેરો વાદળી કે જાંબલી, દીર્ઘવૃત્તીય પહોળાં 5 જોડાયેલાં દલપત્રોનો બનેલો હોય છે.
આ વેલની સુંદરતા તેનાં ગુલાબી ઝાંયવાળાં, વાદળી-જાંબલી રંગનાં તારાકારનાં, લગભગ 3થી 4 સેમી. પહોળાં પુષ્પોથી ભરેલી ઝૂકી જતી સેરોને લીધે હોય છે. તેથી તેને ‘પર્પલ રૅથ’ કહે છે. પુષ્પનિર્માણ જાન્યુઆરીથી માર્ચ માસમાં થાય છે. ક્યારેક તેની ઉપર નવેમ્બર માસમાં પણ પુષ્પ જોવા મળે છે. તેનાં પુષ્પો ચકરી લેતાં પડે છે. તે જોવાની બાળકોને ખૂબ મઝા પડે છે. એ વેલને હલાવતાં ઘણાં પુષ્પો એકસાથે નીચે પડે છે ત્યારે ડીંટા આગળનો જાંબલી રંગનો ભાગ ચોંટેલો રહી જાય છે.
ઉદ્યાનોમાં શોભન-વનસ્પતિ તરીકે તે ઉગાડવામાં આવે છે. તેના ઉછેર માટે ખાસ કાળજી રાખવી પડતી નથી. તેનું પ્રસર્જન દાબકલમથી અથવા છોડની બાજુમાં ફૂટતા પીલાથી થાય છે. જોકે તેને ફૂટતાં પ્રમાણમાં લાંબો સમય લાગે છે. કેટલેક ઠેકાણે તેનું અવારનવાર કૃંતન (prunning) કરી ટટ્ટાર છોડની જેમ તેને ઉગાડવામાં આવે છે.
Petrea arborea નામની જાતિની વંશવૃદ્ધિ કરવી મુશ્કેલ હોય છે. તેથી P. volubilis પર ભેટકલમ કરીને તેનું પ્રસર્જન કરવામાં આવે છે.
Holmskioldia sanguinea Retz. નીલપ્રભાની સંબંધી જાતિ છે.
મ. ઝ. શાહ